________________
દીક્ષા પહેલાંની પૂર્વતૈયારી તથા શ્રમણ-શ્રમણી વિદ્યાપીઠોમાં પ્રશિક્ષણ
← ડૉ. છાયાબહેન શાહ
|
અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ
છે. પાઠશાળા અને
સંતોની વૈયાવચ્ચની
પ્રવૃત્તિમાં રસ લે છે.
જૈન સાહિત્ય
જ્ઞાનસત્રમાં ભાગ લે છે.
દીક્ષિત થયેલ વ્યક્તિઓને “સાધુ અથવા સાધ્વી' કહેવાય છે. શાસ્ત્રોમાં આ સાધુનું વર્ણન કરતાં લખ્યું છે કે સમ્યજ્ઞાન ને ચારિત્ર દ્વારા જે મોક્ષપ્રાપ્તિની સાધના કરે છે તે સાધુ. અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા પ્રયત્નશીલ રહે તે સાધુ. મનનું મૌન ધારણ કરવાવાળો તે સાધુ. સાધુને શ્રમણ પણ કહેવાય. શ્રમણ એટલે આત્મગુણ પ્રગટ કરવાના હેતુથી જે શ્રમ કરે તે શ્રમણ. બધા જીવો પર સમાનભાવ રાખનાર તે શ્રમણ. અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો પર સમભાવધારક તે શ્રમણ. શુભ મનયુક્ત હોય તે શ્રમણ.
‘સાધુ’ની આ વ્યાખ્યાઓ દર્શાવે છે કે સાધુજીવન એક ગંભીર જવાબદારી છે. સ્વેચ્છાએ સ્વીકારેલ ચૅલેન્જ છે. તેથી આ જીવન સ્વીકારવાની જેને ઇચ્છા થાય તેણે પૂર્વતૈયારીઓ કરવી જ પડે. સામાન્ય કાર્ય કરવું હોય તોપણ પૂર્વતૈયારીપૂર્વકનું થાય તો જ તે પાર પડે છે. તો આવું પવિત્ર, ઉચ્ચ અને આધ્યાત્મિક ઉદ્દેશવાળું જીવન સ્વીકારવું હોય ત્યારે નિષ્ઠાપૂર્વકની પૂર્વતૈયારી હોવી જ જોઈએ, તો જ આ જીવન સફળ બને.
આમ તો દીક્ષા લેવાનું મન તે જ આત્માને થાય જે પૂર્વભવમાં એવી આરાધના કરીને આવ્યો હોય. આવું મન થવું તે પણ મહાન પુણ્યનો ઉદાય બતાવે છે. એક વાર દીક્ષા લેવાનો દૃઢ નિર્ણય થઈ જાય પછી નીચેની પૂર્વતૈયારીઓ કરવી આવશ્યક છે.
દીક્ષિત જીવન અહિંસાના પાયા પર ઊભી રહેલી ઇમારત છે. દીક્ષાને રુણામયી કહી છે, કારણકે અહીં સતત એ કાળજી લેવાય છે કે પોતાનાથી કોઈ જીવ હણાય નહીં. વ્યક્તિ જ્યારે દીક્ષા લે છે ત્યારે સર્વ સંઘની સાક્ષીએ પ્રતિજ્ઞા
૧૯૭
C જ્ઞાનધારા
CO
કરે છે કે તે હવેથી પૃથ્વી, અપ, તેઉ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસાથી નિવૃત્ત થશે. જીવન જીવવા માટે આવશ્યક જીવોની હિંસાથી નહીં બચી શકે તો તેનું પ્રાયશ્ચિત્ત કરશે. આવા દીક્ષિત થયેલો સાધુ લાઈટ, પંખા, વાહનો કે ઈલેક્ટ્રિકથી ચાલતાં સાધનોનો સર્વથા ત્યાગ કરે છે. આહાર પણ વહોરીને લાવે છે. જેને દીક્ષા લેવાની છે તેણે પૂર્વતૈયારીરૂપે ધીમેધીમે ઉપરની વસ્તુઓ ત્યાગ કરવાની આદત પાડતા જવી જોઈએ. થોડું સહન કરીને પણ લાઈટ, ઍરકન્ડિશન્ડ, પંખા, વાહનો વિના ચલાવવાની આદત પાડતા જવી જોઈએ, જેથી દીક્ષા લીધા પછી તેને આ બધાં વગર આકરું ન લાગે. શરીરને આ બધી ટેવોથી મુક્ત કરતા રહીએ તો તે બધી જ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. આવી પૂર્વતૈયારી કરેલી હોય તો તે વ્યક્તિ દીક્ષિત જીવનને સહજતાથી સ્વીકારી લે છે, એટલું જ નહીં, પણ સર્વસંઘ સમક્ષ ત્યાજ્ય કરેલી પ્રતિજ્ઞાને કટીબદ્ધ રાખે છે. તેમાં કોઈ પણ બહાનું લઈ ઢીલ છોડતા નથી.
દીક્ષામાં બાવીસ પરિષહો સહન કરવાના હોય છે. ઉનાળાની લૂ હોય, શિયાળાની કાતિલ ઠંડી હોય કે વરસાદનાં ઝાપટાં હોય, ત્રણેય ઋતુઓથી ઉત્પન્ન થતા વિવિધ પરિષહોને સાધુ પ્રસન્નતાપૂર્વક ઝીલે છે. આકુળ-વ્યાકુળ થતા નથી. દીક્ષા લેતાં પહેલાં શરીરની શુશ્રુષાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. જે મુમુક્ષુ છે તેને સાધુભગવંતો સાથે રહેવું જોઈએ, તેમની સાથે વિહાર કરવો જોઈએ, ભૂખ, તડકો, ટાઢ બધું જ સહન કરવાની આદત પાડવી જોઈએ, માન-અપમાન, સેવા-સન્માન બધાથી અલિપ્ત રહેવું જોઈએ. પૂર્વતૈયારીરૂપે આવો અભ્યાસ કર્યો હોય તો તે સાધુજીવનમાં ગમે તે પરિસ્થિતિમાં વિચલિત નથી થતો, સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે. શરીરનાં બહાનાં હેઠળ તે પ્રતિજ્ઞા તોડી જિનાજ્ઞાનો ભંગ નથી કરતો. શુદ્ધ દીક્ષિત જીવન જીવી તે અનંતસુખને પામે છે.
સાધુભગવંતનો કાળો રંગ બતાવ્યો છે, કારણકે સાધુ તપથી પોતાની કાયાને તપાવે છે. કંચનવર્ણી કોમળ કાયાને વીરસ-નીરસ આહારથી શોષવે છે. વિવિધ પ્રકારનાં તપ કરી કર્મોની નિર્જરા સતત કરતો જ રહે છે. સાધુ માટે એકભક્ત ભોજન (એકાસણું) અનિવાર્ય ગણાવ્યું છે. આથી દીક્ષા લેવાની ૧૯૮