Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ મહારાજ સાહેબ, આપનો ગત પત્ર ત્રણેક વાર વાંચ્યો. આપે આપેલ સમાધાન એકદમ સચોટ છે કે સુખનું જે પણ ક્ષેત્ર શરીર કેન્દ્રિત હોય છે ત્યાં ક્યાંક તો અટકવાનું આવે જ છે. માત્ર સ્ત્રીની બાબતમાં જ શું કામ, ભોજનની બાબતમાં પણ આ જ સ્થિતિ છે તો દેશ્યોની બાબતમાં પણ આ જ વાસ્તવિકતા છે. સંગીતની બાબતમાં પણ આ જ હકીકત છે તો સુવાસિત દ્રવ્યોની બાબતમાં પણ સ્થિતિ આ જ છે. ગુલાબજાંબુ ભલે ને ખૂબ ભાવે છે. ખાતા ખાતા ક્યાંક તો અટકી જવું જ પડે છે. ટી.વી. પર ભલે ને ગમે તેટલાં આકર્ષક દશ્યો આવી રહ્યા છે, આંખોને ક્યાંક તો વિરામ આપવો જ પડે છે. સંગીતના કર્ણપ્રિય અવાજો ભલે ને મસ્તક ડોલાવી રહ્યા છે, ક્યાંક તો કાનને ‘રુક જાઓ’ કહેવું જ પડે છે. ટેબલ પર ભલે ને એક એકથી ચડિયાતા અત્તરની ખુલ્લી બાટલીઓ પડી છે, એક પળે તો એ સ્થળેથી ઊભું થઈ જવું જ પડે છે. ટૂંકમાં, મનની જે ઉત્તેજનાને પુષ્ટ કરવા શરીરને બહેકાવવું પડે છે, ત્યાં ક્યાંક તો શરીરને આરામ આપવો જ પડે છે પરંતુ પૈસાની બાબતમાં આ સ્થિતિ નથી. પૈસાનું સુખ મનકેન્દ્રિત છે. અને થાકવું એ મનના સ્વભાવમાં જ નથી. મનનો સ્વભાવ તો છે દોડતા રહેવું, ભાગતા રહેવું, ઊડતા રહેવું અને ભટકતા રહેવું. પૈસા માટે શરીર ભલે ને બજારમાં દસ કલાકથી દોડી રહ્યું છે, મન શરીરને થાકનો અનુભવ થવા જ દેતું નથી. ઉધરાણી પતાવવા ભલે ને આખી રાત જાગવું પડ્યું છે, શરીરને સુસ્તીનો કોઈ અનુભવ જ નથી થતો. માલનો ઑર્ડર લેવા ભલે ને ૨000 કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડ્યો છે, શરીરને આરામની કોઈ જરૂર જ નથી પડતી. કારણ ? મનને પૈસો ગમે છે. અલબત્ત, આ અનુભવ મારો નથી પરંતુ મારી આસપાસ જે લોકો પૈસા પાછળ દોડી રહ્યા છે એ સહુનાં જીવનમાં આ બધું મેં નજરોનજર જોયું છે. આપે સચોટ લખી દીધું છે કે સ્ત્રી સંબંધી બ્રહ્મચર્ય સરળ છે. પૈસા સંબંધી બ્રહ્મચર્ય મુશ્કેલ છે. પણ તો ય મનમાં પ્રશ્ન એ ઊઠે છે કે માણસ જડ એવા પૈસા વિના ભલે જીવી શકતો નથી પરંતુ પ્રસન્ન રહેવા માટે તો એને લાગણી-પ્રેમ-હૂંફની જરૂર પડે જ છે અને એ બધું એને જીવંત વ્યક્તિ તરફથી જ મળતું હોય છે. આમ છતાં ય માણસને પૈસા” માટે આટલો બધો નશો કેમ હશે?

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51