________________
અનંતગણો ફરક સંસાર અને સંયમમાં છે. લોઢાની પૂતળી ને જીવતી યુવતીમાં જેટલો ફરક છે, એના કરતાં અનંતગણો ફરક વિષયસેવન અને સંયમસુખમાં છે. જીવતી પત્નીને છોડીને મૂઢ-મૂર્ખ-અજ્ઞ માણસ પૂતળી પાછળ પાગલ બને છે, એને જોયા કરે છે, એને ભેટે છે, એની સાથે પ્રેમચેષ્ટાઓ કરવા મથે છે, જે એને એમ કરતા રોકે ને સાચી સમજ આપે, એ બધાં એને દુશ્મન લાગે છે. એ પૂતળી છિનવાઈ જાય, તો એનું બધું જ સુખ છિનવાઈ જશે, એવું એને લાગે છે. એ મરણિયો બનવા પણ તૈયાર છે. એ પૂતળીને જ એ જીવનસર્વસ્વ માની રહ્યો છે. પણ પૂતળી એ પૂતળી જ છે. એ એ જ આપી શકે છે, જે એની પાસે છે. એ છે કઠોરતા. એ છે કષ્ટ. એ છે વ્યર્થ મજૂરી ને એ છે વિશ્વાસઘાત.
અજ્ઞાનનું વાદળ ખસી જાય છે એટલે આખો ય સંસાર એ લોઢાની પૂતળી જેવો દેખાય છે. પછી સ્ત્રી અને પૂતળી - આ બંનેમાં કોઈ ફેર જ રહેતો નથી. પછી દરેક લાડવો લાકડાનો લાડવો દેખાય છે. પછી દરેક કન્યા વિષકન્યા દેખાય છે. પછી દરેક ભોજન વિષભોજન દેખાય છે. પછી દરેક સંપત્તિમાં વિપત્તિના દર્શન થાય છે.
અજ્ઞાનનું વાદળ ખસી જાય એટલે એક સાથે બે ઘટના બને છે... એક બાજુ સંસાર આખો ય ઝેરનો દરિયો દેખાય છે. બીજી બાજુ આત્માની ભીતરમાં અમૃતના ઝરણાં દેખાય છે. આત્મા એ ચન્દ્ર છે. અજ્ઞાનનું વાદળ ખસતાની સાથે એની શીતળ ચાંદની ચોમેર રેલાવા લાગે છે. ચન્દ્રનું એક નામ છે અમૃતકિરણ. કહેવાય છે કે એના કિરણોમાં નકરું અમૃત હોય છે. ચકિરણોથી અમુક રોગો મટી શકે છે, માટે આવી વાત પ્રસિદ્ધ છે. પણ આત્માની બાબતમાં આ સો ટકા સત્ય છે. આત્માની આભા એ નીતરતું અમૃત છે. એ આભા પ્રગટે એટલે જ્ઞાન અને આનંદના ઝરણા સ્વયંભૂપણે ફૂટી ફૂટીને વહેવા લાગે છે.
સંસાર પૂર્ણપણે હેય લાગે = ફેંકી દેવા જેવો લાગે. આત્મા પૂર્ણપણે ઉપાદેય લાગે = ડુબકી લગાવવા જેવો લાગે - પછી એ વ્યક્તિ કરશે શું ? પછી એની સહજ પ્રવૃત્તિ શી હશે ? પછી એની દિશા કઈ હશે ? પછી એનો ઢોળાવ કઈ તરફ હશે ? કશું ય કહેવાની જરૂર જ નથી. યાદ આવે ઉપનિષદો -
_આ છે સંસાર