________________
વેપારીને તો એમ હતું કે સંત એને શાબાશી આપશે, એને બદલે સંત ગંભીર બનીને ઊંડા વિચારમાં ડૂબી ગયા.
થોડા સમય પછી એમણે વેપારીને કહ્યું, “ભાઈ, તારી પાસે જેટલી સંપત્તિ છે એટલા તો આ દેશમાં સદાવ્રત પર નભનારા લોકો છે. કશોય કામધંધો ન કરતા કેટલા પ્રમાદીઓને તું સહાય કરીશ ? વળી આ બધા મહેનત કરવાને બદલે મફતનું ખાવા લાગશે અને થોડાક સમયમાં તારી સઘળી સંપત્તિ ખર્ચાઈ જતાં તને કોઈ પુણ્યલાભ પ્રાપ્ત થશે નહીં.”
સંતની વાત સાંભળીને વેપારી દ્વિધામાં પડી ગયો. એણે હાથ જોડીને સંતને કહ્યું, “મહારાજ, આપ જ કોઈ માર્ગ સુઝાડો. મારે શું કરવું જોઈએ ?”
સંતે કહ્યું, “તમારી ભાવનાનું પરિવર્તન કરશો, તો તમે જરૂર તમારું ધ્યેય સિદ્ધ કરી શક્શો.”
“એ કઈ રીતે થઈ શકે ?”
સંતે કહ્યું, “વિરાટ મંદિર, કામ વિનાના માણસોને સહાય કે સદાવ્રતને બદલે વિદ્યાલય, ઉદ્યોગશાળા અને ચિકિત્સાલયોની સ્થાપના કરો. જેથી લોકો સ્વસ્થ બનશે. શિક્ષિત થશે અને ખરેખર ઉદ્યમી બની રહેશે. જો તેઓ ઉદ્યમ કરે તો એમને ભિક્ષાવૃત્તિ કરવાનું, સદાવ્રત પર નભવાનું કે ચોરી કરવાનું મન નહીં થાય. આવી રીતે દયા-દાન કરવાથી લોકો વધુ ઉદ્યમી અને મહેનતુ બનશે. એ જ સાચું દાન છે કે જે દાન વ્યક્તિને લાચાર કે યાચક બનાવે નહીં, પરંતુ સ્વાભિમાનથી જીવન જીવતાં શીખવે.”
#
146 – પ્રસન્નતાનાં પુષ્પો
૬૯ | સંહારલીલાનું પરિણામ અનિશ્ચિત હોય !
નદીના કિનારા પર આવેલી એક ઊંચી રેતાળ ટેકરીને માટે બે રાજ્યો સામસામે યુદ્ધે ચડ્યાં. આ ટેકરી પર પોતાનો અધિકાર છે એવો બંનેનો દાવો હતો અને હવે એ દાવાને અધિકારમાં બદલવા તૈયાર થયા હતા. બંને રાજ્યોની સેનાઓ સામસામે આવીને ઊભી રહી. બંને રાજાઓએ પ્રાણાન્તે પણ ટેકરી પર આધિપત્ય મેળવવાનો હુંકાર કર્યો. બંનેને પોતીકું બળ બતાવવું હતું અને સામા પક્ષને પરાજિત કરવો હતો. એવામાં ભગવાન બુદ્ધ એ માર્ગેથી નીકળ્યા અને એમણે જોયું તો રાજાઓ પોતપોતાની સેના સાથે યુદ્ધ ખેલવા માટે સુસજ્જ અને આતુર હતા.
ભગવાન બુદ્ધે આ યુદ્ધનું કારણ પૂછ્યું, તો બંનેએ પોતપોતાના દૃષ્ટિકોણથી વાત કરી. બંનેએ પોતાનો દાવો સાચો હોવાનું કહ્યું. આ સાંભળીને ભગવાન બુદ્ધે કહ્યું,
“તમારો હેતુ આ રેતાળ ટેકરી પર પોતાનું રાજ જમાવવાનો છે, પરંતુ મારે જાણવું એ છે કે તમારે માટે આ રેતાળ ટેકરી કોઈ રીતે ઉપયોગી છે ખરી ? એનું કોઈ પ્રજાકીય કે આંતરિક મૂલ્ય છે ખરું ?”
બંને રાજાઓ વિચારમાં પડ્યા. એમને તો પ્રભુત્વ સ્થાપવાનો અહંકાર પોષવો હતો. પણ ક્યારેય એવો વિચાર નહોતો કર્યો કે
આ ટેકરીનો ઉપયોગ શો ? એનું આંતરિક મૂલ્ય શું ? બંને રાજાઓએ કહ્યું,
પ્રસન્નતાનાં પુષ્પો D 147