________________
‘હવે બંને જણા નિરર્થક વાતો કર્યા વગર પ્રસ્થાનની તૈયારીઓ કરો.' ફાલ્ગુની બોલી.
પૂનમ, જે અત્યાર સુધી પોતાને રોગિષ્ઠ, ઢીલો અને વાણિયા જેવો દેખાડતો હતો, એ એક સશક્ત, સ્નાયુબદ્ધ અવયવોવાળો સૈનિક દેખાયો. એ કૂદીને અશ્વ પર ચઢી ગયો.
‘અરે પૂનમ ! એક પળમાં આટલો બદલાઈ ગયો ! શું ફાંકડો નર છે !' મુનિએ
કહ્યું .
‘એ મગધનો સિંહપાદ સૈનિક છે. સિંહપાદ સૈનિકોને બે વાત નાનપણથી શીખવવામાં આવે છે : સિંહ જેવું બળ કેળવવું ને પોતાના દેશ ખાતર જ્યારે જરૂર પડે ત્યારે અર્પણ થઈ જવું. એનું નામ મહાસેન. વૈશાલીના સો સૈનિકોને એ એકલો પૂરો પડી શકે તેવો છે !’ ફાલ્ગુનીએ પૂનમનો તાદેશ ચિતાર દોરતાં કહ્યું.
‘ભારે ખેલ રચ્યો તમે તો ! અરે, મને સાવ મૂર્ખ બનાવી નાખ્યો.’
‘મહાત્માઓને લોભાવવા યુગે યુગે અપ્સરાઓ આવી છે. મુનિરાજ ! તમને મૂર્ખ નહિ પણ મહાન બનાવવા આ કાવતરું કર્યું છે. સામ, દામ, દંડ, ભેદ જેમ યુદ્ધમાં જરૂરી છે, એમ વ્યવહારમાં પણ આવશ્યક છે. મગધને એક પ્રબલ રાજગુરુ જોઈએ છે.’
‘દેવદત્ત છે ને !'
મગધપતિને એ પસંદ નથી. એમ તો મગધપતિને ગોશાલક ક્યાં નથી ? રાજા કરતાં રાજગુરુ મહાન હોવો ઘટે. રાજ્યની શક્તિ જ્યાં નાસીપાસ થાય ત્યાં ગુરુનું દૈવત ફતેહ કરી જાય.’
‘તારો રાજા મને એવો માને છે ?' મુનિએ પૂછ્યું.
‘હા. તમે હો તો મગધપતિની ચક્રવર્તીપદની આકાંક્ષા પૂરી થાય; અને ચક્રવર્તી બનેલા મગધપતિને પછી નર અને દેવો જેની ચરણસેવા કરે તેવા સમર્થ રાજગુરુ શોધવા જવું ન પડે !”
મુનિ આ સાંભળી રહ્યા. એમણે કંઈ જવાબ ન વાળ્યો. ફાલ્ગુની એમને મોટા સિંહાસને બેસાડી રહી હતી, પણ પોતાના ડહાપણ વિશે આજે તેમને અશ્રદ્ધા થઈ ગઈ હતી. એમને અંતરમાં એમ લાગતું હતું કે બે ન બગાડવાં. મર્યા પછીના સ્વર્ગને હાનિ પહોંચતી હોય તો ભલે પહોંચે, પણ પૃથ્વી પરના સ્વર્ગને હાથમાંથી સરી જવા ન દેવું. બૂડચા પર બે વાંસ. હવે મારા ભવરથની સારથિ ફાલ્ગુની ! એ કહે તેમ કરવું; એને રાજી રાખવી.
ધીરેથી બન્ને રથમાં આરૂઢ થયાં. રથ ભવ્ય હતો. ઘોડા હરણ જેવા સ્ફૂર્તિમાન હતા. રથ વેગપૂર્વક ચાલ્યો.
214 | શત્રુ કે અજાતશત્રુ
મુનિ ઘડીકમાં વિચારમગ્ન બની જતા, ઘડીકમાં ફાલ્ગુની સામે જોઈ રહેતા ને ધીરેથી કહેતા : ‘ઓહ ! ભાવિનો કેવો ઊંડો ભેદ ! શું માન્યું ને શું નીકળ્યું !'
આ રથ તો હરણ-૨થ છે.' ફાલ્ગુનીએ મુનિને બીજી વાતે વળવા પ્રયત્ન કર્યો. એ એક ભારે મુશ્કેલ કામગીરીના છેડા પર હતી. એણે આરંભેલું સુદીર્ઘ નાટક હવે ત્રીજા અને છેલ્લા અંક પર પહોંચી ગયું હતું.
‘હરણ-રથનો અર્થ હરણ જેવા ઝડપી અશ્વો જેમાં જોડાયા હોય તે ને ?' મુનિએ અન્યમનસ્ક રીતે પૂછ્યું.
‘ના રે, ના. આ તો શોખીન રાજાઓને માટે કોઈ સુંદરીનું અપહરણ કરવા માટેનો ગ્રંથ છે.'
‘એટલે ?’
‘આ રથમાં એવી કારીગરી છે કે અંદર બેઠેલાં ન દેખાય, અને જે દેખાય તે ખોટાં હોય.’
‘એ ન સમજાયું !' મુનિની નિરાશામાં વળી તેજી આવી.
‘અરે રથિક ! જરા ૨થ થોભાવ !'
૨થ થોભ્યો. બંને જણાં નીચે ઊતર્યાં, ને રથ ચલાવવાનું કહી પોતે બાજુમાં ચાલવા લાગ્યાં.
ખરેખર ! રથમાં કોઈ નહોતું, પણ કોઈ બે સ્ત્રીઓ બેઠેલી દેખાતી હતી : એક રાણી જેવી સ્ત્રી તકિયાને અઢેલીને બેઠી હતી, ને બીજી દાસી જેવી સ્ત્રી એના પગ દાખતી હતી !
‘અરે ! ૨થ તો સાવ ખાલી છે, ને આ શું ?' મુનિ આ ચતુરાઈ પર વારી ગયા. ‘એ જ કરામત છે ને ! આ પડદાનાં યાંત્રિક ચિત્રોમાં એ ખૂબી છે. જે બાજુથી જુવો એ બાજુથી આ જ દશ્ય દેખાશે.' ફાલ્ગુની મુનિને બીજી બાજુ લઈ ગઈ.
‘મગધનું વિજ્ઞાન ખૂબ આગળ વધેલું લાગે છે.’ મુનિએ કહ્યું, ‘અમે ગણતંત્રનાં રાજ્યોને આગળ વધેલાં કહીએ છીએ, પણ ખરી રીતે રાજતંત્રોની સ્થિતિ જુદી છે.’
‘ગણતંત્રનો વિચાર સુંદર છે, પણ એનો આચાર કઠિન. યંત્રવિજ્ઞાનની તો તમને શું વાત કહું ? જો આપણે મગધપતિની પૂરી કૃપા પામીશું તો હું તમને યુદ્ધ માટેનાં બે નવાં અદ્ભુત યંત્રો બતાવીશ.'
‘ઓહ સખી ! પણ યુદ્ધનો વિચાર જ નિરર્થક છે !'
‘જેઓના મનમાં યુદ્ધ ઘૂમી રહ્યું છે તેઓ જ એની નિરર્થકતાની ખોટી ખોટી વાતો કરે છે !'
ફાલ્ગુનીનું સાચુ રૂપ D 215