________________
કાર્યપદ્ધતિનું સ્મરણ અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ (૧૮૫૮થી ૧૯૧૯) રિપબ્લિકન પક્ષ તરફથી ન્યૂયોર્ક રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા. એ પછી પ્રમુખના નૌકાદળના મદદનીશ સચિવ બન્યા. અમેરિકાની સ્પેન સાથેની લડાઈમાં એમણે યશસ્વી વિજય અપાવ્યો અને ન્યૂયૉર્કના ગવર્નર થયા બાદ થિયોડોર રૂઝવેલ્ટ ૧૯૦૧થી ૧૯૦૯ સુધી અમેરિકાના પ્રમુખપદે રહ્યા.
આ સમય દરમિયાન એમણે મોટાં મોટાં વ્યાપારી-ગૃહોની સત્તાને પડકાર ફેંક્યો. પનામા નહેર ખોદીને એમણે ઍટલેન્ટિક અને પૅસિફિક મહાસાગરો વચ્ચે અમેરિકન નૌકાકાફલો જઈ શકે તેવી નહેર બનાવી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવ ધરાવનારા થિયોડોર રૂઝવેલ્ટે રશિયા અને જાપાન વચ્ચેનું યુદ્ધ બંધ કરવામાં અને સંધિ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
અનેક કપરા આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેતી વખતે થિયોડોર રૂઝવેલ્ટના દિવસો મૂંઝવણમાં પસાર થતા. તેઓ ચિંતિત હોય ત્યારે ખુરશી પર ટેકો દઈને બેસી રહેતા. એ પછી અમેરિકન પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં તેમના ડેસ્ક પાછળ ટીંગાડેલા અબ્રાહમ લિંકનની મોટા કદની તસવીર તરફ થોડી વાર જોઈ રહેતા.
તેઓ વિચારતા કે અબ્રાહમ લિંકને કેવી દઢતા અને નિર્ભયતાથી અમેરિકાને છિન્નભિન્ન થતું બચાવી લીધું. સાહસિક નિર્ણયશક્તિ દાખવીને લાખો ગુલામોને કાયદેસરની મુક્તિ અપાવી. કેવા સંઘર્ષો ખેડીને એમણે દેશહિતના નિર્ણયો કર્યા. આમ અબ્રાહમ લિંકન એમના પ્રેરણાસ્ત્રોત હતા અને પછી તસવીર નિહાળ્યા બાદ થિયોડોર રૂઝવેલ્ટ પોતાની જાતને પ્રશ્ન કરતા, “મારી જગાએ અબ્રાહમ લિંકન હોય તો શું કરે? આ સમસ્યાનો તેઓ કઈ રીતે ઉકેલ શોધે ?”
અને પછી અબ્રાહમ લિંકનના ગુણો અને કાર્યપદ્ધતિનું સ્મરણ કરતાં એમને કપરી મંત્ર મહાનતાનો પરિસ્થિતિ પાર કરવાનો ઉકેલ મળી રહેતો.
41
///////