________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓએ કહ્યું હતું કે અલ્પ સમયમાં તને તારા પ્રિયતમનો સંયોગ થશે. જ્ઞાની પુરુષનું વચન અમોઘ હોય છે. અસત્ય હોય જ નહીં. માટે ધીરજ રાખ... ચાલ, આપણે આશ્રમમાં જઈએ.’ હું વિલાસવતીને મારી સાથે આશ્રમમાં લઈ આવી.
આશ્રમમાં આવીને, મેં દરેક દિશામાં બે બે મુનિકુમારોને તમને શોધવા માટે મોકલ્યા. વિલાસવતીને મેં કહ્યું : “જો, આ મુનિકુમારો રાજપુત્રને શોધવા જાય છે. તેં એમને આપણા આશ્રમના પરિસરમાં જોયા હતા, એટલે તેઓ આસપાસમાં જ ક્યાંક હોવા જોઈએ, અને તેઓ મળી આવશે.”
હું વિલાસવતીની પાસે જ બેઠી. એને મેં કામકથાઓ કહી, એના મનનું રંજન કરવા માંડ્યું. એક પ્રહર વીતી ગયો. મુનિ કુમારો બધા જ પાછા આવ્યા. તેમને તમે ના મળ્યા. હવે મને ચિંતા થવા માંડી. “હવે હું આ મુગ્ધાને કેવી રીતે સંભાળીશ? મારે ગમે ત્યાંથી તેમને શોધી કાઢવા જોઈએ. તો જ વિલાસવતી જીવંત રહી શકે.” મેં આશ્રમની બીજી બે તપસ્વિની તાપસીઓને, એની સંભાળ રાખવા બેસાડી. તેમને સૂચના આપી કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તમારે રાજકુમારી પાસે જ બેસવું. એને એકલી મૂકીને, તમારે ક્યાંય જવું નહીં.' મુનિકુમારોને પણ ભલામણ કરી અને હું તમને શોધવા નીકળી પડી. ભગવાન કુલપતિનું ધ્યાન ધરતી, હું શોધતી શોધતી અહીં આવી ચઢી... અને તમે મળી ગયા. હે રાજ કુમાર, હવે આપણે જરાય વિલંબ કર્યા વિના, આશ્રમમાં પહોંચવું જોઈએ.’
૦ ૦ ૦ આચાર્યશ્રી સનકુમાર, કાકંદીનગરીના “ચંદ્રોદય’ ઉદ્યાનમાં રાજપુત્ર જયકુમારને, પોતાની આત્મકથા કહી રહ્યા છે. જયકુમાર તલ્લીન બનીને, આચાર્યદેવના મુખે, એમની આત્મકથા સાંભળી રહ્યો છે.
હું એ તપસ્વિની સાથે આશ્રમમાં ગયો.
હું કુટિરની બહાર ઊભો રહ્યો. તપસ્વિની કુટિરમાં ગઈ. બે મુનિકુમારોએ બહાર આવી, મને કુટિરમાં આવવા નિમંત્રણ આપ્યું. મેં કુટિરમાં પ્રવેશ કર્યો, મુનિકુમારોએ બેસવા માટે આસન પાથર્યું. મેં કમલપત્રોના બિછાનામાં બેઠેલી વિલાસવતીને જોઈ. હું આસન પર બેઠો.
બે તાપસકન્યાઓ પાણીનો કળશ લઈ આવી. તપસ્વિનીએ વિલાસવતીને કહ્યું : પુત્રી, અતિથિનો સત્કાર કર, એમનું પાદપ્રક્ષાલન કર.' વિલાસવતી ઊભી થઈ. તેણે મારી સામે જોયું. પછી ચારે બાજુ દૃષ્ટિ ફેરવી. મારી પાસે આવી અને મારા પગ ધોવા લાગી. બીજી બે તાપસકન્યાઓ ફણસ, કેરી વગેરે ફળો લઈ આવી. મધ્યાહુનનો સમય થઈ ગયો હતો. આશ્રમવાસીઓ પોત-પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હતા. તપસ્વિનીએ કહ્યું :
ભાગ-૨ ( ભવ પાંચમો
For Private And Personal Use Only