Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ પ દાન કરતાં સેવા મહત્ત્વની છે આર્યસમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસી, અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રતિભાથી અંજાઈ ગયેલા એક યુવકે કહ્યું, “સ્વામીજી, તમે દેશમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતમાં પ્રચંડ ક્રાંતિ સર્જી છે. મૃત્યુ પછીનાં ક્રિયાકાંડોનો વિરોધ કર્યો છે. વળી સમાજ સેવાને તમે ઘણું મહત્ત્વ આપ્યું છે, આથી મારે આપને સર્વસ્વ સમર્પિત કરીને સમાજસેવા કરવી છે.” સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, “સમાજને માટે જાત ઘસી નાખવાનો તારો વિચાર જરૂર સારો છે.” ગરીબ યુવકે કહ્યું, “સ્વામીજી, મારી સમાજસેવાના પ્રેરણાદાતા આપ જ છો, દેશની દરિદ્રતાનું આપે આપેલું દાંત હજી મારા મનમાં તરવરે છે. પોતાના એકમાત્ર સંતાનનું અવસાન થતાં એના શબને નદીમાં વહાવી દેતી સ્ત્રી એના જ કફનથી પોતાની લાજ ઢાંકે છે. આ સત્ય હકીકત મારા હૃદયને ખળભળાવી મૂક્યું છે અને તેથી જ હું મારું સર્વસ્વ દાન આપવા અને આપને જીવન સમર્પિત કરવા આતુર છું.” સ્વામી દયાનંદ સરસ્વતી ગરીબ યુવાનની આર્થિક પરિસ્થિતિ જાણતા હતા તેથી એમણે કહ્યું, “ભાઈ, આવી ઉતાવળ ન કર. તારી ગરીબાઈ અને જવાબદારી હું જાણું છું. તારે માથે પરિવારના પોષણની જવાબદારી છે.” યુવાને કહ્યું, “સ્વામીજી, જેનું જેવું ભાગ્ય હશે એમ થશે. મારે મારું જીવતર એળે જવા દેવું નથી, એ સાચું કે હું રાજામહારાજાની જેમ મોટું દાન કરી શકીશ નહીં, પરંતુ મારે મારી પાસે જે કંઈ ધન છે તે આપને સમર્પિત કરી જીવન કૃતાર્થ કરવું છે. આ મહામૂલો માનવ અવતાર મળ્યો અને પુણ્ય-દાન ન કરે તો મારું જીવતર એળે ગયું ગણાય.” સ્વામી દયાનંદ સરસ્વતીએ દૃઢ અવાજે કહ્યું, “સાંભળ, ઘર અને પરિવારની ફિકર છોડીને તું બધું દાનમાં આપી દઈશ તો તારો અવતાર એળે ગયો કહેવાય. દાનની રકમમાંથી બાળકોને બરાબર દૂધ આપવું અને પૌષ્ટિક ખોરાક આપવો તે પહેલી વાત છે. પછી પુણ્યદાનનો વિચાર કરજે. પૈસા કરતાંય તન અને મનથી કરેલી સેવા ઈશ્વરને ચોપડે વધુ લખાય છે. સમજ્યો.” ગરીબ યુવાને કહ્યું, “પણ મારે તો જીવન સાર્થક કરવું છે. દાન-પુણ્ય સિવાય આનો બીજો કોઈ ઉપાય છે ખરી ?” જરૂર, પરિવારને સ્નેહ કરવો. પારકાના ભલાનો વિચાર કરવો. દુષ્ટ વિચાર અને દુષ્ટ કૃત્યથી દૂર રહેવું - એ ધર્માચરણ છે અને ધર્માચરણ એ જ જીવન સાર્થક્ય છે. સમજ્યો !” યુવકને જીવનનું સત્ય સમજાયું. ઘર-પરિવારની યોગ્ય સંભાળ લીધા પછી જ જગતકલ્યાણની વાત થઈ શકે. 138 [ પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 139

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82