________________ પુણ્ય પણ નથી, પેટ પણ નથી ઘંટના અવાજને સાંભળવા કાન એકદમ સતેજ ન હોય તો ય ચાલી જાય છે પરંતુ દૂધ તમારી સામે હાજર છે, સાકરનો ડબ્બો પણ તમારી સામે જ પડ્યો છે. દૂધમાં સાકર તમારે જેટલી નાખવી હોય, તમે સ્વતંત્ર છો. પણ, તમે દૂધમાં સાકર એટલી જ નાખો છો કે જેનાથી તમને દૂધની સ્વાદિષ્ટતાનો અનુભવ થાય. આખો બજાર તમારી સામે ખુલ્લો પડ્યો છે, શરીર તમારું સશક્ત છે, પુણ્ય તમારું મજબૂત છે, સંપત્તિની તમારે જરૂર છે અને છતાં તમારા જીવનને બેસ્વાદ બનાવી દે એટલી અને એ રીતની સંપત્તિથી તમારે તમારા જીવનને બચાવતા જ રહેવાનું છે. ઘંટડીના અવાજને સાંભળવા તો કાન એકદમ સતેજ હોવા જરૂરી જ છે અને એમાં ય એ ઘંટડી જો ખતરાની છે તો એના અવાજને સાંભળવા તો કાન એકદમ સતેજ હોવા અતિ અતિ જરૂરી છે. અહીં એક એવા ખતરાની વાત છે કે જો એના પ્રત્યે આંખ મીચામણાં કરવામાં આવે છે તો જનમોજનમ બરબાદ થઈ જાય તેમ છે. કઈ છે એ વાત ? હાથમાં લો આ પુસ્તક: ખતરાની ઘંટડી” પાંચેય ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો તમને જોઈએ તેટલા મળી શકે તેમ છે. શરીર તમારું યુવાવયનું છે. મનમાં ઉત્તેજના પણ ભરપૂર છે અને તો ય તમારે સંયમ કેળવીને વિષયોના ભોગવટા પર નિયંત્રણ મૂકી જ દેવાનું છે. સંપત્તિ જો સંતોષથી નિયંત્રિત થવી જોઈએ તો શક્તિ સંયમથી નિયંત્રિત થવી જોઈએ. સંતોષ અને સંયમની આ તાકાત શું કેળવી શકાય, એની અનેકવિધ વાતો પત્રવ્યવહારના માધ્યમે મારા મંદ ક્ષયોપશમાનુસાર મેં અહીં રજૂ કરી છે. આશય એક જ છે. પ્રચંડ પુણ્યોદયે અનંતકાળે મળેલ આ માનવજીવન વિનશ્વર એવી સંપત્તિ પાછળની પાગલતામાં અને વિરસ તથા નિરસ એવા ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સમાપ્ત ન થઈ જાય અને વેડફાઈ ન જાય. અતિ મહત્ત્વની વાત, નદીનું બધું જ પાણી મળી જાય એવું કોઈનું પુણ્ય નથી અને કદાચ બધું ય પાણી મળી પણ જાય તો ય એટલું પાણી પી શકાય એવું કોઈનું ય પેટ નથી. હું શું કહેવા માગું છું, એ તમો સહુ સાનમાં સમજી જજો. અર્થને નીતિથી નિયંત્રિત કરવાના અને કામને સદાચારથી નિયંત્રિત કરવાના સમ્યક્ ઉપાયો દર્શાવતા પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો એનું અંતઃકરણપૂર્વક ત્રિવિધે ત્રિવિધ મિચ્છા મિ દુક્કડું માગું છું. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