________________
મહેનતનો જાદુ ગરીબીમાં જન્મનારને માટે બાલ્યાવસ્થાથી જ જીવન પડકારરૂપ હોય છે. અમેરિકાના અલ સ્મિથને ગરીબી વારસામાં મળી હતી અને એને એવી આર્થિક ભીંસમાં જીવવું પડ્યું કે એ માધ્યમિક શાળાનો અભ્યાસ પણ કરી શક્યા નહીં.
અલ સ્મિથ મક્કમ રીતે માનતા હતા કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તો પણ એમાંથી માર્ગ નીકળી શકે છે. પરિણામે મુશ્કેલીઓ મૂંગે મોંએ સહન કરવાને બદલે એમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા અને જીવનમાં પ્રગતિ સાધતા હતા.
આ અલ સ્મિથે લોકસેવાનું કામ શરૂ કર્યું અને ધીરે ધીરે ડેમોક્રેટિક પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા માંડ્યા. એમણે ન્યૂયોર્ક રાજ્યના સરકારી તંત્ર વિશે ઊંડો અભ્યાસ કર્યો. આને માટે એ સોળ સોળ કલાક કામ કરતા હતા.
સમય જતાં અલ સ્મિથ ન્યૂયૉર્ક રાજ્યની સરકાર વિશે સૌથી વધુ માહિતી અને સૂઝ ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા. એમની આ કુશળતાને કારણે અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે રાજ્યના લોકોએ એમને ચૂંટી કાઢ્યા અને પછી તો અત્યંત મહેનતુ અલ સ્મિથ સતત ચાર વખત ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર તરીકે આરૂઢ થયા.
એ અગાઉ કોઈ પણ વ્યક્તિએ ચાર ચાર વખત ગવર્નર પદ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી નહોતી. એ પછી ૧૯૨૮માં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થઈ. અલ સ્મિથની કાર્યકુશળતાને કારણે અમેરિકાની હાર્વર્ડ અને કોલંબિયા જેવી વિખ્યાત છ યુનિવર્સિટીઓએ એમને માનદ્ ડિગ્રી એનાયત કરી.
આર્થિક સંજોગોને કારણે માધ્યમિક શાળાનું બારણું પણ ન જોનાર વ્યક્તિ સોળ સોળ કલાકની મહેનતને પરિણામે પ્રજાનો લાડકવાયો નેતા અને વિખ્યાત યુનિવર્સિટીનો
માનદ્ પદવીધારક બની રહ્યો. મંત્ર મહાનતાનો
148