________________
પૂ. મહારાજશ્રીનાં આ યશસ્વી કાર્યોની જેમ અન્ય ક્ષેત્રનું એવું જ યશસ્વી કાર્ય તે ભગવાન ? મહાવીરનાં ચિત્રસંપુટનું કાર્ય છે. આ ગ્રંથમાં એની લેખનસામગ્રીમાં તો ઝીણવટભરી દૃષ્ટિની સાથે ચિત્રકલા માટેની એમની સૂક્ષ્મ સૂઝની પણ પ્રતીતિ થાય છે. આ ચિત્રોમાં જે નાનીમોટી વિગતો છે તે શાસ્ત્રીય આધારયુક્ત છે અને ચિત્રો પણ મનોહર, ચિત્તાકર્ષક થયાં છે. આવાં ચિત્રોનો સંપુટ જેન સાહિત્ય-કલાના ઇતિહાસમાં પહેલી જ વાર એમના હાથે થયો અને ચારેબાજુથી, દેશ-પરદેશથી અને અત્યંત સુંદર આવકાર મળ્યો છે તે એટલે સુધી કે બીજા કેટલાકે પોતાના ચિત્રસંપુટમાંથી, કોઈ પણ ઋણસ્વીકાર વિના, આમાંના કેટલાંક ચિત્રોનો બેઠો ઉપયોગ કર્યો છે કે થોડા ફેરફાર સાથે નકલ કરી છે. હવે તો કોમ્યુટર આવતાં કેટલીયે પત્રિકાઓ, કેલેન્ડરો ઇત્યાદિમાં એમણે તૈયાર કરાવેલાં આ ચિત્રોનો જ પરંપરાએ ઉપયોગ ચાલુ થઈ ગયો છે. જૈન સમાજની કલાર્દષ્ટિને સંમાર્જવામાં પૂ. આચાર્યશ્રીજીનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. જેમ ચિત્રકલામાં તેમ શિલ્પકલામાં, મૂર્તિવિધાનમાં પણ એમણે શાસ્ત્રીય આધાર સાથે નવપ્રસ્થાનો કર્યા છે અને જૈન મૂર્તિકલાને વધુ રમણીય અને પ્રભાવક બનાવી છે. મુંબઈમાં વાલકેશ્વરમાં બાબુ અમીચંદના દેરાસરમાં માતાજી શ્રી પદ્માવતી દેવીની પ્રતિમા એનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
સંશોધન-સંપાદનના ક્ષેત્રે પૂ. મહારાજશ્રીનું એક મહત્ત્વનું યોગદાન તે ઉપાધ્યાય શ્રી : યશોવિજયજીની અપ્રકાશિત કૃતિઓને વિકભોગ્ય પ્રસ્તાવના સાથે પ્રકાશિત કરવાનું છે ઉપાધ્યાયજી મહારાજના જીવન અને કવનનો પ્રભાવ એમના લેખનકાર્ય ઉપર ઘણો બધો રહ્યો છે એ આ પ્રસ્તાવનાઓ વાંચતા તરત જણાશે.
કાલચક્ર જેમ જેમ ફરતું જાય તેમ તેમ વર્તમાન સાહિત્ય જૂનું થતું જાય, ભુલાતું જાય અને નવું નવું સાહિત્ય પ્રકાશમાં આવતું જાય. પાંચ સાત દાયકામાં તો કેટલાયે ગ્રંથો જૂના અને જર્જરિત થઈ જાય છે. એ ગ્રંથો સાથે એની કિંમતી પ્રસ્તાવના પણ કાલગ્રસ્ત કે દુર્લભ બની જાય છે. એટલા માટે જ એવા ગ્રંથોમાંની ઉપયોગી સામગ્રીનું પુનઃ પ્રકાશન થાય તો ભાવિ પેઢીને એથી લાભ થાય. લેખકને પોતાને પણ એ સદ્યસંદર્ભ તરીકે કામ લાગે છે. એટલા માટે જ પૂ. મહારાજશ્રીના આ પ્રસ્તાવના સંગ્રહ'ની ઉપયોગિતા રહેવાની.
આવું ભગીરથકાર્ય એકલે હાથે થાય નહિ. એમાં વળી પૂ. આચાર્યશ્રીજી છેલ્લાં દશ વર્ષથી અશક્ત છે, એટલે જ આટલા બધા ગ્રંથોમાંથી પ્રસ્તાવનાનું લખાણ જુદું તારવવું, પ્રેસકોપી તૈયાર કરવી, પૂફ વાંચવા ઇત્યાદિ કઠિન કાર્ય કરવા માટે પ. પૂ. પં. શ્રી વાચસ્પતિવિજયજી મહારાજ, પ. પૂ. શ્રી જયભદ્રવિજયજી મહારાજ તથા પ. પૂ. સાધ્વીજી શ્રી
પુષ્પયશાશ્રીજી તથા તેઓના શિષ્યા પ. પૂ. સાધ્વીજી શ્રી પુનિતયશાશ્રીજીએ ઘણો જ પરિશ્રમ * ઉઠાવ્યો છે. તેના સર્વ ખૂબ ધન્યવાદને પાત્ર છે.
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબનો પ્રસ્તાવના સંગ્રહ નામનો આ ગ્રંથ અનેકને માટે પ્રેરણારૂપ અને માર્ગદર્શક બની રહેશે એ નિઃસંશય છે.