________________
૨ ૨
ચુત ઉપાસક રમણભાઈ
અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબાને બહુ સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઇએ. ત્રીજી ધોરણામાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, “કેમ ફરીથી ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઇએ.'
પણ પરીક્ષામાં બધું આવડે તો ને ?'
કેમ ના આવડે? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ.”
અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે મને કહ્યું, રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઈ, સ્વચ્છ કપડાં પહેરી, દીવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની.”
બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટ તૈયાર કરી વાટકીમાં આપી. હું સ્થાનકે જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ પૂછયું, “દીવો કરી આવ્યો ?”
“હા.” “બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.”
ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.' કેમ એમ કર્યું ?' “પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે એટલે. પછી મને ક્યાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર માંગ્યો.”
સારું. તો હવે કાલથી રોજ બીજો નંબર જ માગજે. ઘડીકમાં પહેલો અને ઘડીકમાં બીજો એમ ન કરાય.”
મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ તો ફક્ત એક જ નંબર ઉપર ચડવાનું હતું. પણ મને એ સહેલું લાગતું ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગ શિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં એવું ઠસી ગયું હતું કે મને કોઈ દિવસ પહેલો કે બીજો નંબર મળે જ નહિ, પણ માતાના આગ્રહથી રોજેરોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org