Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 161
________________ આ માગણી આગેવાનો તરફથી કાને ધરવામાં તો ન આવી, પણ બધે ઠેકાણેથી તલવાર તરફ ઘૃણા દાખવવામાં આવી ને લોકો છડેચોક બોલવા લાગ્યા કે લડવું એ તો નરી વનેચર-સંસ્કૃતિ ! સહુનો લાડકવાયો કચરાજી જ્યારે ન્યાયદેવતાના પ્રાસાદે પહોંચ્યો ત્યારે દરવાને એને કહ્યું : ‘અંદર ગયેલા હજી પાછા આવ્યા નથી. અનેકને દાખલ કરવાની મંત્રીરાજની મના છે.' ‘તો જા, અનુમતિ લઈને આવ !’ દરવાન અનુમતિ લેવા અંદર ગયો અને કચરાજ બહાર ઊભો રહ્યો. ઊભા ઊભા એ નવા નાટકમાં ફાલ્ગુની માટે અને પોતાના માટે યોગ્ય પોશાકની પોતાના મંત્રી સાથે ચર્ચા કરી રહ્યો. દેશદેશની સંસ્કૃતિનો એ જાણકાર હતો. ચર્ચા ઠીક ઠીક લાંબી ચાલી, અને ઘણી વાર થઈ છતાં દરવાન અનુમતિ લઈને પાછો ન આવ્યો. ‘અરે ! હજીય અનુમતિ ન આવી ?' કચરાજે જરા ઉતાવળ બતાવી, પણ છેલ્લા નાટકની બે ગીતપંક્તિઓ યાદ આવતાં એ મોજથી ગણગણી રહ્યો ! ‘વાહ કવિ, વાહ ! તલવારથી પણ વધુ તેજસ્વી ! લવિંગથી પણ વધુ તીખી ! કેળથી પણ વધુ મુલાયમ !' મહારાજ ! કીમતી સમય ચાલ્યો જાય છે !' સાથીદારે કહ્યું. ‘રે મૂર્ખ ! એથીય વધુ કીમતી ગીતપંક્તિઓ સરી જાય છે ! તમને બધાને યુદ્ધે જડ બનાવ્યા છે, અસંસ્કારી બનાવ્યા છે. વારુ, અનુમતિ હજી નથી આવી, તો શું કરીશું ? ‘પ્રવેશ કરીએ.’ એક યોદ્ધાએ કહ્યું. ‘અનુમતિ વગર પ્રવેશ એ તો વનેચરસંસ્કૃતિ લેખાય !' ‘મહારાજ ! ઘર બળતું હોય ત્યારે બુઝાવવાની મંજૂરી ન મંગાવાય. કેટલાક ધર્મ આપોઆપ સમજાય અને પળાય.' ‘ન્યાયદેવતાના પ્રાસાદમાં વગર અનુમતિએ પ્રવેશ મને રુચિકર નથી.' કચરાજે એ જ વાત ફરી ફરીને કરી. પણ અમને આમાં દાળમાં કાળું લાગે છે ! આપ ઊભા રહો, અમે અંદર જઈએ અને તપાસ કરી આપના માટે અનુમતિ લઈ આવીએ.’ ‘સારું.’ કચરાજ ફરી નવા નાટકની પંક્તિઓ ગણગણી રહ્યો ને સ્વગત બોલ્યો, ‘વૈશાલીમાં હજી વર્નચર-સંસ્કૃતિના અવશેષો પડ્યા છે. ભૂતકાળની દેવસૃષ્ટિની જેમ એને પણ હાંકી કાઢવી પડશે. રણભૂમિ રંગભૂમિ બને તો જ સંસ્કારિતાનો વિજય થાય ! વિના નાટક નહિ ઉદ્ધાર... 298 ] શત્રુ કે અજાતશત્રુ કચરાજ આમ વિચારતા હતા, ત્યાં એમના સેવકો પાછા આવ્યા, ને બોલ્યા : ‘રાજેશ્રી ! અંદર દરવાન નથી કે કોઈ નથી. ન્યાય-દેવતા પણ ક્યાંય શોધ્યા જડતા નથી. દેવી ફાલ્ગુનીને ત્યાં તો નહિ ગયા હોય ને ?' ‘હા, હા, ચાલો ચાલો, દેવી ફાલ્ગુનીના જલમહેલે ઘોડા હાંકો.' કચરાજને ફાલ્ગુનીનું નામ આવતાં ભારે ઉત્સાહ આવી ગયો. વિશેષ વિચાર કર્યા વગર ઘોડા ઝડપથી જલપ્રાસાદ તરફ વાળ્યા ! કચરાજના મોં પર ભારે ખુશાલી હતી. પણ જલપ્રાસાદના દરવાજા પર દરવાન નહોતો, અને પ્રવેશની અનુમતિ માગવા માટે દરવાન જરૂરી હતો. દરવાનની શોધ ચાલી. પણ કચરાજ અહીં ધૈર્ય ધારી શક્યા નહીં. તેમણે સીધો ઘોડો અંદર હાંક્યો. એક બટકબોલા સામંતે કહ્યું, ‘સામંતરાજ ! અનુમતિ ?' ‘અહીં અનુમતિની જરૂર નથી.’ “મહારાજ ! શાસ્ત્રમાં અન્ય સ્ત્રીના ઘરમાં પ્રવેશ કરતાં અનુમતિ આવશ્યક લેખી છે.' સામંતથી ન રહેવાયું. આ અન્ય સ્ત્રી નથી; અમે તો અવિભક્ત આત્માઓ છીએ. હું અને તું ના ભેદો અહીં વિરામ પામ્યા છે.’ જાદુ તો જુઓ. ગણિકાઓ સાથે ન જાણે કેમ બધા અવિભક્ત આત્માઓ થઈ જાય છે, ને ઘરની સ્ત્રીને જુવે એટલે પાછા વિભક્ત !' એક વૃદ્ધ સામંતે ધીરેથી કહ્યું. ફાલ્ગુનીનો આ જલપ્રાસાદ સ્ફટિકનો બનેલો હતો અને એમાં જલવાહિનીઓ, જલખંડો ને જલપ્રપાતો એટલાં હતાં કે એ જલનો બનેલો હતો, એમ પણ કહી શકાય. કેટલાક કુંડોમાં સભર પાણી ભર્યાં હતાં ને એમાં મોટા મોટા તરંગો ઊઠ્યા કરતા હતા. તરંગોમાં વાજિંત્રો એવી રીતે ગોઠવ્યાં હતાં કે આખો દિવસ જલતરંગ બજ્યા કરતું હતું. પાસે જ કિનારા પર મનોહર પંખીઓ ફરતાં હતાં. એ પાળેલાં હતાં ને છૂટાં ફરતાં. અલબત્ત, કોઈ પંખી ગમે તેવા પણ સોનાના પિંજરમાં રહેવા ન ઇચ્છે. અહીં ઝીણી જાળ ગૂંથી મોટાં પિંજર રચ્યાં હતાં. આ જલના પડદાઓ પાછળ ખંડોની હારમાળા હતી. એ ખંડોમાંથી ફાલ્ગુની કયા ખંડમાં મળી શકે, એ માત્ર પૂનમ જ જાણતો. આ ખંડો ખુબ ઉષ્માવાળા રહેતા ને સુગંધી ધૂપ ત્યાં ગૂંચળા વળ્યા કરતા. પાસે જ કાષ્ઠમંજૂષાઓમાં મદ્યના શીશા રહેતા. દરેક ખંડને ઉપખંડ હતો. એ ઉપખંડમાં ફાલ્ગુનીની સખીઓ આજ્ઞા ઉઠાવવા સદા સજ્જ બેસી રહેતી. ‘રે વૈદેહી !’ કચરાજે બૂમ પાડી. એ ઉત્સુકતાથી ફાલ્ગુનીને શોધી રહ્યો. ‘અરે ! વૈદેહી નહિ માગધિકે કહો.’ પેલા બટકબોલા સામંતે કહ્યું. ન્યાયદેવતા અદશ્ય ! – 299

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210