________________
સૈનિકનું મૂલ્યવાન જીવન
ગ્રેટ બ્રિટનના નૌકાદળના વડા હૉરેશિયો નેલ્સન (૧૭૫૮-૧૮૦૫) પોતાના વિશાળ નૌકાકાફલા સાથે દરિયાઈ સફર બેી રહ્યા હતા. માત્ર ૧૨ વર્ષની વયે ઇંગ્લૅન્ડનો નૌકાસૈનિક બનનાર નેલ્સન વીસ વર્ષની વયે યુદ્ધજહાજનો કપ્તાન બન્યો. એ પછી સમય જતાં નેપોલિયન બોનાપાર્ટ સાથેનાં દરિયાઈ યુદ્ધોમાં બ્રિટનના નૌકાકાફલાની સફ્ળ આગેવાની સંભાળનાર નૌકાધિપતિ બન્યો.
એક વાર પોતાના નૌકાકાફલા સાથે નેલ્સન દરિયાઈ સફર ખેડતો હતો, ત્યારે એકાએક સામેથી દુશ્મનનાં બે જહાજો એમના તરફ ધસી આવતાં દેખાયાં. એ જહાજો ખૂબ ઝડપથી આવી રહ્યાં હતાં, તેથી નેલ્સને એના યુદ્ધજહાજને અતિ ઝડપે આગળ વધવા હુકમ કર્યો. આ સમયે નેલ્સનનો એક સૈનિક જહાજમાંથી દરિયામાં ગબડી પડ્યો. એ જીવ બચાવવા કોશિશ કરતો હતો. હાથ વીંઝીને જહાજ તરફ આવવાના મરણિયા પ્રયાસો કરતો હતો, પરંતુ જહાજની ગતિ રોકી શકાય તેમ નહોતી, કારણ કે સામેથી દુશ્મનનાં જહાજો ત્વરાથી સામે આવી રહ્યાં હતાં.
નૌકાધિપતિ નેલ્સનને આ ઘટનાની જાણ કરવામાં આવી એટલે એણે તત્કાળ આદેશ કર્યો કે જહાજ પાછું લઈને ડૂબતા સૈનિકને કોઈ પણ ભોગે બચાવો. જહાજ પરના એના સાથીઓએ કહ્યું કે આમ કરીશું તો દુશ્મનનાં જહાજો આપણને ઘેરી વળશે અને એક સૈનિકને બચાવવા જતાં આપણે બધા દરિયાઈ સમાધિ પામીશું.
નેલ્સને સમજાવ્યું કે એને માટે પ્રત્યેક સૈનિકનું જીવન અતિ મૂલ્યવાન છે અને તેથી એને આમ દરિયામાં ડૂબતો, મરણને હવાલે છોડી શકાય નહીં.
જહાજ પાછું લાવવામાં આવ્યું અને સૈનિકને બચાવવામાં આવ્યો. આથી બન્યું એવું કે દુશ્મનોએ માન્યું કે ઇંગ્લૅન્ડનું જહાજ એમની તરફ એ માટે આવી રહ્યું છે કે એની મદદે ઇંગ્લૅન્ડનાં બીજાં જહાજો આવી રહ્યાં છે. આથી દુશ્મનોએ એમનાં જહાજો પાછાં વાળ્યાં અને સહુને સૈનિકની જિંદગી બચાવનાર હૉરેશિયો નેલ્સનની દિલેરીનો પરિચય થયો.
મંત્ર મહાનતાનો 125