________________
૧૭
બળદની સેવા કે બુદ્ધનું પ્રવચન ?
ખેડૂતની દ્વિધાનો પાર રહ્યો નહીં. કરવું શું ? એકાએક માથે આવી આફત આવશે એવી એણે કલ્પનાય કરી નહોતી.
એણે ભગવાન બુદ્ધને પોતાના ગામમાં પધારવાનું નિમંત્રણ આપ્યું હતું અને ભગવાન બુદ્ધે સહજતાથી સ્વીકારીને ગામમાં પ્રવેશવાનો નિયત દિવસ પણ સૂચવી દીધો હતો. એ પછી, ખેડૂતે આવીને ગામલોકોને વાત કરી કે એના નિયંત્રણનો સ્વયં ભગવાન બુદ્ધે સ્વીકાર કર્યો છે અને તેઓ અમુક દિવસે ગામમાં પધારી રહ્યા છે.
ગ્રામજનોના હર્ષનો પાર ન રહ્યો અને વિચારવા લાગ્યા કે
આ તે કેવું મોટું સદ્ભાગ્ય ! સહુએ ભેગા મળીને ગામના સીમાડે વિશાળ વટવૃક્ષ નીચે ભગવાન બુદ્ધના પ્રવચનનું આયોજન કર્યું. ભગવાન બુદ્ધ આવ્યા અને ગામના પાદરે પ્રવચન આપવા ગયા, ત્યારે યજમાન ખેડૂતને માથે મોટી આફત તૂટી પડી. એનો બળદ એકાએક બીમાર પડ્યો અને તાવથી થરથર ધ્રૂજવા લાગ્યો. વેદનાથી જમીન પર આળોટવા લાગ્યો. ખેડૂત વિચારમાં પડ્યો કે બળદની સંભાળ લેવી કે ભગવાન બુદ્ધનું પ્રવચન સાંભળવું ? મનમાં સતત એમ થતું કે પોતે નિમંત્રણ આપ્યું અને પોતે જ પ્રવચન નહીં સાંભળી શકે !
એણે બળદની સારવાર કરી અને એનો પ્રાણ બચી ગયો. ખેડૂત ગામના સીમાડા તરફ દોડ્યો અને વટવૃક્ષ પાસે પહોંચ્યો
34 – પ્રસન્નતાનાં પુષ્પો
ત્યારે ભગવાન બુદ્ધનું પ્રવચન પૂર્ણ થઈ ચૂક્યું હતું. ગ્રામજનોએ એને જોઈને હસી-મજાક કરી.
કોઈએ ભગવાન બુદ્ધ સમક્ષ એવી ટીકા પણ કરી કે આ તે કેવો ખેડૂત, કે જેણે આપને ગામમાં પધારવાનું નિમંત્રણ આપ્યું અને એ પોતે જ પ્રવચન સમયે અદૃશ્ય થઈ ગયો ! વાહ રે વાહ ! છેક પ્રવચન પૂરું થયા પછી આવ્યો. કેવો સ્વાર્થી ગણાય ?
ખેડૂતે બે હાથ જોડીને પોતાની મુશ્કેલીની વાત કરી. એ સાંભળી ભગવાન બુદ્ધે કહ્યું, “આ ખેડૂતે મારું પ્રવચન સાંભળવાને બદલે પોતાનું કર્તવ્ય નિભાવ્યું, તેનો અર્થ જ એ છે કે તે મારા વિચાર અને પ્રવચનના મૂળ તત્ત્વને યોગ્ય રીતે સમજી શક્યો છે. પ્રવચન સાંભળવા આવ્યો નહીં તે સારું કર્યું, કારણ કે જો એનો બળદ મરી ગયો હોત તો મારા પ્રવચનનું સઘળું શ્રવણ નિરર્થક બની ગયું હોત. મારા વિચારનું કશું મૂલ્ય રહ્યું ન હોત.”
કોઈએ કહ્યું, “પણ એણે આપના વિચારો જાણવાનું તો ગુમાવ્યું ને ?”
“ના. જ્ઞાનપ્રાપ્તિનો અર્થ જ એ છે કે પોતાના કર્તવ્યથી ભાગવું નહીં, પરંતુ એને યોગ્ય રીતે સમજીને પોતાની જવાબદારી નિભાવવી. પ્રત્યેક વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિ મુજબ કાર્ય કરવું જોઈએ.”
ગ્રામજનો ભગવાન બુદ્ધની વાતનો મર્મ સમજી ગયા.
પ્રસન્નતાનાં પુષ્પો | 35