________________
અહીં આવી છે. ચાલવાના શ્રમથી જુઓ ને, એના પગ સુઝીને થાંભલા જેવા થઈ ગયા છે ! આપ તેઓને ભિખુણી બનવાનો અધિકાર આપતા નથી, તેથી તેમને દુ:ખ થાય છે. આપ અનુજ્ઞા આપો એમ એ ઇચ્છે છે. સ્ત્રીઓને શા માટે પાછી પાડો છો ?'
બુદ્ધ શાંતિથી બોલ્યા : ‘આનંદ ! આ ભાંજગડમાં પડવા જેવું નથી. વૈશાલી ને મગધ સળગ્યાં છે. કોસલ ને શાક્ય પ્રદેશ સળગ્યાં છે. અજાતશત્રુએ બાપને માર્યો છે ! વિડુડભે બાપને રસ્તાનો ભિખારી બનાવ્યો છે ! ચારે કોર અશાંતિની આગ પ્રસરી ગઈ છે !'
આનંદે બે હાથ જોડતાં કહ્યું, ‘પ્રભુ ! એ આગને ઠારવામાં સ્ત્રીઓ વધુ ઉપયોગી થશે. સ્ત્રીઓને સળગાવતાં ને બુઝાવતાં બંને આવડે છે. આપ એ કહો કે ધર્મનો સાક્ષાત્કાર સ્ત્રીને થવો શક્ય છે કે નહિ ?”
‘પુરુષોની જેમ સ્ત્રી માટે પણ એ જરૂર શક્ય છે.’ જવાબ ટૂંકો છતાં સચોટ હતો.
‘તો આપ તેઓને ભિખુણી બનવાની આજ્ઞા આપો.”
આપું છું.” ભગવાન બુદ્ધે કહ્યું, ને આગળ બોલ્યા, ‘યુદ્ધની આગ ફરીથી પ્રજ્વલિત થઈ છે. ભિખુણીસંઘ એ માટે કંઈક જરૂર કરે. ખેમા સાધ્વી એ સંઘની અગ્રણી બને. હું અત્યારે કોસલ દેશ તરફ જાઉં છું.”
લોકગુરુના આ શબ્દોથી બધે આનંદ આનંદ પ્રસરી રહ્યો. આમ્રપાલીએ કહ્યું : “મને પણ ઉપસંપદા આપો.’ ‘કલ્યાણ હો !' તથાગત બોલ્યા, ને અનુમતિ આપી.
આપનો સિદ્ધાંત ટૂંકામાં સમજાવો.” ભિખુણી સંઘે મંગલપ્રવચન કરવા વિનતી કરી.
‘હે ભિખૂઓ, હે ભિખુણીઓ ! કામોપભોગમાં સુખ માનવું એ એક સિદ્ધાંત છે; દેહદમન કરવું એ બીજો સિદ્ધાંત છે. આ બંને સિદ્ધાંતો દુઃખકારક, અનાર્ય અને અનર્થાવહ છે. તપસ્વીઓએ આ બંને સિદ્ધાંતોનું સેવન કરવું નહિ. હું બંનેની વચ્ચેનો માર્ગ કહું છું : શરીરને ન બહુ દુ:ખ દેવું કે ન બહુ સુખ દેવું અને મધ્યમ માર્ગ સ્વીકારવો : એનું નામ ધર્મ !'
‘હૈ તથાગત ! અમે મધ્યમ માર્ગ સ્વીકારીએ છીએ.” બધી સ્ત્રીઓએ કહ્યું.
