________________
એક ઘોડાપૂર વહી ગયું, ત્યાં તો, જાણે કુદરતે જ કોપ કર્યો હોય કે નિર્દોષ પ્રજાના સર્વનાશની સજા કરવા માટે જ હોય તેમ, સાત સાત ઘોડાપૂર ઉપરાઉપરી આવ્યાં.
અને એ પૂરમાં વિડુડભની વીર સેના પીપળાનાં પાનાંની જેમ તણાઈ ગઈ ! હાથી પર બેઠેલો સેનાપતિ હાથી સાથે પૂરમાં ખેંચાયો.
દશ દશ હાથી જેને રોકીને ખડા હતા એ તરાપા પર રાજા વિડુડભ બેઠો હતો. પણ જલદેવની સવારી ભયંકર હતી. દશ હાથી, તરાપો અને રાજા વિડુડભ બધાંને પળવારમાં પોતાનાં ઉદરમાં સમાવી એ ચાલ્યો ગયો. જેના નામથી પૃથ્વી કંપતી એનું નામોનિશાન ન રહ્યું.
સૂરજદેવ છડી સવારીએ આવ્યા ત્યારે ત્યાં કંઈ નહોતું. નહોતી ત્યાં ચતુરંગ સેના, નહોતા સેનાપતિ કે સામંતો, ને નહોતો રાજા વિડુડભ કે જેની હાકથી પૃથ્વી કંપતી.
શ્રાવસ્તી-ભગવાન બુદ્ધની પ્યારી શ્રાવસ્તી માત્ર ખંડેરોમાં ખડી હતી. એના સપ્તભૂમિપ્રાસાદો જળભરી વાવ કે તડાગ જેવા થઈ ગયા હતા. એના ચાર-ચાર પાંચ-પાંચ માળ પાણીથી છલોછલ હતા. દોમંજિલ કે એક મંજિલ હવેલીઓ તો દેખાતી જ નહોતી | જલ, પૃથ્વી, અગ્નિ, તેજ ને વાયુ-પંચભૂતમાંના માત્ર એક ભૂતની કરામતે શ્રાવસ્તીમાં માનવીમાત્રની હસ્તી મિટાવી દીધી !
અને આટલું અધૂરું હોય તેમ સાંજે ઠંડો હિમાળુ વાયુ છૂટ્યો. કેટલાય યોજનની ગતિ સાથે એ વાવા લાગ્યો. ખૂણેખાંચરે ભરાઈ બેઠેલા મનુષ્ય, સર્પ કે પંખી એ હિમવાયુમાં ઠરીને ઢીમ બનીને ઢળી પડ્યાં !
અજાતશત્રુ જ્યારે નવા યુદ્ધપ્રયાણની તૈયારીમાં હતો ત્યારે એને શાક્ય દેશ અને શ્રાવસ્તીના સર્વનાશના આ સમાચાર મળ્યા; પણ ત્યારે તેણે કંઈ ઊંડો વિચાર ન કર્યો. મિથ્યાભિમાન એ દોષ છે, એ વાત એણે હૃદયથી વિચારી નહિ. એણે ફક્ત એટલું જ કહ્યું : ‘ભાગ્યશાળીને ત્યાં તો ભૂત રળે છે ! આ યુદ્ધમાં ગણતંત્રીય શાક્યોનો સંહાર અને બીજી તરફ મહાબળિયા રાજા વિડુડભનું અપમૃત્યુ, આ બધાં મારા ભાવી વિજયનાં એંધાણ છે, મારા ચક્રવર્તીપદના રાહનાં મંગળસૂચકો છે. વૈશાલીની જેમ એ બધા પ્રદેશો મારા બની જશે અને એમાં હું મારી નવી વ્યવસ્થા પ્રસારીશ. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને કહીશ કે હવે આપ એક અખંડ ચક્રવર્તીના રાજ્યમાં નિરાંતે વિહરો અને લોકોને સમજાવો કે કર્મ મોટાં છે, માણસ તો માત્ર નિમિત્ત છે. રાજા થવું કે રંક, એ પણ કર્મનું જ ફળ છે. બનવાનું હોય એ બન્યા કરે છે. માણસ તો વિધિનું રમકડું છે. એ નચાવે તેમ એ નાચે છે. ક્ષમા મોટો
390 C શત્રુ કે અજાતશત્રુ
ગુણ છે. દાન અને ઉદારતા, એ બે ગુણ જેનામાં હોય એ જ સાચો માણસ કહેવાય, એ સિવાયના બાકી બધા પશુ !
