________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૪૭] અભિપ્રાયની દઢતા હોય છે તેથી સમતાભાવ પ્રગટ થાય છે શ્રીમદ્દના “અપૂર્વ અવસરમાં આવે છે ને કે:
એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ-સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.” – અપૂર્વ
અહા! વાઘ-સિંહ ખાવા આવે તો જાણે મિત્રનો યોગ થયો એમ સમજે, મતલબ કે જ્ઞાનીને તે કાળે ચિત્તમાં દ્વેષ કે ક્ષોભ ન ઉપજે. કેમ? કેમકે શરીર મારું નથી, મારું રાખ્યું રહ્યું નથી અને એ લેવા આવ્યો છે તે ભલે લઈ જાય, એમાં મને શું છે? આવી સમ્યગ્દર્શનમાં સમતા હોય છે. હું પરને હણું ને પર મને હણે એવો અધ્યવસાય જેને નથી તેને અસાધારણ સમતા હોય છે. તેથી તો કહ્યું કે તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે. આવી વાત છે!
* ગાથા ૨૪૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન * પર જીવોને હું મારું છું અને પર મને મારે છે'- એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે-મિથ્યાદષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે-સમ્યગ્દષ્ટિ છે.
અહા! પ્રત્યેક સત્તા અભેદ્ય છે. કોઈની સત્તામાં કોઈ અન્યનો પ્રવેશ જ નથી તો પછી કોઈ કોઈને મારે એ વાત જ ક્યાં રહે છે? માટે પર જીવોને હું હણું છું અને પર મને હણે છે એવો આશય નામ અભિપ્રાય-રુચિ અજ્ઞાન છે. તેથી જેને એવો અભિપ્રાય છે તે મિથ્યાદષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની-સમ્યગ્દષ્ટિ છે.
“નિશ્ચયનયે કર્તાનું સ્વરૂપ એ છે કે પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થ કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે.”
દશ પ્રાણોનો વિયોગ થવો એનું નામ મરણ છે. હવે જ્યાં પ્રાણ જ એનાં નથી ત્યાં હું એના પ્રાણને હણું એ ક્યાં રહ્યું? જ્યાં પ્રાણ જ મારા નથી ત્યાં મારા પ્રાણને બીજા હણે એ વાત જ ક્યાં રહી? ભાઈ ! કોઈ કોઈનું મરણ કરે એ વસ્તુસ્થિતિ જ નથી.
“નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે માનવું તે સમ્યજ્ઞાન છે.” વ્યવહારથી કહેવાય કે આણે આને માર્યો, આણે આને બચાવ્યો. એ તો મરણ-જીવનના કાળે બહારમાં બીજા કોનો ભાવ નિમિત્ત હતો તેનું જ્ઞાન કરાવવા માટે કથન છે; બાકી કોઈ કોઈને મારે કે બચાવે છે એ વસ્તુ સ્વરૂપ નથી. આમ વ્યવહારના વચનને અપેક્ષા સમજી યથાર્થ માનવું તે સમ્યજ્ઞાન છે. સમજાણું કાંઈ...?
[ પ્રવચન નં. ૩૧૩ (ચાલુ) * દિનાંક ૭-૨-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com