________________
નિજાનંદી સૌમ્યમૂર્તિ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજ લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
પરમ પૂજ્ય શ્રી રામચંદ્રજી મહારાજની ઓળખ એક સૌમ્યમૂર્તિ, તત્ત્વનિષ્ઠ, એકાંતપ્રિય અને જ્ઞાનાનંદનિજાનંદમાં મસ્ત શાંતાત્મા તરીકે જ આપી શકાય. જન્મભૂમિ-નાના ભાડિયા (તા. માંડવી, કચ્છ). જન્મ-વિ.સં. ૧૯૭૮. પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના સંસા૨પક્ષે લઘુબંધુ અને પછી શિષ્ય. દીક્ષા સં. ૧૯૯૯ આષાડ સુ.૧૦
ધ્રાંગધ્રા.
સંસ્કૃત-પ્રાકૃત-શાસ્ત્રાદિનો અભ્યાસ કર્યો, વાંચન કર્યું, સત્સંગ મળ્યો અને તેમની તત્ત્વદૃષ્ટિનો ઉઘાડ થતો ગયો. તેઓશ્રી વિચારશીલ અને આત્મલક્ષી બનતા ગયા. શ્રીમદ્ રાજચંદ્રજીના બોધવચનો તેમને વિશેષ પ્રેરક-બોધક અને ઉપકારક બન્યા. નિશ્ચયનયની ભૂમિકાનાં શાસ્ત્રો-ગ્રન્થોનું વાંચન-પરિશીલન તેમને વિશેષ પ્રિય અને રુચિકર બન્યું. તત્ત્વવિચારના પુનઃ પુનઃ પરિશીલનથી આંતરિક જાગૃતિનો અભ્યાસ દૃઢ થતો ગયો, જેથી બાહ્ય પ્રવૃત્તિઓ અને પરિચયની રુચિ ઓછી થતી ગઈ.
પ્રારંભના વર્ષોમાં ગુરુમહારાજ સાથે વિચર્યા. પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજને મુંબઈ–મા૨વાડ તરફ જવાનું થયું, પૂજ્ય રામચંદ્રજી મહારાજ તો ગુજરાત છોડીને કયાંય ગયા નહિ, દીક્ષા પછી પોતાની જન્મભૂમિમાં – કચ્છમાં એક વાર પણ ગયા નથી. પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ અને પૂજ્ય વિદ્યાચંદ્રજી મહારાજના કાળધર્મ પછી ગચ્છના નાયક તરીકે જવાબદારી તેમના ઉપર આવી ત્યારે એમણે એ નિર્લેપભાવે નભાવી. છેલ્લા પંદરેક વર્ષ અમદાવાદ-શામળાની પોળના ઉપાશ્રયે સ્થિરવાસ હતા.
જૈન-જૈનેતર જિજ્ઞાસુઓ તેમની પાસે સત્સંગ માટે આવતા. નિઃસ્પૃહ અને એકાંતપ્રિય એવા આ આત્મનિષ્ઠ મુનિવરને શિષ્યનું બંધન પણ માન્ય ન હતું. તેમ છતાં રૂણ (રાજસ્થાન)ના શ્રી જીવનચંદભાઈને દીક્ષાની ભાવના થતાં સંઘના આગ્રહથી તેમણે દીક્ષા આપી શિષ્ય બનાવ્યા - શ્રી પુન્યરત્નચંદ્રજી નામે એ મુનિવર પ્રસિદ્ધ છે.
ક્રમશઃ સ્વાસ્થ્ય નબળું પડયું. ભાવિક ભક્તોએ સેવાનો લાભ ઉઠાવ્યો. અંતે સં. ૨૦૫૦ ભા.વ.૫ના અમદાવાદ મધ્યે શાંત ભાવે તેમણે દેહ છોડયો. તત્ત્વચિંતક, નિજાનંદી, સૌમ્યમૂર્તિ એવા એ મુનિવરને પરમ વિનયથી વંદના! સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
૩૯ www.jainelibrary.org