________________
विनयमूलो धम्मो
૫૯
જન્મમરણની ઘટમાળથી સતત ઉભરાતા આ સંસારમાં કોઇપણ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં. બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઇક જુદું જ હોય. તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઇતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલાં કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. ઉદ્ધૃત, સ્વચ્છંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે માણસને વિનયી બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે . કેટલાકને ગરજે વિનયી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઇક જોઇતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું શીખવવું પડતું નથી.
સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે રહેલા વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે.
વિનય હંમેશાં હૃદયના ભાવપૂર્વકનો સાચો જ હોય એવું નથી. બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંત૨માં અભાવ, ઉદાસીનતા કે ધિક્કાર-તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાકને વિનય દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org