________________
૨૨
પ્રસિદ્ધિથી દાન ઝંખવાય છે
કરાંચીમાં આવેલા જનચકિત્સાલયમાં વધુ સાધનસામગ્રી વસાવવાની હતી અને એની સુવિધાઓને વધુ બહેતર બનાવવાની હતી, તેથી એની પ્રબંધસમિતિના સભ્યો ફાળો ઉઘરાવવા માટે નીકળ્યા. એ સમયે જમશેદજી મેહતા કરાંચીના પ્રસિદ્ધ વેપારી અને સમાજસેવક હતા. એમની પાસે સમિતિના સભ્યો ફાળો ઉઘરાવવા ગયા અને એમાંના એક સભ્યે વિનંતી કરી.
“અમે જનચિકિત્સાલયની આરોગ્ય સેવાઓ વધુ સારી બનાવવા માગીએ છીએ તેથી ફાળો ઉઘરાવીએ છીએ. વળી અમારી પ્રબંધ સમિતિએ એવો નિર્ણય કર્યો છે કે જે દસ હજાર રૂપિયાનું દાન આપશે, એનું નામ હૉસ્પિટલના મુખ્ય દ્વાર પરની તકતીમાં મોટા અક્ષરે લખવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે આપ આટલું દાન આપો અને આપનું નામ તકતી પર લાગે.”
જમશેદજી મેહતાએ આ સભ્યોને બેસવાની વિનંતી કરી અને પછી પોતાની તિજોરીમાંથી રૂપિયાનાં બંડલો કાઢીને એમની સમક્ષ મૂક્યાં. પ્રબંધ સમિતિના સભ્યો એ ૨કમ ગણવા લાગ્યા, તો તે નવ હજાર નવસોને પચાસ રૂપિયા હતા. બધા સભ્યો એકબીજા સામે જોવા લાગ્યા. એમને થયું કે કદાચ જમશેદજી મેહતા આપણી વાત પૂરેપૂરી સમજી શક્યા નથી, તેથી મુખ્ય વ્યક્તિએ થોડા સંકોચ સાથે કહ્યું,
‘આપે ૯,૯૫૦ રૂપિયા આપ્યા છે. જો માત્ર પચાસ રૂપિયા
44 D પ્રસન્નતાનાં પુષ્પો
આપો તો પૂરા દસ હજાર થઈ જાય અને હૉસ્પિટલના મુખ્ય દ્વારની તકતી પર મુખ્ય દાતા તરીકે અમે આપનું શોભાયમાન નામ મૂકી શકીએ.’
જમશેદજી મેહતાએ નમ્રતાથી કહ્યું, “મારે માટે આટલી ૨કમ અને આટલું દાન એ ઉત્તમ છે. હું પૂરા દસ હજાર રૂપિયા આપીને મારા દાનનું વિજ્ઞાપન કરવા માગતો નથી. વિજ્ઞાપનથી દાનનું મહત્ત્વ નષ્ટ થાય છે.”
એક સભ્યે વળતો સવાલ કર્યો, “એમાં શું ? એનાથી તો લોકોને દાન આપવાની પ્રેરણા થાય.”
જમશેદજી મેહતાએ કહ્યું, “જુઓ, તમારો ઉદ્દેશ દાન કે દાતા નથી, પણ ચિકિત્સાલયની સુવિધા અને દર્દીઓને રાહત છે. જો તમે દાનનો જ પ્રચાર કર્યા કરશો, તો નિર્ધન વ્યક્તિઓને ત્યાગ અને સેવા કરવાની પ્રેરણા કઈ રીતે અને ક્યાંથી મળશે ? તેઓ ઓછી ૨કમ આપતાં સંકોચ અનુભવશે. સાચી વાત તો એ છે કે નિઃસ્વાર્થ સેવામાં જે આનંદ છે, તેવો પથ્થર પર નામ લખાવવામાં નથી.”
જમશેદજી મેહતાની વાત સાંભળીને પ્રબંધ સમિતિના સભ્યો પર એમના વિચારોમાં રહેલી ભાવનાનો ઊંડો પ્રભાવ પડ્યો.
પ્રસન્નતાનાં પુષ્પો 7 45