________________
[3] સમભાવે નિકાલ, ફાઈલોતો !
વિરમે વિશ્વ સમભાવથી !
રિયલ-રિલેટિવની ભેદરેખા !
દાદાશ્રી : કશું જ જાણ્યું નથીને ! રિલેટિવ પૂરું જાણે તો બહુ સારું, રિલેટિવનો એક અંશ જાણ્યો નથી લોકોએ. કશું જાણ્યું જ નથી. આ તો ઊલટી ખોટો ખાધી છે. રિલેટિવનું જાણે એટલે તો રિયલ આ જાણ્યામાં જ રહે. નહીં તો લાઈન ઓફ ડિમાર્કશન બરોબર પડે નહીંને ! આટલો આ ભાગ રિયલનો ને આ રિલેટિવનો.
પ્રશ્નકર્તા : પોતે પોતાનાથી થઈ શકે નહીં.
દાદાશ્રી : નહીં, પોતાને ભાન જ નથીને ! શાસ્ત્રોમાં લખ્યું છે એ ખબર નથી. શાસ્ત્રમાં પૂરો શબ્દ આવે નહીં.
પ્રશ્નકર્તા : તો છેવટે જ્ઞાની પુરુષ મળે તો જ કામ થાય.
દાદાશ્રી : નહીં તો ના થાય. થયું જ નથી. અત્યાર સુધી કોઈને થયું જ નથી. કારણ કે ચાર વેદ ઇટ સેલ્ફ બોલે છે. ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. પુસ્તકમાં ઉતરે એવો નથી આત્મા !
સર્વાત્મા એ શુદ્ધાત્મા ! બધા આત્મામાં શુદ્ધાત્મા દેખાતો થયો, ત્યારથી પોતે પરમાત્મા થયો. નહીં તો આ મારો સાળો થાય, આ મારો મામો થાય, આ મારો નોકર છે, આ મારી સેક્રેટરી છે, આ મારો શેઠ છે, એ બધું ભ્રાંતિ. બધામાં શુદ્ધાત્મા છે, એવું જેને સમજણ પડી ગઈ, એને પરમાત્મપદ પ્રાપ્ત થયું. પણ તે હજુ શ્રેણી માંડી, પરમાત્માની. હવે સાચાં પગથિયાં હવે ચઢવાનાં આવે છે. મોક્ષના દરવાજાની મહીં પેઠો, ને હવે શ્રેણી માંડી કહેવાય. બધા ધર્મોને અહીં આગળ ભેગાં થવાનું. આ મોક્ષના દરવાજામાં પેસતી વખતે બધાએ ભેગું થવું પડે, શ્રેણી માંડતી વખતે. તે આ શ્રેણી માંડી કહેવાય.
જ્યાં શુદ્ધાત્માનું લક્ષ બેઠું, ત્યાંથી શ્રેણી માંડી, તે પછી આગળ આગળ અનુભવ થયા જ કરે, સ્ટેપ બાય સ્ટેપ ! એટલે ‘સર્વાત્મા એ શુદ્ધાત્મા છે' એવું સમજણ પડી, ત્યારથી જ પરમાત્માની આપણને શ્રેણી મંડાઈ ગઈ.
વિષમભાવથી જગત ઊભું થયું છે, સમભાવથી નીકળી જશે. પ્રશ્નકર્તા : ફાઈલો બધી બહુ હોયને, તે આવે એટલે.
દાદાશ્રી : ફાઈલો આવે તેનો વાંધો નથી. પણ તમારા ધ્યાનમાં હોય છે કે નહીં કે ‘હું શુદ્ધાત્મા છું' એ ? આપણે જેમ અહીંથી નક્કી કરીએ કે મારે મુંબઈ જવું છે સાંજે. એટલે આપણા ધ્યાનમાં હોય કે ના હોય મુંબઈ જવાનું છે એવું ?
પ્રશ્નકર્તા : એ તો ધ્યાન હોય, લક્ષ હોય.
દાદાશ્રી : તે એ જ લક્ષ. એ લક્ષ ના ચૂકાવું જોઈએ. નિરંતર જાગૃતિ હોય જ. ફાઈલો તો આવે ને જાય, આવે ને જાય. પછી ધીમે ધીમે હલકું થઈ જશેને ! આ જેમ જેમ સત્સંગ તમે સાંભળતા જશોને, તેમ તેમ બધા પડળો ઊડી જશે. હવે સત્સંગ સાંભળવાનું રહ્યું તમારે.
પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરતાં ક્યારેક બે-ચાર કલાક વાર લાગી જાય.
દાદાશ્રી : વાર લાગી જાય, પણ સમભાવે નિકાલ કરે ખરો ?