Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ જય, તારો પત્ર મળ્યો. તે વ્યક્ત કરેલ જિજ્ઞાસા વાંચી. એનું સમાધાન આપતા પહેલાં તને એક બીજી વાત કરું? જવાબ આપ. સંબંધોની આત્મીયતામાં આગ લગાડી દેવાનું કામ જે ક્રોધ કરે છે એ ક્રોધ તને જ ખરાબ લાગે છે કે તારા પરિવારના તમામ સભ્યોને ય ખરાબ લાગે છે? જવાબ તારો આ જ હશે કે ક્રોધ મારા સહિત સહુને ખરાબ લાગે છે. હવે બીજો જવાબ આપ. તમામ સદ્ગુણોની હોળી સળગાવી નાખનાર, સગા બાપનું ય ખૂન કરવા તૈયાર કરી દેનાર, દેવ અને ગુરુથી ય દૂર કરી દેનાર લોભ તને કે તારા પરિવારના સભ્યોને, કોઈને ય ખરાબ લાગે છે ખરો ? તારો સ્પષ્ટ જવાબ હશે ‘ના’ કારણ ? કારણ આ જ કે ક્રોધમાં મળતી સફળતા હાથમાં રહેલાં સુખોને ય ત્રાસરૂપ બનાવી દે છે જ્યારે લોભમાં મળતી સફળતા તો દૂર રહેલાં સુખોને ય નજીક લાવી દે છે. તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. ક્રોધ કરતાં લોભ અનેકગણો ભયંકર હોવા છતાં ય ક્રોધ કેવળ પ્રીતિનાશક હોવા છતાં અને લોભ સર્વગુણોનો નાશક હોવા છતાંય માણસ ક્રોધથી દૂર રહેવા માગે છે અને લોભને તો વળગી રહેવા જ માગે છે. કારણ કે એને જે સુખો ભોગવવા છે એ તમામ સુખોને ખરીદી લેવાની આગવી તાકાત ધરાવતો પૈસો લોભના માર્ગે જ મળે છે, જ્યારે ક્રોધના માર્ગે તો જે પૈસો હાથમાં છે એ ય ચાલી જાય છે. તેં જે જિજ્ઞાસા વ્યક્ત કરી છે ને કે ‘ધનલપંટ આદરણીય બને છે જ્યારે સ્ત્રીલંપટ તિરસ્કરણીય બને છે એની પાછળનું કારણ શું છે?” એનો જવાબ આ છે કે ધનલંપટતામાં સહુને સુખોને આમંત્રણ આપતી પત્રિકાનાં દર્શન થાય છે જ્યારે સ્ત્રીલંપટતામાં કેન્દ્રસ્થાને શરીર હોવાના કારણે અને શરીરસુખ પશુ સુલભ હોવાના કારણે એ સહુને માટે તિરસ્કરણીય બની રહે છે. ટૂંકમાં, અર્થલાલસા મનને બહેલાવતી હોવાના કારણે બધા જ એના હિમાયતી છે જ્યારે વિષયવાસના કેવળ શરીરને જ બહેલાવતી હોવાના કારણે અને એ ય શાંત થઈ ગયા બાદ વિષાદને જન્મ આપી જતી હોવાના કારણે સહુને એના માટે તિરસ્કાર છે. ૩૧.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51