Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ મહારાજ સાહેબ, વાસનાના આવેગને શાંત કરી દેવાનો આપે ગજબનાક ઉપાય બતાડી દીધો. લાગણીને ખતમ કરી નાખવાની વાત નહીં પણ લાગણીના પાત્રને બદલાવી નાખવાની વાત. કવર બદલાવવાનું નહીં, કવરની અંદરનો કાગળ બદલાવવાનો નહીં પરંતુ કવર પરનું સરનામું બદલાવી નાખવાનું. આજે સમજાય છે આ વાત કે પરમાત્મા ન બન્યા હોવા છતાં અને સંસારી ન રહ્યા હોવા છતાં આપ સંયમજીવનમાં ભરપૂર પ્રસન્નતા શું અનુભવી રહ્યા છો? આ એક જ કારણ. લાગણી આપની જીવંત છે પણ લાગણીને ઢોળવાનું સરનામું આપે બદલાવી નાખ્યું છે. અને એ બદલાવી નાખેલું સરનામું પણ એવું છે કે એનાથી અન્ય શ્રેષ્ઠ સરનામું આ જગતમાં ક્યાંય ઉપલબ્ધ જ નથી. કાશ, આપ અત્યારે જે સરનામે લાગણી ઢોળી રહ્યા છો એ જ સરનામે લાગણી ઢોળતા રહેવાની સદબુદ્ધિ, મને ય પ્રાપ્ત થઈ જાય ! જય, એક વાત તને જણાવી દઉં? શ્રદ્ધાની મંદતા, સત્ત્વની કચાશ અને કમજોર સંકલ્પ, આ તમામ પ્રકારની નબળાઈઓનો શિકાર બનેલો હું, અબજો ભવો બાદ પણ મુક્તિ પામવાના સદ્ભાગ્યને વરી શકીશ કે કેમ એમાં મને શંકા છે પણ તો ય પ્રભુ પાસે એક ચીજ તો હું સતત માંગ્યા કરું છું કે હે પ્રભુ, જેટલા પણ કાળ સુધી મારે સંસારમાં રખડવાનું બાકી હોય, જેટલા પણ ભવો મારે સંસારમાં ભટકવાના બાકી હોય, અને જે પણ સંયોગો મારે લમણે ઝીંકાવાના હોય, એ તમામ સમયમાં, ભવોમાં અને સંયોગોમાં હૃદયની લાગણી ઢોળવાનું જે સરનામું આજે મને મળી ગયું છે. એ જ સરનામું મારી પાસે ઉપલબ્ધ રહે. એ સિવાય મારે તારી પાસે બીજું કશું જ માગવું નથી, અને એ સિવાય મારે તારી પાસેથી બીજું કાંઈ જ જોઈતું નથી’ જય, એટલું જ કહીશ તને કે મનમાં આંટા લગાવી રહેલા વાસનાનાં સાપોલિયાંઓને તાકાતહીન બનાવી દેવાનો સરળતમ અને શ્રેષ્ઠતમ વિકલ્પ આ એક જ છે. ઉત્તમ પ્રત્યેનો અનુરાગ ! તું અત્યારે જે વયમાં છે એ વય આમ જોવા જઈએ તો વાસનાની પ્રાબલ્યતાની વય છે. એ વયને જો તું અપવિત્રતાના કાદવથી ખરડાતી બચાવી લેવા માગે છે તો આ રસ્તે ચાલ્યો આવ. હૃદયને ઉત્તમ પ્રત્યેના અનુરાગથી હર્યું-ભર્યું બનાવી દે. જે મંગળ અનુભૂતિ થશે એ તારી કલ્પના બહારની હશે. ૭૧

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51