________________
૧૫ સૂકું પાંદડું પડ્યું ને હૃદયમાંથી કશુંક ખર્યું !
જ્ઞાન ક્યારેક ગર્વનું નિમિત્ત બને છે. એક શિષ્ય ગુરુ પાસે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. એક પછી એક શાસ્ત્રોમાં પારંગત બનતો ગયો. જેમજેમ શાસ્ત્રજ્ઞાન વધતું ગયું, તેમતેમ એના અહંકારમાં વૃદ્ધિ થતી ગઈ. એ ગુરુ પાસે આવ્યો અને ગર્વભેર બોલ્યો, “ગુરુદેવ, હું સર્વ શાસ્ત્રોમાં પારંગત થયો છું. મને એમ લાગે છે કે હવે કોઈ શાસ્ત્રનો અભ્યાસ મારે માટે બાકી નથી રહ્યો. સઘળું શાસ્ત્રજ્ઞાન સંપાદિત કરી લીધું છે, એમ છતાં અધ્યયન કરવાનું કશું બાકી હોય, તો કહો.”
ગુરુએ કહ્યું, “શિષ્ય, જ્ઞાનમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. જેને શીખવું છે, એને સર્વ સ્થળેથી જ્ઞાન મળે છે.”
એટલે ?"
એનો અર્થ એટલો કે માત્ર ગ્રંથોમાં જ જ્ઞાન નિહિત નથી. આપણી આસપાસની સુષ્ટિ પણ જ્ઞાનનો ભંડાર છે. એના અવલોકનથી પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ.”
અહંકારી શિષ્યને ગુરુની વાતથી નવાઈ ઊપજી, પરંતુ વિચાર્યું કે ગુરુએ કહ્યું છે તો લાવ, જરા સૃષ્ટિનું અવલોકન કરી લઉં. મારા જ્ઞાનસંચયમાં કશું બાકી ન રહેવું જોઈએ. શિષ્ય ગામના સીમાડે આવેલા વૃક્ષની નીચે બેઠો અને ચોપાસ અવલોકન કરવા લાગ્યો. એવામાં વૃક્ષ પરથી એક પાંદડું ખરીને નીચે પડ્યું. આ જોઈને શિષ્ય વિચારમાં ડૂબી ગયો અને આશ્રમમાં જઈને
પોતાના સાથીઓને કહેવા લાગ્યો, “ઓહ ! મારું જીવન તો ધન્ય થઈ ગયું. કેવું મહાન જ્ઞાન મને પ્રાપ્ત થયું.”
એના સહાધ્યાયીઓને એનો ઉત્સાહ જોઈને આશ્ચર્ય થયું એટલે એમણે પૂછયું, “તમે કયો ધર્મગ્રંથ વાંચ્યો અને તેમાંથી તમને કયું રહસ્ય લાગ્યું કે જેથી આટલા બધા પ્રસન્ન થઈ ગયા છો ?"
શિષ્ય કહ્યું, “આ જ્ઞાન મને પુસ્તકની દુનિયામાંથી નહીં, પણ દુનિયાના પુસ્તકમાંથી મળ્યું છે. મેં એક વૃક્ષ પરથી પાંદડું નીચે પડતાં જોયું અને મને અપૂર્વ જ્ઞાન લાધી ગયું.”
આ સાંભળીને સહાધ્યાયીઓ હસવા લાગ્યા. એમણે કહ્યું, અલ્યા, અમે તો રોજ સુકાયેલા પાંદડાને વૃક્ષ પરથી પડતું જોઈએ છીએ. એમાં વળી શી નવી વાત ને શું નવું જ્ઞાન ?”
શિષ્ય કહ્યું, “વૃક્ષ પરથી સૂકું પાંદડું પડ્યું અને મારા હૃદયમાંથીય કશુંક ખર્યું. હું વિચારવા લાગ્યો કે આવતીકાલે હું પણ આ પાંદડાની માફક પડી જઈશ. વિલીન થઈ જઈશ. જો સુકાયેલા પાંદડાની જેમ જ મારે પણ પડવાનું હોય, તો પછી આટલો બધો અહંકાર અને અકડાઈ શા માટે ? પાંદડાને પડતું જોઈને મને મારી મૂર્ખતાનું ભાન થયું અને સમજાયું કે જ્ઞાનનો અહંકાર રાખવો એ સર્વથા વૃથા છે.”
30 આ પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો 1 31