________________
બેવડી જવાબદારી સંખ્યાબંધ યાદગાર કાવ્યોના સર્જક એવા અમેરિકાના પ્રસિદ્ધ કવિ હેન્રી ડબલ્યુ. લાંગફેલો (ઈ.સ. ૧૮૦૭થી ઈ.સ. ૧૮૮૨)ના જીવન પર અકાળે એક પ્રબળ આઘાત થયો. તોતિંગ વૃક્ષ એકાએક મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડે, તેવી એમના જીવનમાં આઘાતજનક ઘટના બની.
મીણને ઓગાળતી એમની પત્નીનાં કપડાંને અચાનક આગ લાગી ગઈ અને એ ચીસાચીસ કરી ઊઠ્યા. હેન્રી ડબલ્યુ. લોંગફેલો પોતાની પ્રિય પત્નીને બચાવવા માટે દોડતા ગયા, પરંતુ એ ખૂબ દાઝી ગઈ હતી. ખૂબ દાઝી જવાને કારણે તેમની પત્ની મૃત્યુ પામી. આ ઘટનાએ આ મહાન કવિના હૃદયને વલોવી નાખ્યું.
એમને સતત ચીસો પાડતી અને આગથી ઘેરાયેલી પત્નીનું દૃશ્ય નજર સમક્ષ દેખાતું હતું અને એ લગભગ પાગલ જેવી અવસ્થામાં જીવવા લાગ્યા.
ભાંગી પડેલા આ કવિએ પોતાના અત્યંત દુઃખી અને વ્યથિત એવા ત્રણ પુત્રો પર નજર કરી અને મનોમન વિચાર્યું કે હવે આ પુત્રોને માતાની ખોટ પડી છે, માટે પિતા અને માતા બંને તરીકેની ફરજ બજાવવી એ મારું પરમ કર્તવ્ય ગણાય.
પત્નીના અણધાર્યા અકાળ અવસાનના શોકમાંથી ધીરે ધીરે બહાર આવીને એ પોતાના પુત્રો સાથે રમવા લાગ્યા. એમને સરસ મજાની વાર્તાઓ કહેવા લાગ્યા, એમની સાથે કવિતા ગાવા લાગ્યા, ગીત ગાઈ સુવાડવા લાગ્યા, વહાલથી ખવડાવવા લાગ્યા અને વખત મળે એમને બહાર ફરવા લઈ જવા લાગ્યા.
બાળકો સાથેના આ પ્રેમની વાત એમણે એમના “ધ ચિલ્ડ્રન્સ અવર' કાવ્યમાં હૃદયસ્પર્શી રીતે આલેખી છે. એ પછી એમણે મહાકવિ દાંતેનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. ધીરે ધીરે હેન્રી ડબલ્યુ. લોંગફેલો કામમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ એમના દર્દની વેદના હળવી થવા લાગી અને સમય જતાં એ મનની શાંતિ અને સ્વસ્થતા સંપાદિત કરી શક્યા. પોતાનાં સંતાનોને સરસ રીતે ઉછેરી શક્યા.
|
મંત્ર મહાનતાનો
149