Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ જય, ખર્ચ ઘટાડવા મોજશોખ પર અને બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકી દેવાના તેં કરેલા નિર્ણયની વાત તારા ગત પત્રમાં વાંચી ખૂબ આનંદ થયો. અંતરના આશીર્વાદ આપું છું કે એ નિર્ણયના અમલમાં મર્દાનગીપૂર્વક તું આગળ વધતો રહે અને એના ફળસ્વરૂપે તું મનની શાંતિ અને હૃદયની પવિત્રતા અનુભવીને જ રહે. એક વાત તને હું ખાસ યાદ કરાવવા માગું છું કે વિપુલ સંપત્તિના બીજાં તો જે પણ અનિષ્ટો હોય તે પણ એક મોટામાં મોટું અનિષ્ટ એ છે કે સમૃદ્ધિ, સંબંધોની વ્યવસ્થામાં કલ્પનાતીત ગાબડાંઓ પાડતી રહે છે. એક વાત તો તે જોઈ જ હશે કે જ્યાં ગોળ હોય છે ત્યાં માખીઓ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. બસ, એ જ ન્યાયે જ્યાં સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય છે ત્યાં સબંધો બાંધવા અને વધારવા પુષ્કળ લોકો આવતા રહેતા હોય છે. આ લોકોમાં સજાતીય પણ હોય છે તો વિજાતીય પણ હોય છે, સજ્જનો પણ હોય છે તો દુર્જનો પણ હોય છે, કલ્યાણ મિત્રો પણ હોય છે તો લબાડ મિત્રો પણ હોય છે. અને મન તો પાણી જેવું છે. પાણીને આગને સમર્પિત બની જઈને ઊર્ધ્વયાત્રાએ નીકળી જવું જેટલું ફાવે છે એના કરતા ઢાળના શરણે જઈને અધોયાત્રાએ ચાલ્યા જવું વધુ ફાવે છે. બસ, એ જ રીતે મન સજાતીય કરતાં વિજાતીયના સંગને વધુ ઝંખતું હોય છે. ૫ ૪૩ સજ્જન કરતાં દુર્જન સાથે એને વધુ જામતું હોય છે. કલ્યાણમિત્રો કરતાં લબાડ મિત્રો એની પસંદગીમાં વધુ આગળ રહેતા હોય છે. હિતની વાત કરતાં સુખની વાત કરનારા એને વધુ જામતા હોય છે અને સંપત્તિની વિપુલતા પતનની ગર્તામાં ધકેલાઈ જવા તત્પર મનને બધી જ સામગ્રીઓ અને અનુકૂળતાઓ ઉપલબ્ધ કરાવી આપતી હોય છે. તારે જોઈ લેવું હોય તો જોઈ લેજે. લગ્નેતર સંબંધોનું પ્રમાણ તને ગરીબો કરતા શ્રીમંતોમાં વધુ જોવા મળશે. ચાલાકીપૂર્વકના અપરાધો તને અભણ કરતા શિક્ષિતોમાં વધુ જોવા મળશે. હોશિયારીપૂર્વકની કત્લેઆમો તને ગામડાં કરતાં શહેરોમાં વધુ જોવા મળશે. સ્વજનો પ્રત્યેની બેવફાઈ તને નાના માણસો કરતા મોટા માણસોમાં વધુ જોવા મળશે. કારણ ? આ એક જ. કાં તો સંપત્તિની વિપુલતા અને કાં તો વિપુલ સંપત્તિ પાછળની આંધળી દોટ ! જય. માત્ર ખર્ચાઓ ઓછા કરવા જ મોજશોખોથી દૂર રહેવાનું લક્ષ્ય તું ન રાખતો. સંબંધોની પવિત્રતા ટકાવી રાખવા, પાપોની માત્રામાં કડાકો બોલાવતા રહેવા, જીવનને સ્વસ્થ રાખવા અને પરલોકને સદ્ધર બનાવવા ય તું વિપુલ સંપત્તિના લક્ષ્યથી તારા મનને દૂર રાખજે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51