તો તમારું કલ્યાણ થશે. તમે ઘેરી કહેવાશ. થેરી સંઘની વડી ખેમા સાધ્વી થશે. થેરી થઈને જગતને સુખ-દુઃખમાં સ્થિર કરજો. હિંસા ફાટી નીકળી હોય તેમ લાગે છે. બુઝાતો દીપક દ્વિગુણ ભભૂકે, એમ હિંસા બેવડા જોરથી ભભૂકી ઊઠી છે ! પણ ઘનઘોર રાત પછી જ તેજે ઓપતું પ્રભાત પ્રગટે છે, એમ હવે જ અહિંસાની
320 | શત્રુ કે અજાતશત્રુ
પ્રતિષ્ઠા થશે. મને એનો ભરોસો છે. હું કોસલ દેશમાં જાઉં છું. આર્ય સત્ય અને આર્ય માર્ગનું અવલંબન કદી લેશ પણ ન છાંડજો.”
તથાગત આટલું બોલી રહ્યા ત્યાં કચ પોતાના ઘોડેસવારો સાથે આવી પહોંચ્યો. એણે કહ્યું : ‘તથાગત, ઊભા રહો.'
“કોણ, કચ ? અરે, તથાગત તો હંમેશાં ઊભા જ છે, તમે રાજકારણી લોકો સૂતા છો !' લોકગુરુએ કહ્યું. એક વાર આવો જ જવાબ તેમણે લૂંટારા અંગુલિમાલને આપ્યો હતો.
‘અજાતશત્રુ આંગણે આવીને ખડો છે, ને અમે સુતા છીએ ? આ આપ શું કહો છો ? જોકે એક રીતે આપ કહો છો તે સાચું છે. જો અમે સૂતા ન હોત તો આમ્રપાલી જેવી ગણિકાઓ વૈશાલીના શત્રુઓને પોતાને ત્યાં આશરો ન આપત ! કૃપા કરીને આપ એને ઉપસંપદા-દીક્ષા ન આપશો.'
‘કેમ ?” તથાગત પ્રશ્ન કર્યો.
‘આ તો સો ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠાં છો ! એવા અધર્મીઓથી બુદ્ધનો પવિત્ર ધર્મ વગોવાશે.”
ધર્મ અધર્મીઓ માટે જ છે. મેલાં લૂગડાં માટે જ સ્વચ્છ જળની જરૂર હોય છે.” તથાગત બોલ્યા.
‘આ મેલાં કપડાં બીજાં કપડાંને અને આ મેલાં જળ બીજાં જળને મેલાં કરશે. હું આમ્રપાલીને પકડવા આવ્યો છું.' કચે સત્તાવાહી સ્વરે કહ્યું.
આમ્રપાલી કંઈ ન બોલી, એ દીક્ષાની શિબિરમાં ચાલી ગઈ, અને થોડી વારે પાછી આવી, જેની એક એક અલકલટ પર હજાર જાન કુરબાન થતી, એ તમામ કેશકલાપનું એણે ઉચ્છેદન કરી નાખ્યું હતું. સાધ્વીને શોભતું એક વસ્ત્ર એણે દેહ પર ધારણ કર્યું હતું. અલબત્ત એથી એની મધુરતા અલ્પ થઈ નહોતી.
‘સર્વસ્વીકૃત એક નિયમ છે : તપસ્વીઓને કોઈ સામ્રાજ્ય કદી સ્પર્શી શકતું નથી.’ લોકગુરુએ દૃઢતાથી કહ્યું.
‘તપસ્વી ? કોણ તપસ્વી ? આમ્રપાલી તપસ્વી ? લોકગુરુ ! તપસ્વી તો ધનો અનગાર કહેવાય.’ કચે તિરસ્કારમાં કહ્યું.
કોણ ધન્ના અનગાર ?” આનંદે પ્રશ્ન કર્યો.
‘ભગવાન મહાવીરનો ઉપાસક, તમે તો વચલો માર્ગ બતાવો છે, પણ એ તો કહે છે કે પતિત વૃત્તિઓને સર્વથા બાળવા આત્મદમન અને દેહદમન અનિવાર્ય છે. એ માટે છેક છેલ્લી કોટીનાં તપ, ધ્યાન ને અહિંસા સાધન છે.' કચ જાણે ફિલસૂફ બની ગયો હોય તેમ બોલ્યો.
પ્રેમધર્મનું પ્રભાત 1 321