________________
સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ
૧૦૩
રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને હિંદીમાં બરાબર સોગંદ લેતાં પણ ન આવડે એ સ્થિતિ શરમજનક ગણાવી જોઇએ.
અત્યારની દુનિયામાં બીજા દેશો સાથે વ્યવહાર ન રાખીને એકલા અટૂલા રાષ્ટ્ર તરીકે રહેવાનું કપરું છે. પાડોશી સત્તાઓ સતાવ્યા વગર રહે નહિ. એમાં પણ રાજકીય ઉપરાંત આર્થિક ક્ષેત્રે ઘણી સમસ્યાઓ ઊભી થાય. બહુરાષ્ટ્રીય કંપનીઓ દુનિયાનાં બજારો કબજે કરવા ભારે સ્પર્ધા કરતી રહી છે. એમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન વગેરે છે. આ કંપનીઓ પગપેસારો કરીને અઢળક ધન ખેંચી જાય છે. નવી નવી શોધો દ્વારા તેઓ પોતાનું વર્ચસ્વ વધારતી રહે છે. દુનિયાનાં બજારો ન મળે તો એનું અસ્તિત્વ ન ટકે. પરંતુ ભારતે એવી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેના વ્યવહારમાં ઘણું સાવધ રહેવું ઘટે. ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી એ એને ભૂલવું ન જોઇએ. ત્યારે તો એક જ કંપની હતી. હવે તો ઘણી કંપનીઓ આવી છે. એમાંથી થોડીક પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્વરૂપ ધારણ કરે તો ભારતને ફરી રાજકીય અને આર્થિક ગુલામી ભોગવવાનો વખત આવશે. જો એ કંપનીઓનું અને તેમાં પણ અમેરિકન કંપનીઓનું વર્ચસ્વ વધી જાય તો ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન કોણ બને એનો નિર્ણય અમેરિકાની કંપનીઓ લેતી થઇ જશે અને ભારતને લાચાર થઇને એ જોયા કરવું પડશે. ભારતને એવી કંગાળ અને દેવાદાર હાલતમાં તેઓ મૂકશે કે પછી એની નાગચૂડમાંથી નીકળવાનું અઘરું થઇ પડશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભલી અને પરગજુ છે એમ માનવાની ભૂલ ક્યારેય ન થવી જોઇએ. તેઓના આર્થિક પેંતરા તો પરિણામ આવ્યા પછી જ જણાય છે. ટોચના રાજકીય નેતાઓને ભોળવવાની અને અર્થોંધ બનાવવાની મોહિની તેમની પાસે છે. થોડાઘણા અમીચંદો તેમને મળી જ રહેવાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org