________________
શેરીના સંતાનો
૮૫
કંઈક જુદું જીવન જીવવા માટે નીકળેલાં બાળકો, દેખાદેખીથી નીકળેલાં બાળકો, માબાપે ઘરમાંથી હાંકી કાઢેલાં બાળકો, ઘરનાં ત્રાસથી ભાગી નીકળેલાં બાળકો-આમ વિવિધ પ્રકારનાં દસ બાર વર્ષથી વીસેક વર્ષનાં સંતાનો ઘર છોડીને પેટ ભરવા નીકળી પડે છે. કેટલાંક પોતાના શહેરમાં જ રખડે છે, તો કેટલાંક નજીક કે દૂરના મોટા શહેરમાં જઇને રહે છે. અન્ન, વસ્ત્ર અને આશ્રય એ ત્રણેની સમસ્યાવાળાં આવાં બાળકો, કેટલીક વાર તો ઢોરની જેમ આમતેમ રખડીને ખાવાનું શોધે છે. કેટલાંક તો એથી વધુ ખરાબ સ્થિતિમાં હોય છે. તેઓ કચરાના ઢગલામાંથી, એઠવાડમાંથી ખાવાનાં દાણાં વીણે છે અને મોટી ગટરોના વિસ્તારોમાં પડ્યા રહે છે. એમાંના કેટલાંયે અપૂરતા પોષણને કારણે કે રોગનો ભોગ બનવાને લીધે અકાળે મૃત્યુ પામે છે. આવાં શેરીનાં સંતાનોની-street children ની સમસ્યા વર્તમાન જગતની એક મોટી સમસ્યા છે.
સમાજમાં ઘરમાં રહેતાં ગરીબ બાળકો માટે સેવાનું કાર્ય કરવાનું ક્ષેત્ર પણ ઘણું મોટું છે. વળી યુવાન ગરીબ બેકાર માણસોને રોજીરોટી મળી રહે તે માટે સરકારી સ્તરે અને સામાજિક સ્તરે ભગીરથ કાર્ય કરવાની આવશ્યકતા છે. સામાજિક કલ્યાણ માટેના વિષયો અને ક્ષેત્રો ઘણાં બધાં છે. આર્થિક રીતે સદ્ધર ગણાતા દેશોમાં પણ છોકરા-છોકરીઓની જાતજાતની સમસ્યાઓ હોય છે. અજ્ઞાન, અંધશ્રદ્ધા, કુરિવાજો, વૃદ્ધાવસ્થા, અનાથ બાળકો, મંદબુદ્ધિનાં બાળકો, જાતજાતની બીમારીઓથી પીડાતા માણસો એમ અનેક ક્ષેત્રો માનવતાવાદી કાર્ય કરવા માટેનાં છે. બધાં બધું કરી શકતાં નથી. એટલે જ કેટલાક પોતપોતાની ભાવના, રુચિ, શક્તિ, સાધનો, કાર્યકર્તાઓની સંખ્યા ઇત્યાદિ અનુસાર પોતાનું નાનકડું સેવાનું ક્ષેત્ર પસંદ કરીને એમાં સંગીન કાર્ય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org