________________
“આગમો હોવા છતાં નવા શાને રચવાનો નવો શ્રમ મદના કારણે થાય છે, આગમની મર્યાદા છે માટે નહિ-આ પ્રમાણે દુર્જનો નવા શાસ્ત્રની રચનાને દૂષિત કરે છે. તેથી અહીં સજજનોનો સાચો જવાબ એ છે કે સમુદ્રમાં પ્રવેશ કરાવનાર નૌકાજેવો એ શ્રમ છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથરચનાને જોઈને એ વિષયમાં દુર્જનો એમ કહેતા હોય છે કે આગમો વિદ્યમાન હોય તો નવા નવા ગ્રંથોની રચના કરવાની પાછળ શું પ્રયોજન છે ? કારણ કે માત્ર પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન જ ત્યાં મદથી કરાય છે... આવા આક્ષેપના જવાબમાં સજજનોનું એ કહેવું છે કે આગમ સમુદ્ર જેવાં છે. એમાં પ્રવેશ કરવા માટે નાવતુલ્ય પ્રકરણાદિ ગ્રંથો છે. નાવ વિના સમુદ્રમાં જઈએ તો પરિણામ કેવું આવે : તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. પ્રકરણાદિ ગ્રંથોની રચના કરીને ગ્રંથકારપરમર્ષિઓએ આગમસમુદ્રમાં આપણો પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા નવા નવા ગ્રંથોની રચના થઈ ન હોત તો આગમસમુદ્રને પાર પામવાનું શક્ય ના બનત. સમુદ્ર તરવા માટે તો નૌકા છે. નવા ગ્રંથો, આગમના અર્થને પામવા માટેનું એકમાત્ર સાધન છે...