________________
eeeee મિચ્છાકાર સામાચારી
મિથ્યાત્વીથી માંડી સર્વવિરતિધર સુધીના આત્માઓને ત્રણ વિભાગમાં વહેંચી લો : (૧) ગાઢ મિથ્યાત્વી (૨) માર્ગાનુસા૨ી બનેલા મંદ મિથ્યાત્વીઓ અને સમ્યક્ત્વીઓ (૩) સાચા સર્વવિરતિધરો, સાચા દેશવિરતિધરો.
આ ત્રણેય વિભાગના જીવો મિ.દુ., આલોચના વગેરે કરતા હોય છે, પણ એમાં મોટો તફાવત છે.
જે ગાઢમિથ્યાત્વી જીવો છે તેઓ બહારથી સાધુવેષધારી પણ હોય. તેઓ ગુરુને ખુશ કરવા વગેરે કા૨ણોસ૨ કે રોજિંદી ટેવ પ્રમાણે પોતાના પાપોનું મિ.દુ. આપે ખરા, પણ એ પાપો કરતા અટકે નહિ. રોજ મિ.. આપ્યા કરે અને રોજ એ જ પાપો કર્યા જ કરે. દા.ત. નિષ્કારણ આધાકર્મી વાપરવું, વાડામાં ઠલ્લે જવું, પહેલે માળેથી માત્રુ ફેંકવું વગેરે પાપો કર્યા જ કરે. અંદર કોઈ પશ્ચાત્તાપ, દુઃખ પણ ન હોય. અને સાંજે પ્રતિક્રમણમાં આ બધા પાપોનું મિ.દુ. આપ્યા કરે. આવા સાધુઓના મિ.દુ. માત્ર નિષ્ફળ જાય એટલું નહિ પરંતુ એમને ત્રણ નુકશાનો થાય.
(૧) મિ.દુ. શબ્દમાં એવી પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે, “આ પાપ હું ફરી નહિ કરું.' હવે આ સંયમીઓ તો રોજ પ્રતિક્રમણમાં ઘણીવાર મિ.દુ. બોલે છે. બીજી બાજુ એ જ પાપો નિષ્ઠુર બનીને કર્યા જ કરે છે. એટલે આ તો ચોખ્ખો પ્રતિજ્ઞાભંગ જ કરે છે, સ્પષ્ટ મૃષાવાદ છે. મળવા આવેલા યુવાનને સંયમી આત્મા બાધા આપે કે, “તારે સિગારેટ-બીડી ન પીવી અને તમાકું ન ખાવું.” પેલો બાધા લઈ નીચે ઉતરી, બહાર નીકળતા જ બીડી પીવા લાગે, તમાકું ચાવવા લાગે અને જોગાનુજોગ એ બાધા આપના૨ સંયમી એ જોઈ જાય તો સખત ખખડાવે કે, “અલા! ભાન નથી ? બાધા લઈને ય સિગરેટ-બીડી પીએ છે?” એ સંયમીને યુવાન ઉપર તિરસ્કાર થઈ જ જાય. ભવિષ્યમાં એને બાધા આપતા વિચાર કરે.
એ બધા સંયમીઓ રોજ નવ વાર “કરેમિ ભંતે' બોલી એક પણ પાપ મન, વચન, કાયાથી ન કરવાની, ન કરાવવાની, ન અનુમોદવાની પ્રતિજ્ઞા લે જ છે. અને છતાં રોજ નાના-મોટા પાપો કોઈપણ કારણ વિના, નિષ્ઠુર બનીને સેવતા હોય તો તેઓ પણ પેલા યુવાન જેવા જ છે ને ? યુવાન તો બિચારો અણસમજુ, સંસારી હતો. આ સંયમીઓ તો સમજદાર, સંસારત્યાગી છે. છતાં તેઓની આ દશા હોય તો એ ઘણું ખરાબ કહેવાય.
સંબોધિસત્તરીમાં કહ્યું છે કે
“आजम्मं जं पावं बंधइ मिच्छत्तसंजुओ कोइ । वयभंगं काउमणो बंधइ तं चेव अट्टगुणं” એક મિથ્યાત્વી આત્મા આખી જિંદગીમાં ઘોરહિંસા, મૈથુન સેવન, વ્યભિચારાદિ દ્વારા જે પાપો બાંધે એના કરતા વ્રતનો ભંગ કરવાની ઈચ્છાવાળો આત્મા આઠ ગણું પાપ બાંધે.
જે સંયમીઓ રોજ પ્રતિજ્ઞા લઈ રોજ ભાંગે તેઓને તો કેટલું પાપ બંધાય ? આ ખૂબ વિચારવા જેવું છે. (૨) આ ગાઢ મિથ્યાત્વી સંયમી નિષ્ઠુર બની વારંવાર પાપ કરે છે અને ગુરુને ખુશ કરવા માટે, લોકોને ખુશ કરવા માટે આલોચના, પ્રાયશ્ચિત્ત કરે છે. આનો અર્થ એ કે આ તો ગુરુ વગેરે બધાને ઠગે છે. આમાં કપટ, ઠગાઈ વગેરે દોષો લાગે.
(૩) “રોજ પાપો કર્યા કરવા અને પ્રતિક્રમણાદિમાં મિ.દુ. આપ્યા કરવું” એવી આ સંયમીની પ્રવૃત્તિ જોઈ બીજાઓ પણ એ જ શીખે. આ તો ભયંકર અનવસ્થા ઊભી થાય, ખોટી પરંપરા પડે.
જે સંયમીઓ અપરાધો સેવ્યા કરે છે અને પ્રાયશ્ચિત્ત કર્યા કરે છે, અંદરખાને નિષ્ઠુર છે તેઓ નિયમા મિથ્યાત્વી જાણવા. માત્ર મિથ્યાત્વી જ નહિ પણ મહામિથ્યાત્વી જાણવા. સામાન્ય મિથ્યાત્વીઓ કરતા આ સંયમીઓ વધારે ભયંકર મિથ્યાત્વના સ્વામી જાણવા.
સંયમ રંગ લાગ્યો - મિચ્છાકાર સામાચારી ૭ ૨૪૫