________________
સાદા જીવનનું આશ્વાસન
એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઈને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું. લટેસિયા પોતાનાં બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઈ જતી. વળી દુશ્મનો પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા.
ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્ઝાઇમાં આવી.
અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું.
આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, “હે માતા ! તમે જીવનમાં અપાર દુ:ખો વેઠ્યાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.”
આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુઃખી અને દારિદ્રમય દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઈ એની ટીકા કરે અને કહ્યું કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો સિયા એમને જવાબ આપતી, “આજે મારો દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુઃખ આવી પડે એની કોઈને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને અંક મહાન સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.”
135