Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 172
________________ અહીં આવી છે. ચાલવાના શ્રમથી જુઓ ને, એના પગ સુઝીને થાંભલા જેવા થઈ ગયા છે ! આપ તેઓને ભિખુણી બનવાનો અધિકાર આપતા નથી, તેથી તેમને દુ:ખ થાય છે. આપ અનુજ્ઞા આપો એમ એ ઇચ્છે છે. સ્ત્રીઓને શા માટે પાછી પાડો છો ?' બુદ્ધ શાંતિથી બોલ્યા : ‘આનંદ ! આ ભાંજગડમાં પડવા જેવું નથી. વૈશાલી ને મગધ સળગ્યાં છે. કોસલ ને શાક્ય પ્રદેશ સળગ્યાં છે. અજાતશત્રુએ બાપને માર્યો છે ! વિડુડભે બાપને રસ્તાનો ભિખારી બનાવ્યો છે ! ચારે કોર અશાંતિની આગ પ્રસરી ગઈ છે !' આનંદે બે હાથ જોડતાં કહ્યું, ‘પ્રભુ ! એ આગને ઠારવામાં સ્ત્રીઓ વધુ ઉપયોગી થશે. સ્ત્રીઓને સળગાવતાં ને બુઝાવતાં બંને આવડે છે. આપ એ કહો કે ધર્મનો સાક્ષાત્કાર સ્ત્રીને થવો શક્ય છે કે નહિ ?” ‘પુરુષોની જેમ સ્ત્રી માટે પણ એ જરૂર શક્ય છે.’ જવાબ ટૂંકો છતાં સચોટ હતો. ‘તો આપ તેઓને ભિખુણી બનવાની આજ્ઞા આપો.” આપું છું.” ભગવાન બુદ્ધે કહ્યું, ને આગળ બોલ્યા, ‘યુદ્ધની આગ ફરીથી પ્રજ્વલિત થઈ છે. ભિખુણીસંઘ એ માટે કંઈક જરૂર કરે. ખેમા સાધ્વી એ સંઘની અગ્રણી બને. હું અત્યારે કોસલ દેશ તરફ જાઉં છું.” લોકગુરુના આ શબ્દોથી બધે આનંદ આનંદ પ્રસરી રહ્યો. આમ્રપાલીએ કહ્યું : “મને પણ ઉપસંપદા આપો.’ ‘કલ્યાણ હો !' તથાગત બોલ્યા, ને અનુમતિ આપી. આપનો સિદ્ધાંત ટૂંકામાં સમજાવો.” ભિખુણી સંઘે મંગલપ્રવચન કરવા વિનતી કરી. ‘હે ભિખૂઓ, હે ભિખુણીઓ ! કામોપભોગમાં સુખ માનવું એ એક સિદ્ધાંત છે; દેહદમન કરવું એ બીજો સિદ્ધાંત છે. આ બંને સિદ્ધાંતો દુઃખકારક, અનાર્ય અને અનર્થાવહ છે. તપસ્વીઓએ આ બંને સિદ્ધાંતોનું સેવન કરવું નહિ. હું બંનેની વચ્ચેનો માર્ગ કહું છું : શરીરને ન બહુ દુ:ખ દેવું કે ન બહુ સુખ દેવું અને મધ્યમ માર્ગ સ્વીકારવો : એનું નામ ધર્મ !' ‘હૈ તથાગત ! અમે મધ્યમ માર્ગ સ્વીકારીએ છીએ.” બધી સ્ત્રીઓએ કહ્યું. તો તમારું કલ્યાણ થશે. તમે ઘેરી કહેવાશ. થેરી સંઘની વડી ખેમા સાધ્વી થશે. થેરી થઈને જગતને સુખ-દુઃખમાં સ્થિર કરજો. હિંસા ફાટી નીકળી હોય તેમ લાગે છે. બુઝાતો દીપક દ્વિગુણ ભભૂકે, એમ હિંસા બેવડા જોરથી ભભૂકી ઊઠી છે ! પણ ઘનઘોર રાત પછી જ તેજે ઓપતું