________________
મંત્ર મહાનતાનો 132
સૌથી મહાન માનવી
ચીનના મહાન ચિંતક કૉન્ફ્યૂશિયસ સત્યના ઉપાસક હતા અને એમનું અંગત જીવન નમ્ર, ગૌરવશાળી, વિવેકી અને સ્વસ્થ હતું. વ્યવહારકુશળ અને ન્યાયપ્રિય કૉન્ફ્યૂશિયસ એમ કહેતા કે અપકારનો બદલો અપકારથી ન વાળો, પણ ઉપકારથી વાળો. એવા જ્ઞાની સંત કૉન્ફ્યૂશિયસને ચીનના સમ્રાટે બોલાવીને પૂછ્યું, કે જ્ઞાની પુરુષ, આ પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે ક
કૉન્ફ્યૂશિયસે હસીને કહ્યું, 'સમ્રાટ, આપ વિશાળ સામ્રાજ્ય ધરાવો છો અને સામર્થ્યવાન છો, માટે મહાન છો.'
સમ્રાટે વળતો પ્રશ્ન કર્યો, 'મારાથી મહાન કોણ હશે ?"
ત્યારે કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘ક્ષમા કરજો સમ્રાટ. હું સત્યનો ઉપાસક છું. ક્યારેય અસત્ય ઉચ્ચારતો નથી અને એ કારણે જ હું તમારાથી મહાન ગણાઉં.'
સમ્રાટે વળી પ્રશ્ન કર્યો, ‘આપણા બંનેથી પણ ચડિયાતી કોઈ મહાન વ્યક્તિ આ જગતમાં હશે ખરી ?”
કૉન્ફ્યૂશિયસે કહ્યું, 'હા સમ્રાટ, ચાલો, જરા મહેલની બહાર એક લટાર મારી આવીએ.’
સંત અને સમ્રાટ મહેલની બહાર નીકળ્યા. બળબળતી બપોર હતી. ધોમધખતો તાપ હતો અને એવે સમયે એક નાનકડા ગામના પાદરે એક માણસ કોદાળી લઈને એકલો કૂવો ખોદી રહ્યો હતો. કૉન્ફ્યૂશિયસે એ માણસ તરફ આંગળી ચીંધી કહ્યું,
‘સમ્રાટ, કોઈ પણ દેશના સમ્રાટ કે સંત કરતાં આ માનવી વધારે મહાન છે, કારણ કે એ કોઈનીય મદદ લીધા વિના બીજાના ભલા માટે કાર્ય કરી રહ્યો છે. એ એકલે હાથે જે કૂવો ખોદશે એનો લાભ આખા ગામને મળશે. સહુની તૃષા તૃપ્ત થશે, આથી બીજાની સેવામાં જીવન વ્યતીત કરનાર માણસ સૌથી મહાન કહેવાય.’