________________
‘સાચી વાત
તમારી બહેન ! મારા રૂપનો પણ ખોટો ઉપયોગ થયો. હું દેશસેવાના બહાને સંકુચિત કૂવાની દેડકી બની રહી. મેં થોડા રાજકારણી પુરુષોને દેવ માન્યા, એમની સંકુચિત સીમાઓને સ્વર્ગ માન્યું, એમની સ્વાર્થવૃત્તિઓને દેશોદ્વારની ભાવનાઓ લેખી, વિશ્વબંધુત્વને અશક્ય લેખ્યું. વિશ્વકલ્યાણનો મેં વિચાર ન કર્યો, અને એ વાતની જ્યારે મને ખાતરી થઈ, જ્યારે મારી આંખો ઊઘડી ગઈ, ત્યારે મેં મારા રૂપને મારા હાથે નકામું કર્યું – મારું નાક મારા હાથે જ છેદી નાખ્યું – ન વાંસ રહેશે, ન વાંસળી બજશે !'
‘શાબાશ બહેન ! હવે અમે શું કરીએ, જેથી અમારાં મન શાંત થાય ?' રાણીઓ પર ફાલ્ગુનીના શબ્દોની ધારી અસર થઈ હતી.
‘આ જખમી માનવીઓની સેવા, બહેન ! પોતાનાં જણ્યાંને તો સહુ જાળવે, પણ પારકાં જણ્યાંને જાળવીએ ત્યારે જ આપણે ખરાં !' ફાલ્ગુનીએ કહ્યું. જખમીઓ કોણ છે ?’
‘મગધના ને વૈશાલીના સૈનિકો ને નાગરિકો.
રે, વૈશાલીવાળાઓએ તો અમારા પતિને હણ્યા ! એની સેવા કેમ થાય ?' ફરી જાણે વેરની માદકતા સ્પર્શી રહી.
યુદ્ધને જો દેશવટો દેવો હોય તો સહુને માનવની દૃષ્ટિથી જુઓ. ભગવાન મહાવીરની વાણી યાદ કરો. તેઓ કહે છે કે આપણને જેમ સુખ ગમે છે, તેમ સહુ જીવને સુખ ગમે છે. આપણને દુઃખ જેમ અપ્રિય છે, એમ સહુ જીવોને દુઃખ અપ્રિય છે. જીવમાત્રમાં સમાન ભાવ કલ્પો, બહેન ! કીડી ને કુંજર – બન્નેને સમાન રીતે જીવ વહાલો છે.’
‘પણ આ સમજણથી સંસાર સુખી થશે ખરો ? એ સમજણ ક્યારે થશે ?' ‘ઉદ્યમીને કશું દુર્લભ નથી. ચાલો બહેનો ! આપણાથી આરંભ કરીએ. સ્ત્રીઓની દયા-માયા અપાર હોય છે. જાગશે તો જગત એથી જ જાગશે.’
ને બધી રાણીઓ ફાલ્ગુનીની સાથે એ ખંડેર પ્રાસાદની અંદર પ્રવેશી ગઈ. થોડી વારમાં તો એ જખમી લોકોની સુશ્રુષામાં મગ્ન થઈને ચારેકોર ફરતી નજરે પડી.
372 D શત્રુ કે અજાતશત્રુ
50
કાદવમાં કમળ
વૈશાલીનું યુદ્ધ પૂરું થયું. જ્યાં ચોવીસે કલાક આનંદવિલાસનું વાતાવરણ હતું, ત્યાં સ્મશાનની શાંતિ પ્રસરી ગઈ.
વૈશાલીએ ભયંકર વિનાશ વેઠ્યો હતો, અને લગભગ એનું અસ્તિત્વ પૃથ્વી પરથી નેસ્તનાબૂદ થઈ ગયું હતું, પણ સામે મગધે પણ ઓછી ખુવારી નહોતી વેઠી. મગધને પણ પોતાના સર્વસ્વની બાજી લગાવી દેવી પડી હતી, પણ જીત પ્રાપ્ત થવાથી એ ખોટ આખરે ભરપાઈ થઈ ગઈ હોય તેમ લાગતી હતી.
વૈશાલીનાં મદદગાર અને મગધનાં સાથીદાર રાજ્યોની હાનિ પણ અલ્પ નહોતી. ભારતવર્ષના વિશાળ ભાગ પર દીવો અને દેવતા બંધ થઈ ગયાં હતાં, ને પૂર્ણિમા અમાવાસ્યા બની ગઈ હતી ! દિવસ મેઘલી રાતના જેવા ભયંકર બની ગયા હતા. હજી રસ્તાઓ પર ચાલતાં હાડકાં ને નરમુંડ અડફેટે ચઢતાં, અને દિશાઓમાંથી જ્યારે પવન વહેતો ત્યારે એમાં સડેલાં માંસની ગંધ આવતી.
આજુબાજુનાં નગરો, ગામો ને જનપદો સાવ ઉજ્જડ થઈ ગયાં હતાં. ત્યાં ધોળે દહાડે ધાડ પડતી. ધાડ પાડનારાઓને આકડે મધ જેવું થતું. સુવર્ણના ઢગેઢગ એમ ને એમ મળતા. અને સામનો કરનાર કોઈ જોવા ન મળતું.
બધે નાનાં બાળકો અને વૃદ્ધ સ્ત્રી-પુરુષોની વસ્તી દેખાતી, અને એ બધાં જાણે મરવાના વાંકે જીવતાં હતાં !
રાજા અજાતશત્રુએ વૈશાલી જીત્યું, પણ આખરે એને એ જીત હાર જેવી લાગી. સારી વસ્તુનો શેષ પણ રહ્યો નહોતો, ને ખરાબ વસ્તુના ઢગ ખડકાયા હતા. પોતાનાં જ સ્વજન, પરિજન ને સ્નેહીજનના વિનાશથી મેળવેલું વૈશાલી એને જીતના આનંદને બદલે હારનો શોક પેદા કરતું હતું. શોક ક્રોધને જન્માવતો હતો. કુંભાર ગધેડાં પર દાઝ કાઢે, એમ એ સૂની વૈશાલી પર પોતાની ખીજ ઉતારી રહ્યો.