Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 195
________________ 49 સ્વાર્થ માટે ન રહે । મડદાં બધાં શાંત થઈ ગયાં. રાત્રિ પણ વિરામ પામી રહી. અજાતશત્રુએ આખી રાત ગણનાયકનું શબ શોધવા માથાકૂટ કરી, પણ પ્રયત્ન નિષ્ફળ થયો. કૂવા બધા પાણીથી ભરેલા હતા, અને એની સપાટી પર મડદાં તરતાં હતાં ! અજાતશત્રુને પ્રયત્નમાં નિષ્ફળતા મળતાં એનો ક્રોધ દ્વિગુણ થયો. એ ધસમસતો વૈશાલી તરફ વળ્યો. સોનાની વૈશાલી અત્યારે ભડકે બળતી હતી. એનો ગગનચુંબી સંસ્થાગાર, એનાં હર્યો, પ્રસાદો, ઉદ્યાનો જાણે હતાં જ નહિ, એવાં થઈ રહ્યાં હતાં. જે વીથિકાઓમાં મદભરી માલણો ફૂલ વેચતી, જે મંદિરોમાં રૂપભરી નૃત્યાંગનાઓ નૃત્ય કરતી, જ્યાં મોટા મોટા ઝવેરીઓ નીલમ-માણેકનાં મૂલ કરતા ને જે સંઘારામોમાં ભિખ્ખુઓ ઊતરતા ને ઉપદેશપ્રસાદ છૂટે હાથે વહેંચતા, ત્યાં માત્ર ભડભડતો અગ્નિ અને કાળા કોલસાના ઢગો જ શેષ રહ્યા હતા. સૈનિકને શીલ શું, સ્નેહ શું ને ઔદાર્ય શું ? અને એ બધું હોય તોપણ સ્વદેશ બંધુઓ તરફ; શત્રુ તરફ તો સુંવાળી લાગણી સંભવે જ કેમ ? શત્રુને તો જેટલો સતાવ્યો, એટલો સારો. સોનાં-રૂપાં અને જર-ઝવેરાતની છડેચોક લૂંટ થતી હતી. સુંદર સ્ત્રીઓ કાં તો નાસી છૂટી હતી, કાં તો મોં કાળું કરીને ઘૂમતી હતી, કાં તો અત્યાચારોનો ભોગ બની મૂર્છિત બની હતી ! ‘ઓહ ! હલ્લ ને વિહલ્લ જેવા મારા ગુનેગારોને આશરો આપનાર આ વૈશાલી ! મારી સામે બાકરી બાંધનાર આ મહામૂર્ખ લોકો ! કાયરતાને અહિંસા માની બેસનાર આ બેવકૂફ પ્રજાજનો !બાળો, તોડો, વિનાશ કરો વૈશાલીનો ! – મગધસમ્રાટનો સંદેશ બધે પ્રસરી ગયો. શાંત અગ્નિને જેમ સંકોરીને ફૂંકીને ભડકો કરવામાં આવે, એમ આઘી-પાછી સંભારીને અજાતશત્રુ ક્રોધને દ્વિગુણ કરી રહ્યો. સૈનિકોમાં વિશેષ જોર આવ્યું ને તેઓએ પોતાની કામગીરી ક્રૂરતાપૂર્વક શરૂ કરી. રાજમાર્ગ તૂટી ગયા હતા. ત્યાં મરેલાં માણસો ને જાનવરોનાં શબ રઝળતાં હતાં. ઝરૂખાઓ શૂન્ય થઈ ગયા હતા; ને મગધના સૈનિકો ત્યાં ચઢીને નગરનું નિરીક્ષણ કરી રહ્યા હતા. કોઈ વાર કોઈ ગલીમાં છુપાયેલ માણસ બહાર દોડી આવતો તો મગધના સૈનિકો એને તીરથી વીંધી નાખતા. મોટા પ્રાસાદો ભડકે બળતા હતા, અને લૂંટનું કામ કરનારા એમાં ઝંપલાવીને જે હાથ પડ્યું તે ઉપાડી જતા હતા. પણ તે તેમના હાથમાં કે તેમના અધિકારમાં રહે, તે પણ શક્ય નહોતું. આગળ જતાં વળી કોઈ બલવાન વ્યક્તિ મળતી, તે તેને મારીને લૂંટનો માલ લઈને આગળ વધતી. યુદ્ધ તો માત્ર દશ દિવસ જ ચાલ્યું હતું, પણ એની તૈયારીઓ વર્ષોની હતી. આ માટે દિવસોથી ઘણા લોકોએ ઊંઘ હરામ કરી હતી. ગણતંત્રો ને મહાજનપદો માનતાં હતાં કે મહાવીર અને બુદ્ધે સ્થાપેલી અહિંસા-પ્રેમની હવામાં યુદ્ધ અસંભાવ્ય છે; બધું થાય પણ યુદ્ધ તો ન જ થાય. પણ એ માન્યતા ખોટી ઠરી; અશક્ય શક્ય થયું અને ભયંકર યુદ્ધ ઝગી ઊઠ્યું ! એક ગણતરી મુજબ દશ દિવસમાં ૯૬ લાખ માણસોનો સોથ વળી ગયો ! દુર્ભાગ્ય તો એવું હતું કે ઘાયલ, લૂલા, લંગડા, અંધ ને અપંગ માણસો ચારે તરફ ઊભરાઈ ઊઠ્યાં હતાં. વૈદ્યો ને પરિચારકોની મોટી તૂટ દેખાતી હતી. ઘાયલના થા ગંધાઈ જવાથી ને યોગ્ય શુશ્રુષા ન મળવાથી લોકો મનને મનાવવા સુગંધી અત્તરો વાપરતા હતા, નાકમાં અત્તરના ગાભા ભરતા હતા; પણ એમ છતાંય દુર્ગંધ રોકી રોકાતી નહોતી. સુગંધ જ્યારે દુર્ગંધનું રૂપ લેતી ત્યારે દુર્ગંધ કરતાં હજારગણી એ ભયંકર બની જતી. વૈશાલીની શેરીઓમાં ફરનારને સદા શ્રવણસુખ મળ્યા કરતું. ક્યાંક ગીત, ક્યાંક સંગીત અને ક્યાંક નૃત્યના રણકાર સંભળાતા. આજે એ માર્ગ પરથી પસાર થનારને માત્ર રુદન, ચિત્કાર ને હાયકારા જ સંભળાતા. કોઈ વૃદ્ધ માતાનો પુત્ર સંગ્રામમાં હણાયો હતો, કોઈ વિધવા માતાનો એકનો એક લાલ મોતના બિછાને છેલ્લા શ્વાસ ખેંચતો સૂતો હતો. વૈશાલીમાં રૂપવતીઓની દર વર્ષે ગણના થતી. લોકો એ રૂપવતીઓનાં નામ ને ચિત્ર સ્નેહથી સંઘરતા. એ રૂપવતીઓની શોધમાં મગધના કેટલાય શોખીનો ઘૂમતા હતા. પણ રૂપવતીઓએ આવતા ભયને ઓળખી લીધો હતો. તેઓએ પોતાની રૂપભરી કાયાને મગધના અસુરો જેવા સૈનિકોને હાથે ચુંથાવા દેવાને બદલે વિષ પી લીધાં સ્વાર્થ માટે ન રડો !D 367

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210