________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧0
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ).
દાદાશ્રી : એ સમભાવે મનમાં નક્કી કરોને એટલે પેલા માણસની ઉપર અસર થાય, એના મન ઉપર.
પ્રશ્નકર્તા : પછી બીજા શબ્દોના અર્થ મને સમજાવો. બીજું, સમતા.
દાદાશ્રી : વીતરાગતા રહે તો બહાર સમતા રહે. વીતરાગતા હજુ લાવવા માટે આ સમભાવે નિકાલ કરવાનો કહ્યો છે. સમભાવે નિકાલ કરીએ એટલે એ જે પરિણામ પામે ત્યારે વીતરાગતાના અંશ બાઝે થોડા થોડા. જેમ જેમ સમભાવે નિકાલ કરતો જાય ને તેમ તેમ વીતરાગતાના અંશ બાઝતા જાય.
પ્રશ્નકર્તા: પણ સમતા અને સમભાવ એ બેમાં શું ફેર ?
દાદાશ્રી : ફેર. સમભાવે તો નિકાલ કરવાનો છે.
પ્રશ્નકર્તા: પણ એ સમતા રાખીનેય નિકાલ થાયને ! આ ભાઈ મને ગોદા મારે, પણ હું એમ કહું કે નમસ્કાર, તો આખી સમતા થઈ ગઈને !
દાદાશ્રી : ના, એ સમતા ના કહેવાય. એ સમભાવે નિકાલ કર્યો કહેવાય. સમતા તો કેવું હોય કે ધોલો મારતો હોય અને પોતે એને આશીર્વાદ આપતો હોય છે, ત્યારે સમતા હોય. મહીં સહેજેય પરિણામ ફરે નહીં એ સમતા અને આ તો નિકાલ એટલે તો કશું પરિણામ ફરી જાય, પણ નિકાલ કરી નાખે. ફરી આગળ વધારે નહીં. એ વધવાનું નહીં, એ ઘટી જાય.
સમભાવ એટલે શું? આ ત્રાજવું આ બાજુ નમ્યું એટલે બીજી બાજુ થોડું કશુંક નાખીને સરખું કરે. તે આ દેડકાંની પાંચશેરી કેટલો વખત ટકે ? છતાંય સમભાવને ઉત્તમ ભાવ ગણ્યો છે. બેલેન્સ રાખવા પ્રયત્ન કરે છેને ? અને સમતા એટલે તો ફૂલ ચઢાવે તેની પર રાગ નહીં ને પથ્થર મારે તો તેના પર દ્વેષ નહીં, ઉપરથી એને આશીર્વાદ આપે !
પ્રશ્નકર્તા : હવે ત્રીજો શબ્દ, સહજ ભાવે નિકાલ એ સમજાવો.
દાદાશ્રી : સહજ ભાવે નિકાલ એ અમારો હોય, કેટલીક બાબતમાં. સહજ ભાવ એટલે વગર પ્રયત્ન જ થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે અમારો સંસારીઓનો નહીં બને ?
દાદાશ્રી : ખરુંને ! એય ખરો માલ ! પણ અમારે તો ઘણો ખરો સહજ ભાવનો હોય.
પ્રશ્નકર્તા: સહજ ભાવે નિકાલ કરવા માટે, સંસારીઓનો દાખલો આપો.
દાદાશ્રી : સહજ ભાવ એટલે શું ? પ્રગમેલું જોઈએ. પ્રગમેલું એટલે ગયા અવતારમાં ભાવ કરેલો અત્યારે સહજ ઉત્પન્ન થાય. એ નિકાલ એટલે અત્યારે તમારે બની શકે. તમારામાં જો કંઈક જૂના ભાવ કરેલા હોય, તે આજે હેલ્પ કરે. પણ એ જૂના ભાવો છે, એ બધા સહજ ભાવ. સહજ ભાવ એટલે આજની ક્રિયા નથી એમાં.
પ્રશ્નકર્તા : બરોબર. તમારે એ બહુ ઇઝીલી થાય છે. દાદાશ્રી : સહજાસહજ. પ્રશ્નકર્તા : હા, હવે ચોથું રહ્યું. ચાતુર્ય, ચતુરાઈ, કૌશલ્ય !
દાદાશ્રી : હા, એ કૌશલ્ય બે પ્રકારનું. એક સંસારી કૌશલ્ય અને એક અધ્યાત્મ કૌશલ્ય ! જ્ઞાનીનું કૌશલ્યજ્ઞાનીનું કૌશલ્ય કેવું હોય કે એક માણસ બોલ્યો તેથી સાત જણને દુઃખ થાય એવું છે, ત્યારે જ્ઞાની એવું કૌશલ્ય વાપરે ને એવો શબ્દ બોલે કે એને એ બોલનારનેય દુઃખ ના થાય અને પેલા સાતનું દુઃખ ઊડી જાય. એને કૌશલ્યતા કહેવાય, તે એને આપણામાં બુદ્ધિકળા કહે છે. જ્ઞાનકળા અને બુદ્ધિકળા. કૌશલ્ય એ બુદ્ધિકળામાં જાય. એ બુદ્ધિની એક પ્રકારની કળા છે. થોડા શબ્દોમાં બધા લોકોને સંતોષ થઈ જાય.
પ્રશ્નકર્તા : હવે જે ફાઈલોનો નિકાલ એ આ ચારમાંથી તમે એક જે કીધો સમભાવે. આ બીજા જે શબ્દો છે તેને અડવા જેવું નથી.
દાદાશ્રી : ના, એ સમભાવ રાખવો. સમભાવે નિકાલ કરશો તો એ બધાં પગથિયાં તમને આવશે. સમભાવે નિકાલ સમજી ગયાને તમે ? એ જ, આપણે બીજું કશુંય નહીં આમાં. એકલું વીતરાગોએ જે કર્યું'તું, તે અમે કરીએ છીએ ને એ તમને દેખાડીએ છીએ.