પ્રભાત પ્રગટે છે, એમ હવે જ અહિંસાની 320 | શત્રુ કે અજાતશત્રુ પ્રતિષ્ઠા થશે. મને એનો ભરોસો છે. હું કોસલ દેશમાં જાઉં છું. આર્ય સત્ય અને આર્ય માર્ગનું અવલંબન કદી લેશ પણ ન છાંડજો.” તથાગત આટલું બોલી રહ્યા ત્યાં કચ પોતાના ઘોડેસવારો સાથે આવી પહોંચ્યો. એણે કહ્યું : ‘તથાગત, ઊભા રહો.' “કોણ, કચ ? અરે, તથાગત તો હંમેશાં ઊભા જ છે, તમે રાજકારણી લોકો સૂતા છો !' લોકગુરુએ કહ્યું. એક વાર આવો જ જવાબ તેમણે લૂંટારા અંગુલિમાલને આપ્યો હતો. ‘અજાતશત્રુ આંગણે આવીને ખડો છે, ને અમે સુતા છીએ ? આ આપ શું કહો છો ? જોકે એક રીતે આપ કહો છો તે સાચું છે. જો અમે સૂતા ન હોત તો આમ્રપાલી જેવી ગણિકાઓ વૈશાલીના શત્રુઓને પોતાને ત્યાં આશરો ન આપત ! કૃપા કરીને આપ એને ઉપસંપદા-દીક્ષા ન આપશો.' ‘કેમ ?” તથાગત પ્રશ્ન કર્યો. ‘આ તો સો ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠાં છો ! એવા અધર્મીઓથી બુદ્ધનો પવિત્ર ધર્મ વગોવાશે.” ધર્મ અધર્મીઓ માટે જ છે. મેલાં લૂગડાં માટે જ સ્વચ્છ જળની જરૂર હોય છે.” તથાગત બોલ્યા. ‘આ મેલાં કપડાં બીજાં કપડાંને અને આ મેલાં જળ બીજાં જળને મેલાં કરશે. હું આમ્રપાલીને પકડવા આવ્યો છું.' કચે સત્તાવાહી સ્વરે કહ્યું. આમ્રપાલી કંઈ ન બોલી, એ દીક્ષાની શિબિરમાં ચાલી ગઈ, અને થોડી વારે પાછી આવી, જેની એક એક અલકલટ પર હજાર જાન કુરબાન થતી, એ તમામ કેશકલાપનું એણે ઉચ્છેદન કરી નાખ્યું હતું. સાધ્વીને શોભતું એક વસ્ત્ર એણે દેહ પર ધારણ કર્યું હતું. અલબત્ત એથી એની મધુરતા અલ્પ થઈ નહોતી. ‘સર્વસ્વીકૃત એક નિયમ છે : તપસ્વીઓને કોઈ સામ્રાજ્ય કદી સ્પર્શી શકતું નથી.’ લોકગુરુએ દૃઢતાથી કહ્યું. ‘તપસ્વી ? કોણ તપસ્વી ? આમ્રપાલી તપસ્વી ? લોકગુરુ ! તપસ્વી તો ધનો અનગાર કહેવાય.’ કચે તિરસ્કારમાં કહ્યું. કોણ ધન્ના અનગાર ?” આનંદે પ્રશ્ન કર્યો. ‘ભગવાન મહાવીરનો ઉપાસક, તમે તો વચલો માર્ગ બતાવો છે, પણ એ તો કહે છે કે પતિત વૃત્તિઓને સર્વથા બાળવા આત્મદમન અને દેહદમન અનિવાર્ય છે. એ માટે છેક છેલ્લી કોટીનાં તપ, ધ્યાન ને અહિંસા સાધન છે.' કચ જાણે ફિલસૂફ બની ગયો હોય તેમ બોલ્યો. પ્રેમધર્મનું પ્રભાત 1 321

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210