________________
પોતાને કારાગારમાં પૂરે તોય પોતાના અપરાધનો નિકાલ કરતાં સંથાગારને વરસો વીતી જશે.
મગધના મહામંત્રી વસકારે પોતાના આગમનનું નિમિત્તે વળી બીજું દર્શાવ્યું. રાજા અશોકચંદ્રને પિતા બિંબિસારની હત્યા પછી મનમાં ખૂબ લાગ્યા કરતું હતું. એમને કોઈ બોલાવે તોય ન ગમતું. અંતરમાં પ્રેમાળ પિતાની સ્મૃતિ જાગી ઊઠતી. તેઓ કહેતા : ‘મને અજાત કહો હું જન્મ્યો જ ન હોત તો સારું થાત !'
:
એ વખતે મહામંત્રી વસકાર અને મહાભિખ્ખુ દેવદત્ત એ ભાવનાનો વિરોધ કરતાં કહ્યું, ‘દરેક વસ્તુ કર્માનુસાર બને છે; આપણે તો માત્ર નિમિત્ત છીએ. આપની ઇચ્છા છે તો આપનું નામ બદલીએ, પણ અજાત તો નહિ, બલ્કે અજાતશત્રુ રાખીએ. આપના જેવા પ્રેમાવતારનો શત્રુ અજાત-અજન્મ- જ હોય, અર્થાત્ હોય જ નહિ !'
મગધપતિને ગમે તેમ કરીને પોતાનું નામ બદલવું હતું. એમણે અજાતશત્રુ નામ સ્વીકારી લીધું ને સમસ્ત રાજ્યમાં એ નામની ઘોષણા કરાવી.
થોડા દિવસ શાંતિમાં વીત્યા, ત્યાં મનની પીડા ફરી જાગી. તેઓએ કહ્યું, ‘આ દુર્ગ, આ મહાલય, આ આરામ, આ વાટિકાઓ બધે મને પૂજ્ય પિતાજીના પડછાયા હરતા-ફરતા દેખાય છે. હું સુખપૂર્વક ખાઈ શક્તો નથી. મારી પ્રાણપ્રિય રાણીઓ સાથે વિહાર કરી શકતો નથી. તો પછી રાજકાજમાં તો ચિત્ત ક્યાંથી રહે ? અરે, મને રાતે પડઘા પડે છે, પિતાજી જાણે કારાગારમાં સળિયા ખખડાવતા પોકાર પાડતા કહે છે, ‘અજાત ! બેટા ! અશોક બેટા ! અને એ શબ્દો મારી ઊંઘ ઉડાડી દે છે. મને બીજે લઈ જાઓ.'
ફરી મહામંત્રી વિચારમાં પડયા અને તેઓએ રાજાને ભગવાન બુદ્ધ પાસે મોકલ્યા.
ભગવાન બુદ્ધનો પરમ વૈરી મહાભિખ્ખુ દેવદત્ત મગધમાં આશ્રય લઈ રહ્યો હતો. ભગવાન બુદ્ધ આવકાર આપશે કે નહિ, તેની શંકા હતી. પણ કૂટનીતિજ્ઞો સજ્જનની સજ્જનતા વિશે શંકાશીલ હોતા નથી. તે વખતે મહામંત્રીએ કહ્યું, ‘આવા માણસો જૂનાં વેર યાદ કરતા નથી ! તમે નિશ્ચિતપણે ત્યાં જાઓ; મહાવૈદ્ય જીવક તમને લઈ જશે.’
અજાતશત્રુ ભગવાન બુદ્ધનાં દર્શને ચાલ્યો. એના મનમાં બીક હતી, પણ ભિખ્ખુઓને શાંત જોઈ તેનો ઉત્સાહ વધ્યો. એ બુદ્ધના ચરણમાં જઈને પડ્યો ને બોલ્યો, ‘ભગવાન, મારા ચિત્તને શાંતિ થાય એવું કંઈક કહો.'
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘હે રાજા ! તું પૂરણકાશ્યપને મળ્યો ? એણે તને શું
કહ્યું?”
122 ] શત્રુ કે અજાતશત્રુ
રાજા બોલ્યો, ‘હું પુરણકાશ્યપને મળ્યો. એણે કહ્યું કે કરનાર ને કરાવનાર, મારનાર ને મરાવનાર, પરસ્ત્રી ગમન કરનારને, ખોટું બોલનારને કે અન્ય કોઈપણ કર્મ કરનારને તે કર્મથી પાપ લાગતું નથી. સારું કૃત્ય કરવાથી પુણ્ય થાય છે. એ વાત પણ ખોટી છે !'
‘વારુ તેથી તારું મન શાંત થયું ?' ભગવાને પૂછ્યું.
‘ના, મહાગુરુ !’ રાજાએ જવાબ આપ્યો.
‘વારુ, તું મંખિલ ગોશાલને મળ્યો ?'
‘હા, મહાગુરુ, એમણે મને કહ્યું કે પ્રાણીની સંશુદ્ધિ કે સંકલેશને કાંઈ કારણ લાગતું નથી. પોતાના પ્રયત્નથી માણસ મુક્ત થાય છે, એ વાત જ ખોટી છે. સઘળી યોનિઓ વટાવ્યા વિના માણસનો મોક્ષ થતો નથી. મૂર્ખ કે ડાહ્યા, પુણ્યવાન કે પાપી, દરેકને સર્વ યોનિમાં જન્મ લીધા વિના મોક્ષ થતો નથી.
‘વારુ, તેથી તારું મન શાંત થયું ?' મહાગુરુએ પ્રશ્ન કર્યો. ‘ના.’ રાજાએ કહ્યું.
‘તું અજિત કેશબલને મળ્યો ?
‘હા, મહાગુરુ ! એમણે તો કહ્યું કે ચાર મહાભૂતમાંથી દેહ બન્યો છે. મનુષ્ય મૃત્યુ પામ્યા પછી પૃથ્વીનો અંશ પૃથ્વીમાં વાયુનો વાયુમાં, પાણીનો પાણીમાં ને અગ્નિનો અગ્નિમાં જાય છે, મરણ પછી કંઈ શેષ રહેતું નથી.’
વારુ, તેથી તારું મન શાંત થયું ?’
‘ના.’રાજાએ કહ્યું.
‘તું કૃધકાત્યાયનને મળ્યો ?
હા. તેઓએ તો પૃથ્વી, ઉદક, તેજ, વાયુ, દુઃખ, સુખ અને જીવ-આ સાત પદાર્થ નિત્ય છે. એ કોઈએ ઉત્પન્ન કર્યા નથી, કોઈ મારતું નથી, મરાવતું નથી, એમ કહ્યું.’
‘વારુ તેથી તારું મન શાંત થયું ?'
‘ના.’
‘તો પછી તું સંજયવેલઠ્ઠીપુત્રને મળ્યો ?'
‘હા. તેઓએ કહ્યું કે પરલોક છે એવું હું માનતો નથી. પરલોક છે એવું હું જાણતો નથી. પ્રાણીને કર્મ પ્રમાણે ફળ મળે છે, એ પણ હું કહી શકતો નથી.' ‘વારુ, તેથી તારું મન શાંત થયું ?' ભગવાને પૂછ્યું. ‘ના.’ પરમોપાસક બનેલા રાજાએ કહ્યું.
સાચું શું ? D 123