________________
૧૧૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ સ્થૂલિભદ્રના જીવનની બધી વિગતોના કથન માટે ફાગુકાવ્યમાં અવકાશ નથી. એમના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા આ પ્રમાણે છેઃ
મગધ દેશમાં પાટલીપુત્રમાં નંદ નામનો રાજા રાજ્ય કરતો હતો. એને શકટાલ નામનો બુદ્ધિશાળી, વ્યવહારદક્ષ, નિર્ભય મંત્રી હતો. એની પત્નીનું નામ લક્ષ્મીવતી હતું. એમને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ સ્થૂલિભદ્ર અને નાનાનું નામ શ્રીયક હતું. એ નગરમાં કોશા નામની યુવાન જાજરમાન વેશ્યા રહેતી હતી. કોશાને જોઈ
સ્થૂલિભદ્ર તેના પર મોહિત થઈ જાય છે અને પછી કોશાને ઘરે જ રહી જાય છે. એમ કરતાં કરતાં બાર વર્ષ વીતી જાય છે.
એક વખત વરરુચિ નામનો એક પંડિત પાટલીપુત્રમાં આવે છે અને રાજાને એકસોને આઠ નવા શ્લોક બનાવીને સંભળાવે છે. પરંતુ મંત્રી શકટાલ વરરુચિને તરત પારખી જાય છે. શકટાલની ઇચ્છા નથી તો પણ તે વરરુચિને દાન આપવા માટે રાજાને કહે છે. પરંતુ પછીથી વરરુચિ રોજ આવી જૂના નવા શ્લોક સંભળાવવા લાગે છે અને રાજા રોજ દાન આપે છે. એથી શકટાલ રાજાને અટકાવે છે કે આ રીતે તો ભંડાર ખલાસ થઈ જશે. આથી વરરુચિ સાથે શકટાલને વેર બંધાય છે. વરરુચિ પોતાના વિદ્યાર્થીઓ દ્વારા એક શ્લોક ઠેર ઠેર બોલાવી રાજાના મનમાં સંશય પેદા કરે છે. એ શ્લોકમાં કહ્યું છે કે “શકટાલ રાજાને મરાવી નાખી પોતાના પુત્ર શ્રીયકને ગાદીએ બેસાડશે.”
રાજાને પોતાનો વહેમ સાચો લાગે છે અને શકટાલ અને એના કુટુંબનું નિકંદન કાઢી નાખવા વિચાર કરે છે. આ વાતની ગંધ આવતાં શકટાલ પોતે જ શ્રીયકને સમજાવે છે કે રાજાની સભામાં શ્રીયકે પિતા શકટાલનું મસ્તક છેદી નાખવું. એમ કરવાથી કુટુંબ બચી જશે. ન છૂટકે શ્રીયકને એ પ્રમાણે કરવું પડે છે. શકટાલના મૃત્યુ પછી શ્રીયકના કહેવાથી રાજા સ્થૂલિભદ્રને બોલાવી મંત્રી થવા કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org