________________
જ્ય, માતા-પિતાને છોડીને જાતજાતનાં અરમાનો લઈને શ્વસુરગૃહે આવેલી કન્યાને વરુઓના ચરણે ધરી દઈને યમસદને પહોંચાડી દેવાના ગોઝારા કાર્યના મૂળમાં હતું શું? કેવળ અર્થની લાલસા. પરિશ્રમવિના, ગમે તે રસ્તે અલ્પ સમયમાં ચિક્કાર પૈસા બનાવી લેવાની કાતિલ લાલસાએ લગ્નજીવનની પ્રથમ રાત્રિએ એક ગભરુ કન્યાના શરીરને ચૂંથી નાખવાની સંમતિ આપવા પતિને મજબૂર કરી દીધો અને એ કરુણ પ્રસંગે શ્વસુર પક્ષમાં તો હાહાકાર સર્જાઈ જ ગયો પરંતુ પિયરપક્ષમાં તો કલ્પાંતનો પ્રલય સર્જાઈ ગયો. તને ન ખ્યાલ હોય તો જણાવું કે પોતાની વહાલસોયી દીકરીની આવી કલંકિત વિદાયની વિગત મા-બાપની જાણમાં આવી ત્યારે તેઓ અવાક્ થઈ ગયા. અગણિત મંગળ કામનાઓ સાથે આજે રાતના જે દીકરીને પતિગૃહે વળાવી એ દીકરી બીજે દિવસે સવારના આ નિંદનીય કૃત્યની શિકાર બનીને પરલોક રવાના થઈ ગઈ છે. એ વાસ્તવિકતાએ મા-બાપ સહિત સમસ્ત પરિવારને એ હદે આઘાતથી તોડી નાખ્યો કે પરિવારનો એક પણ સભ્ય દીકરીની અંતિમ યાત્રામાં ન ગયો, એટલું તો ઠીક પણ
શ્વસુરપક્ષ તરફથી કન્યાવિદાય વેળાએ મા-બાપે કન્યાને જે ઘરેણું આપ્યું હતું એ પાછું લઈ જવાનું મા-બાપને કહેણ ગયું તો એના જવાબમાં કન્યાના મા-બાપે કહેવડાવી દીધું કે ‘અમારી આખી ને આખી દીકરી જ જ્યારે પરલોકમાં રવાના થઈ ગઈ છે ત્યારે એને આપેલું ઘરેણું પાછું લઈને, એ ઘરેણામાં અમારી દીકરીનાં દર્શન કરતા રહીને અમે જિંદગીભર તડપતા રહેવા માગતા નથી. હાથ જોડીને તમને અમે વિનંતિ કરીએ છીએ કે દીકરીને તમારે ત્યાં મોકલતી વખતે અમે એને ઘરેણાં-વસ્ત્રો-સામગ્રીઓ વગેરે જે પણ આપ્યું છે એમાંનું કાંઈ જ પાછું મોકલશો નહીં.
અને હી,
અમારી વહાલસોઈ દીકરીને વરુઓને હવાલે કરી દીધા બાદ પણ તમારા જુગારી દીકરાને કોઈ દેવું ચૂકવવાનું બાકી રહી ગયું હોય તો એ દેવું એ ઘરેણું વેચીને ચૂકવી દેજો પણ એ દેવું ચૂકવવા હવે બીજા કોઈ મા-બાપની કોડભરી દીકરીને મોતના મુખમાં ધકેલી દેવાનું પાપ કરશો નહીં? જય, મને પાકી ખાતરી છે કે આ કરુણ સત્ય પ્રસંગની દિલધડક દાસ્તાન વાંચ્યા પછી તું શાંતિથી સૂઈ નહીં શકે. તું સ્વસ્થતાપૂર્વક ભોજન નહીં કરી શકે. તું કદાચ આજે ઑફિસે નહીં જઈ શકે. તારું અંતઃકરણ બોલી ઊઠશે, રે પૈસા ! તારા પ્રભાવનો આ રાક્ષસી અંજામ?'