Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 29
________________ મહારાજ સાહેબ, પહેલી જ વાર મારી જાણમાં આ વાત આવી કે વાસના એ શરીરની માંગ નથી. આજ સુધી હું તો એમ જ સમજતો હતો કે ભોજન-પાણી અને પ્રાણવાયુ જેમ શરીરની માંગ છે તેમ વાસના એ પણ શરીરની જ માંગ છે. ભોજન વિના જેમ ન જ જીવી શકાય તેમ વાસનાને એનું ભક્ષ્ય આપ્યા વિના ન જ જીવી શકાય. પણ આપે તો કમાલની વાત કરી દીધી કે વાસના એ મનની માંગ છે કે જે શરીર દ્વારા શાંત થાય છે. ઇચ્છું છું હું કે આપ આ વિષય પર હજી થોડોક વધુ પ્રકાશ પાથરો. જય, ભૂખ પેટમાં લાગે છે, ભોજન પેટમાં પધરાવી દેવામાં આવે છે. ભૂખ શાંત થઈ જાય છે. મન એમાં વચ્ચે ક્યાંય આવતું નથી પણ વાસના માટે એવું નથી. જો મનમાં વાસનાનો કોઈ આવેગ જ નથી, મન અન્ય વિષયોમાં જો વ્યસ્ત છે અથવા તો ચિંતાગ્રસ્ત છે તો પછી ભલે ને શરીર પર ફાટફાટ યુવાની છે અને સામે રૂપાળી યુવતી સાથેનું એકાંત છે. શરીર વાસનાતૃપ્તિ માટે પ્રવૃત્ત થતું જ નથી. આનો અર્થ ? આ જ કે ભૂખ-ભોજન વચ્ચે કે તૃષા-પાણી વચ્ચે મન નામનો દલાલ આવતો જ નથી પરંતુ મન નામનો દલાલ હાજર થયા વિના વાસના - વિજાતીય શરીર વચ્ચેનો સોદો પતતો જ નથી. શું કહું તને? આત્મકલ્યાણ કરવા સંસાર ત્યાગીને નીકળી પડેલો સંત ભલે ને જબરદસ્ત સાધક છે અને સાત્ત્વિક છે, એને ભોજન-પાણી-પ્રાણવાયુ વિના નથી જ ચાલતું. કેટલાક કલાક - દિવસ કે મહિનાઓ ભલે એના વિના એ કદાચ ચલાવી લે છે પરંતુ એક સમય તો એવો આવે જ છે કે ભોજન વગેરેનું સેવન એને કરવું જ પડે છે કારણ? એ શરીર લઈને બેઠો છે અને ભોજન-પાણી-પ્રાણવાયુ એ શરીરની માંગ છે જ્યારે વિજાતીય શરીરના સહવાસ માટે એવું નથી . સંખ્યાબંધ સાધકો આજે એવા છે કે જેઓ વિજાતીય શરીરના સહવાસ વિના ય મજેથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અને એ ય બે-પાંચ વરસ માટે જ નહીં પરંતુ જીવનભર માટે ! અરે, સાધકોની જ વાત શું કરું ? કોક વિશિષ્ટ કાર્યમાં લાગી ગયેલા કેટલાક સંસારી માણસો પણ જીવનભર માટે વિજાતીય શરીરના સહવાસથી દૂર રહીને પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. રહસ્ય? આ જ છે કે વાસના એ મનની માંગ છે અને એમના મનમાં વાસનાજન્ય કોઈ ઉત્તેજના નથી, આવેગ નથી.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51