________________
અંતરનો તરવરાટ
એક હોટલની ઉત્કૃષ્ટ વ્યવસ્થા જોઈને માનવજીવનના સાફલ્ય વિશે ગ્રંથલેખન કરતા ડૉ. નોર્મન વિન્સેન્ટ પિલ અતિ પ્રસન્ન થઈ ગયા. યુરોપની કેટલીય હોટલોમાં એ રહી ચૂક્યા હતા, પણ એમણે ક્યાંય પ્રવાસી માટે આટલી ચીવટ કે એની જરૂરિયાતોની ચિંતા જોયાં નહોતાં. આ માટે અભિનંદન આપવા તેઓ આલીશાન હોટલના કરોડપતિ માલિક આફ્રેડ ક્રેબ પાસે પહોંચ્યા અને કહ્યું, ‘તમે તમારી અઢળક સંપત્તિનો સાચે જ ઉત્તમ ઉપયોગ કર્યો છે.'
આફ્રેડ ક્રેબે કહ્યું, “સાહેબ, હું બાળપણમાં એટલો બધો ગરીબ હતો કે અંધારિયા ભંડકિયામાં અમે જીવન ગુજારતા હતા. મારી નોકરીનો પ્રારંભ હોટલમાં કપ-રકાબી અને એઠાં વાસણો સાફ કરવાથી કર્યો. સોંપાયેલું કામ ચીવટથી કરવું એ મારો નિશ્ચય. પરિણામે માત્ર એક મહિનામાં મારા માલિકે મને ‘પ્રમોશન' આપ્યું. વાસણો સાફ કરવાને બદલે એ વાસણો બરાબર સ્વચ્છ થયાં છે કે નહીં, એની દેખરેખની કામગીરી સોંપી. કામ સોએ સો ટકા સંતોષકારક ન થાય, તો હું બેચેન બની જતો અને તેથી જ આળસુ અને પ્રમાદી લોકો મારી પાસે ટકી શકતા નહોતા. આમ પ્રગતિ કરતાં કરતાં હોટલના મૅનેજરના પદ સુધી પહોંચ્યો અને પછી થોડીઘણી મૂડી ભેગી થઈ એટલે આ સાહસ કર્યું.”
ઓહ ! તમે તો ઘણું મોટું સાહસ કર્યું. થોડી મૂડીએ આવી આલીશાન હોટલ બંધાવવી, એ તો ઘણું મોટું સાહસ કહેવાય !'
સાચી વાત ! પણ મેં મારા જેવા વ્યવસ્થિત, ચીવટવાળા અને મહેનતુ માણસોને તૈયાર કરવા માંડ્યા અને ઈશ્વરકૃપા, આપ જેવાની શુભેચ્છા અને મહેનતુ માણસોના સાથને કારણે હું એક પછી એક હોટલ મેળવતો ગયો અને આ વ્યવસાયમાં આગળ વધતો ગયો. આ બધાનું કારણ એક જ કે હું હંમેશાં મારી હોટલોમાં ગ્રાહકોને વધુ ને વધુ સુવિધા આપતી સગવડો મળી રહે તે માટે મૌલિક યોજનાઓ કરું છું અને સૌથી મોટી વાત તો એ કે નાનું હોય કે મોટું કામ હોય, પણ તરવરાટથી કરવામાં માનું છું. સાચું કહું તો મારા અંતરના આ તરવરાટે જ મને ઘણાં તોફાનો સામે પાર ઉતાર્યો છે અને એને કારણે જ આ સ્થિતિએ પહોંચ્યો છું.”
///////
મંત્ર મહાનતાનો
31