રાજા અજાતશત્રુ મનમાં જ હસી રહ્યો : શું નસીબની બલિહારી છે ! અરે, જગતમાં મને કોણ પરાસ્ત કરી શકે તેમ છે ? ભગવાન મહાવીર પાસે પણ મારા નામની યથાર્થતા કબૂલ કરાવીશ.
યુદ્ધનો ભયંકર નશો અજાતશત્રુના દિલ પર વ્યાપી ગયો. ઠેરઠેર રણભેરીઓ વાગવા લાગી.
સેનાઓ એકત્ર થવા લાગી. રાજદૂતોના ઘોડા પણ દોડતા થયા. આજે આ રાજ, કાલે બીજું રાજ !
ભલભલાં રાજ્યો રાજા અજાતશત્રુની કદમબોસી સ્વીકારવા લાગ્યાં. તેઓની શરણાગતિના પત્રો લઈને એલચીઓ દરબારમાં હાજર થયા. પણ કેટલાંક મગતરાંઓ હજી મિથ્યા ગર્વ રાખી રહ્યાં હતાં. એ મગતરાંઓને મસળી નાખવા રાજા અજાતશત્રુએ એક શુભ ઘડીએ પ્રયાણ કર્યું.
રાણી પદ્મા આ વખતે એકાએક વચ્ચે આવીને ઊભાં રહ્યાં : ‘ખમૈયા કરો, મારા નાથ ! આ યુદ્ધની આગ હાથી અને હારના બહાના નીચે મેં ચેતાવી હતી. ઓહ ! પણ આજે હું જે જોઉં છું તે મારાથી જોયું જતું નથી ! કેટલો સંહાર ! કેટલી વિધવાઓ ! કેટલાં અનાથો ! નાથ ! મારાં પાપ પોકાર પાડે છે. મને ઊંઘ નથી આવતી.’
‘રાણી ! પાપ ન કહો, પુણ્ય કહો. નિરાંતે ઊંઘો. ઇતિહાસ કહેશે કે તમારી પ્રેરણા હતી તો હું આજ તેરમો ચક્રવર્તી થવા શક્તિમાન થયો. ઇતિહાસમાં આપણે અમર થઈશું.' રાજા અજાતશત્રુએ રાણીને સાંત્વન આપ્યું.
‘નાથ ! શા માટે આ સંહાર ? દશ કોળિયા અન્ન, દશ ગજ જમીન ને વીસ હાથ વસ્ત્ર, એ માટે આટલો બધો સંહાર ! અતિ ઉગ્ર પુણ્ય-પાપનાં ફળ, કહે છે કે, તરત મળે છે. વિડુડભની ને શાક્યોની વાત તો જાણો જ છો.'
‘રાણી ! કોઈ પોચિયા ઘાસ જેવા સાધુનાં ભક્ત તો બન્યાં નથી ને ? આ સાધુઓનો તો સ્વાર્થ સિદ્ધિને માટે ઉપયોગ કરવો, બાકી એમની બીજી બીજી વાતોને કાને ન ધરવી.’ અજાતશત્રુએ રાણીને સલાહ આપતાં કહ્યું ને પાસે જઈને બોલ્યો, ‘રાણી ! આપણા બંનેનો ચક્રવર્તીના સિંહાસને અભિષેક તરતમાં જ છે. યુદ્ધ તો રમતવાત છે. મારો શત્રુ તો હવે જન્મે ત્યારે ખરો ! હું તો અજાતશત્રુ છું !'
રાણી પદ્મા વિચારમાં પડી ગઈ. એ બોલી : “પ્રભુ મહાવીર કહેતા હતા કે ઘણી વાર આપણા શત્રુ આપણે પોતે જ હોઈએ છીએ. વિડુડભ જેવા બળવાનને કયા શત્રુએ હરાવ્યો ? પારકાનું જોઈને આપણે કંઈ બોધપાઠ ન લઈએ તો પશુથીય ધરતીએ હાશ કર્યું !D 391