Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 40
________________ મહારાજ સાહેબ, ખર્ચ ઘટાડી નાખવાની આપની સલાહ એકદમ સાચી હોવા છતાં એ દિશામાં પ્રયત્નશીલ બનવું એકદમ મુશ્કેલ લાગે છે. તો સફળ બનવું તો અશક્ય જ લાગે છે. કારણ જણાવું? જેને આપ મોજશોખનાં સાધનો જણાવો છો, આજના કાળે એ સાધનો જરૂરિયાતના સ્થાને જીવનમાં ગોઠવાઈ ગયા છે. ટી.વી., ગાડી, મોબાઈલ, હોટલ, મોંઘાદાટ વસ્ત્રો. આ તમામ સાધનો વિના જીવન ચાલે જ નહીં એ સ્થિતિ આજે બહુજનવર્ગની થઈ ગઈ છે. અને સૌથી વધુ કરુણદશા તો એ સર્જાઈ છે કે પરિવારનો પ્રત્યેક સભ્ય એમ માની બેઠો છે કે ‘મારી પાસે આ તમામ ચીજો હોવી જ જોઈએ” હજી તો બાબો સ્કૂલમાં જ ભણી રહ્યો છે, પણ મોબાઇલ તો એને ય જોઈએ જ છે. બેબી હજી કૉલેજના પ્રથમ વર્ષમાં જ છે. મોબાઇલ ઉપરાંત સ્કૂટર તો એને ય જોઈએ જ છે. યુવાન પુત્ર નોકરીમાં હમણાં જ જોડાયો છે, ગાડી એને જોઈએ જ છે. રવિવાર આવે છે પત્નીને હૉટલમાં જવું જ છે. ઘરમાં નાનકડો પણ કોઈ પ્રસંગ આવે છે, સમાજમાં વટ પાડી જ દેવો છે. આ ખતરનાક માહોલમાં અલ્પ સંપત્તિએ જીવન શું પસાર કરવું, એ સમજાતું જ નથી. એક રાજાને આખી પ્રજા હજી સાચવી લે પણ જ્યાં બધા જ પોતાની જાતને રાજા માનતા હોય ત્યાં પ્રજાજનોની હાલત શી થાય? પરિવારના એકાદ સભ્યના બિનજરૂરી ખર્ચાને હજી કદાચ પહોંચી વળાય પરંતુ પરિવારના બધા જ સભ્યો બિનજરૂરી ખર્ચાઓ કરી રહ્યા હોય અને પાછા એ ખર્ચાઓને જરૂરી માની બેઠા હોય એને તો શું પહોંચી વળાય ? અને હા, આ વેદના મારી એકલાની જ નથી, મારા જેવા અનેકની છે. સહુ મૂછે લીંબુ રાખીને ફરી રહ્યા છે બાકી, અંદરથી તો સહુ તૂટી જ ગયા છે. સીધા રસ્તે પૈસા મળતા નથી, કદાચ મળે છે તો એટલા પૈસામાં ખર્ચામાં પહોંચી વળાતું નથી. ખર્ચાને પહોંચી વળવા આડા રસ્તે કાં તો બીજા રસ્તે કદમ માંડવા જ પડે છે. પપ્પા એકલા કમાતા હતા અને આખું ઘર મજેથી ચાલતું હતું આજે પરિવારનો એક એક સભ્ય કમાઈ રહ્યો છે અને છતાં ખર્ચને પહોંચી વળાતું નથી. કોઈ રસ્તો?.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51