Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 202
________________ વા ફર્યા, વાદળ ફર્યા. અજાતશત્રુને મહારથી અર્જુનના જેવું થયું. પ્રારંભમાં સમરાંગણને કાંઠે ઊભા જ વિષાદ વ્યાપ્યો, અને એ પછી એવો ઉત્સાહ વ્યાપ્યો કે ન પૂછો વાત ! ધર્મથી કે અધર્મથી, ફાવે તે રીતે, શત્રુ બનેલા સ્વજનોને એણે હણ્યા અને રાજ્ય પ્રાપ્ત કર્યું! યુદ્ધ વસ્તુ જ એવી છે, કે ધર્મરાજ જેવા યુધિષ્ઠિર એસત્ય વદ્યા અને યોગેશ્વર શ્રીકૃષ્ણ જેવા પ્રતિજ્ઞાભંગ કરી ભીમને મારવા ચક્ર ચલાવીને દોડ્યા, તો બિચારા અજાતશત્રુનું શું કહેવું ? ધીરે ધીરે યુદ્ધની અંધારી રાતો ઓગળી ગઈ, અને સર્વનાશની ભયંકર ભૂતાવળો પણ શમી ગઈ. દુઃખનું ઓસડ દહાડા, એમ રોતાં અનાથ બાળકો વળી હસતાં થઈ ગયાં, ને વિલાપ કરતી વિધવાઓનાં આંસુ પણ સુકાઈ ગયાં. વૈશાલી વિના કેમ જિવાશે, ગણશાસન સરોવરનાં મીનને રાજ શાસનનાં કટુ જળ કેમ ભાવશે, એમ માનનારાં પ્રજાજનો પણ હવે વાર્તા સિવાય વૈશાલીને સંભારતાં નહિ, અને જે ઓ વૈશાલીના વિનાશક પ્રત્યે પૂરેપૂરું વેર વસૂલ કરવાનું વ્રત લઈ બેઠા હતા, તેઓનું વ્રત પણ ‘બાધા મારી મા, લાડવા પરથી ઊતરી દાળ પર જા,’ એમ ફેરવાઈ ગયું હતું ! કેટલાક અતિ વફાદાર હતા, તેઓ ગુપ્ત રીતે વૈશાલીનાં સુંદર ચિત્રો ઘરમાં રાખી, તેની પૂજા કરી, મગધનાં પ્રજાજન બની સુખે જીવી રહ્યાં. હવાની સાથે આખો યુગ હવા થઈ ગયો ! પ્રજાની સ્મૃતિ ટૂંકી હોય છે; અને જેની સ્મૃતિ ટૂંકી એનાં સુખદુ:ખ પણ ટૂંકાં. જરાક પ્રતાપવિસ્તાર કર્યો કે પ્રજા અધીનની અધીન - જાણે ઘેટું જ જોઈ લ્યો ! વિજેતા મગધરાજ અજાતશત્રુનો ભૂતકાળ કોઈ હવે સંભારતું નહોતું. લોકો કહેતાં કે વાઘના વનમાં પગ કદાચ મૂકી શકાય, પણ વાઘની બોડમાં ન મુકાય. જે સુખી કરે તે આપણો સ્વામી ! વૈશાલી-મગધના ભેદ તો સંકુચિત માનસના છે; વિશ્વ આખું આપણું કુટુંબ છે ! – આજ સુધીમાં માણસે ફિલસૂફીનો વધુમાં વધુ ઉપયોગ પોતાની કમજોરીઓને પંપાળવામાં જ કર્યો છે ! કેટલાક પ્રકૃતિતત્ત્વના મહાન જ્ઞાતા કહેવા લાગ્યા કે જ્યારે બહુ વસ્તી-વધારો થાય ત્યારે સ્વાભાવિક રીતે યુદ્ધ આવીને ઊભું રહે છે. ઉદર માટે બિલાડી, બિલાડી માટે કૂતરું, એમ માણસની સંખ્યા માટે યુદ્ધ નિયામક છે. માટે સ્વાભાવિકનો શોક કેવો ? અને વળી યુદ્ધ શાપ પછી આશીર્વાદ પણ આણે છે. જેમ સાદો છોડ અને કલમી છોડ બન્નેના ખીલવામાં પરિવર્તન દેખાય છે, એમ જગતનું પણ સમજવું. યુદ્ધથી યુગસુખ વધુ પાંગરે. કેટલાક કાયર અહિંસાધર્મીઓ કહેતા હતા કે આ યુદ્ધ તો હિંસાધર્મીઓની સાન ઠેકાણે લાવવા માટે આવ્યું હતું. તેઓએ આજ સુધી બીજાની કતલ કરી, તો હવે તેઓની કતલ બીજાઓએ કરી ! કર્યા કર્મ ભોગવ્યા વિના ક્યાં છૂટકો છે ? હવે હિંસાની વાત કરે તો ખરા ! આમ સહુ પોતાની ઢોલકી અને પોતાનો રાગ બેસાડવામાં મસ્ત હતા, ત્યારે રાજા અજાતશત્રુના ખિન્ન હૃદયમાં ઉત્સાહનાં નવાં પૂર ઊમડતાં હતાં. ધીરે ધીરે તમામ ધર્મોને દાન, માન ને શાસનની બાિસ કરીને એણે પોતાના ખૂની ડગલા પર કિનખાબના રૂપાળા વાઘા ચઢાવવા શરૂ કર્યા હતા, ધર્મમંદિરોએ અને બે બદામથી તુષ્ટ થતા દેવોએ હંમેશાં સતી સોદાગીરી આચરી છે. જમીનનો એક ટુકડો મંદિરને બક્ષિસ મળ્યો, એટલે દાતા ધર્મવીર ને દાનવીર થઈ ગયો ! પછી ભલે આખી દુનિયાની ભૂમિ હકદારોના હક ડુબાડીને આંચકી લીધી હોય ! દેવ-દેવી તો એવાં હરખપદુડાં દેખાયાં છે કે સાત શ્રીફળમાં સાત સોનાના ચરુ ભેટ આપે ! એ ધર્મમંદિરોને અજાતશત્રુએ પોતાની કીર્તિનાં વાહક બનાવ્યાં. દિનદહાડે ન જાણે કંઈ કેટલી દાન-બક્ષિસો અપાવા લાગી અને કેવાં કેવાં બિરુદો એને મળવા લાગ્યાં. અને પછી તો જાણે હરીફાઈ જાગી. કયા ધર્મે ઓછી સખાવત મેળવવા છતાં વધુ સ્તુતિગાન ગાયાં, એની નોંધ થવા લાગી ! અજાતશત્રુ ધર્મવીર રાજવી ગણાયો. પ્રજાઓના મુખ્ય ધર્માચાર્યો તરફથી એને સ્વર્ગના સ્વામી થવાનાં વરદાન મળવા લાગ્યાં ! અને આમ ‘સોંશે ભાડે સિદ્ધપુરની જાત્રા” થતી જોઈ અજાતશત્રુએ પણ રોજ ઊગતા સૂર્યની સાક્ષીએ દાનપત્રો બક્ષવા માંડ્યાં ! આવા દાનવીર, ધર્મવીર રાજવીનું નામ પ્રભાતકાળે પ્રથમ લેવામાં પુણ્ય મનાવા લાગ્યું ! વા ફર્યા, વાદળ ફર્યા 381

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210