Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 39
________________ જ્ય, આજ કરતા આવતીકાલ ખરાબ આવવાની છે કે નહીં એમાં તો શંકા છે પરંતુ આજ કરતા આવતીકાલે મારા જીવનનો એક દિવસ ઓછો થઈ જવાનો છે એ તો નિશ્ચિત જ છે. સંપત્તિ વધારવાના તારા પુરુષાર્થને પુણ્યના સહારે સફળતા મળી જાય એ સંભવિત છે પરંતુ જીવન લંબાવવાના તારા પુરુષાર્થને સફળતા મળવાની તો કોઈ જ સંભાવના નથી. પ્રશ્ન એ છે કે દુ:ખના સંભિવત આગમનને અટકાવી દેવા નિશ્ચિત મોત તરફ ધકેલાઈ રહેલા જીવનની કીંમતી પળોને નશ્વર એવી સંપત્તિ પાછળ વેડફતા જ રહેવાનું કેટલું ઉચિત છે ? સંમત છું તારી એ દલીલ પાછળ કે આજના કાળે રૂપિયો સસ્તો થઈ ગયો છે અને વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે પરંતુ જવાબ આપ તું કે વસ્તુઓ જ મોંઘી થઈ ગઈ છે કે જરૂરિયાતો પણ વધી ગઈ છે? મોજશોખો પણ વધી ગયા છે? ખર્ચાઓ પણ વધી ગયા છે? આવક પ્રમાણે ખર્ચ કરતા રહેવાની જીવનવ્યવસ્થા ગોઠવાયેલી છે કે ખર્ચ પ્રમાણે આવક વધારતા રહેવાની ઘાતક જીવનવ્યવસ્થા ગોઠવાયેલી છે? શું કહું તને? મોંઘવારી વધી છે, વધી હશે, વધવાની છે એની ના નથી પણ, ટ્રેનમાં જગા નથી. વિમાનો ભરાયેલા છે. ક્રિકેટ મૅચોમાં ટિકિટ મળતી નથી. હોટલોમાં લાઇન છે. હવાખાવાનાં સ્થળોએ કીડિયારું ઊભરાય છે. શરીરો પર મોંઘાદાટ વસ્ત્રો છે. મોબાઇલ વિનાનો કોઈ હાથ નથી. ગાડીઓની સંખ્યાનો કોઈ હિસાબ નથી. ટી.વી. વિનાનું કોઈ ઘર નથી. આ બધા ખર્ચાઓ જીવનમાં જરૂરી છે, એમ? આ બધી વસ્તુઓ અને પ્રવૃત્તિઓ જીવનમાં અનિવાર્ય છે, એમ? એક કડવી પણ વાસ્તવિકતા તને જણાવું? તારા પિતાજીના સમયનું કોઈ વર્તમાનપત્ર તારા હાથમાં આવી જાય તો એ તું વાંચી જજે. તને એમાં ય “મોંઘવારી વધી રહી છે’ ના સમાચાર વાંચવા મળશે! આનો અર્થ ? આ જ કે માણસની ઉંમર જેમ વધતી જ જાય છે. તેમ આ જગતમાં મોંઘવારી પણ સતત વધતી જ જાય છે, વધતી જ જવાની છે. એને પહોંચી વળવા આવક વધારતા રહેવાના પ્રયાસો તને તો શું, કોઈને પણ થકવી જ નાખવાના છે. શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે. જરૂરિયાતો ઘટાડી દેવી. ખર્ચાઓ ઘટી જશે. મનની સ્વસ્થતા તારી ટકી જ જશે. માન્ય છે આ વિકલ્પ ?

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51