________________
૧૦
સમાધિમરણ
ત્યારે લક્ષ્મીદેવીએ કીધું કે હું તો પુણ્યની દાસી છું. જેનું પુણ્ય હોય તેની પાસે રહું છું.
માટે કહ્યું છે કે લોભ એ પાપનો બાપ છે. ધનની ઇચ્છાએ લક્ષ્મીપૂજન કરવાથી મિથ્યાત્વનો બંધ થાય છે. જ્યારે નિષ્કામભાવે સન્મુરુષના ચરણકમળની પૂજા કરવાથી કે તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. તેથી સર્વ સુખ સમૃદ્ધિ સહેજે આવી મળે છે.
સુણાવના એક ભાઈલાલભાઈ લક્ષ્મીદાસ મુમુક્ષુ હતા. તેમને મન તો પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી એ જ ખરું ધન હતું. તેમનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે–
શ્રી ભાઈલાલભાઈનું દૃષ્ટાંત–શ્રી ભાઈલાલભાઈએ બારસને દિવસે એમની બાને કહ્યું કે કાલે ધનતેરસ છે. લોકો ધનતેરસને દિવસે ધનને દૂધથી ધૂએ છે. ત્યારે એમની બાએ કહ્યું આપણી પાસે ક્યાં ધન છે કે જેને દૂધથી ધોઈએ. ત્યારે ભાઈલાલભાઈએ કહ્યું કે અગાસ આશ્રમમાં આપણું ધન છે. પ્રભુશ્રીજી એ જ આપણું ખરું ધન છે. એમના ચરણકમળ ધોઈએ. એમ વિચારી ધનતેરસને દિવસે સવારના ત્રણ વાગ્યે વહેલા ઊઠી, દૂધ દોહીને ચાલતાં ચાલતાં અગાસ આશ્રમમાં આવ્યા. તે વખતે ભક્તિમાં સ્તવન બોલાતા હતા. પછી ભાઈલાલભાઈ એ ભગતજીને કહ્યું કે મારે આજે પ્રભુશ્રીજીના ચરણકમળ દૂધથી ધોવા છે. તે વાત ભગતજીએ પ્રભુશ્રીજી ને કહી. ભાઈલાલભાઈએ પ્રથમ શુદ્ધ જળથી પ.પૂ. પ્રભુશ્રીજીના ચરણનું પ્રક્ષાલન કર્યું. પછી દૂધથી પ. ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના ચરણ કમળ ધોવાનો અદ્ભુત લાભ લીધો હતો. પછી રૂમ ઉપર જઈ તે દૂધથી ઢેબરા ખાધા હતા.