Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 61
________________ દિવાળીનો કરંટ લગાવી દીધો. બધાં હસવા ને કૂદવા જ લાગ્યા... ‘દિવાળી... દિવાળી.' એક હજી મોટા પાગલે આખુ ઝાડુ જ દિવાળીને સમર્પિત કરી દીધું.. ભડકો થયો. પાગલોને તો ખુશીનો પાર ન રહ્યો... મોટી દિવાળી... મોટી દિવાળી...' ત્યાં તો આખું મેનેજમેન્ટ દોડી આવ્યું હાથ દુઃખી જાય એટલી હદે બારણું ખખડાવ્યું... ‘આ દિવાળી નથી. હોળી છે. સળગી જશો બધાં ય. જલ્દી બહાર નીકળો, નહીં તો મરી જશો બધાં.’ પાગલોએ ઠંડે કલેજે કહ્યું, ‘તમારા ઘરમાં હોળી હશે. અમારે તો દિવાળી છે. Please, do not disturb.' એક હોંશિયાર પાગલે ઝાડુની છેલ્લી છેલ્લી દિવાળીમાં એક તકિયો સ્વાહા કરી દીધો, બીજાએ ગાદલું, ત્રીજાએ ટેબલ, ચોથાએ પલંગ... ડોક્ટરો બૂમાબૂમ કરતાં રહ્યા... મોટામાં મોટી દિવાળી મનાવીને પાગલો સળગીને રાખ થઈ ગયાં. - પાગલખાનાની આ ઘટના આપણે જે રીતે જોઈ, બરાબર એ જ રીતે જ્ઞાનીઓ આપણી ઘટના જોઈ રહ્યા છે. જ્યાં હસવા જેવું કશું જ નથી ત્યાં આપણે હસીએ છીએ. જ્યાં રાજી થવાનું હોય છે, ત્યાં આપણે રડવા બેસીએ છીએ. જ્યાં મૌન રહેવાનું હોય છે, ત્યાં આપણે વિવાદ કરવા લાગીએ છીએ, જ્યાં ઠરીઠામ થઈ જવાનું હોય છે, ત્યાંથી આપણે ભાગી છૂટીએ છીએ. પોક મુકીને રડવા જેવું હોય છે, ત્યાં આપણે ખુશખુશાલ થઈ જઈએ છીએ. જ્યાં ભાંગી પડવા જેવું હોય છે, ત્યાં આપણે નાચી ઉઠીએ છીએ. જ્યાં સર્વસ્વની હોળી થઈ જતી હોય છે, ત્યાં આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ. તત્ત્વદૃષ્ટિથી જોવાનો પ્રયાસ કરીએ, તો એક પાગલ અને આપણામાં ફરક શું છે ? એને પોતાની જાતનું ભાન નથી, આપણને ય ‘આત્મા’ની સભાનતા ક્યાં છે ? એ વ્યર્થ બાબતોને મહત્ત્વપૂર્ણ હોય એવા ઢંગથી કર્યા કરે છે, તો આપણે ય એ સિવાય બીજું શું કરીએ છીએ ? પોતાને ભારે નુકશાનકારી હોય, એવી વસ્તુ પણ એને ખૂબ જ ઉપયોગી અને જરૂરી લાગે છે. ભારે જોખમને પામવા માટે એ ભારેમાં ભારે જોખમને રુચિપૂર્વક ઉઠાવી શકે છે, તો શું આ આપણી પણ હકીકત નથી ? 李 ૬૧ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84