________________
સુખમય અંત મહાન તત્ત્વચિંતક સોલન પરિભ્રમણ કરતાં કરતાં રાજા કારૂના રાજ્યમાં પધાર્યા. રાજા કારૂને સત્તા અને સંપત્તિનું અત્યંત અભિમાન હતું, એણે આ તત્ત્વચિંતક સમક્ષ સ્વયં પોતાની પ્રશંસા કરવા માંડી અને પોતાની અમાપ સત્તા અને અઢળક સંપત્તિનું વિગતે વર્ણન કર્યું.
રાજા કારૂનો અહમ્ એની પરિતૃપ્તિ માટે એટલું ઇચ્છતો હતો કે આ મહાન તત્ત્વચિંતક પણ એની મુક્ત કંઠે પ્રશંસા કરે; પરંતુ રાજાની સત્તા કે સંપત્તિની એકેય બાબતનો નિસ્પૃહી તત્વચિંતક સોલન પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. અઢળક સંપત્તિનું વર્ણન સાંભળીને સોલનના ચહેરા પર આશ્ચર્ય કે અહોભાવ આવ્યો નહીં.
વાર્તાલાપ પૂર્ણ થયા બાદ તત્ત્વચિંતક સોલને રાજાને કહ્યું, “રાજન્ ! તમે તમારા સુખવૈભવની ઘણી સ્વપ્રશસ્તિ કરી; પરંતુ આ જગતમાં સૌથી મોટો સુખી માનવી એ છે કે જેનો અંત સુખમય હોય.”
અહંકારી રાજા કારૂને આ વાત અણગમતી લાગી. એણે સોલનનું સન્માન કરવાને બદલે એમની ઉપેક્ષા કરી; પરંતુ સોલન પર રાજાના આવા દુર્વર્તનની કોઈ અસર થઈ નહીં.
થોડા દિવસ બાદ રાજા કારૂએ પોતાનું રાજ્ય વિસ્તારવા માટે રાજા સાઈરસના રાજ્ય પર આક્રમણ કર્યું, પરંતુ એમાં એ પરાજય પામ્યો અને એને બેડીઓ બાંધીને કારાવાસમાં પૂરવામાં આવ્યો. રાજા સાઈરસે આવી રીતે સામે ચાલીને આક્રમણ કરનાર કારૂને જીવતો સળગાવી મૂકવાનો હુકમ આપ્યો. આ સમયે રાજા કારૂને સોલનનું સ્મરણ થયું અને એ સોલન ! સોલન !” એમ જોરજોરથી બૂમો પાડવા લાગ્યો. આ બૂમો સાંભળીને સાઈરસને અપાર આશ્ચર્ય થયું અને એને આનું કારણ પૂછવું.
કારૂએ સોલન સાથે થયેલી મુલાકાતની અને એણે આપેલા સંદેશની વાત કરી, ત્યારે
રાજા સાઈરસ પર એનો અત્યંત પ્રભાવ પડ્યો અને એણે બંદીવાન રાજા કારૂને કારાવાસમાંથી મંત્ર મહાનતાનો મુક્ત કર્યો. | 114