________________
નારીનું સન્માન
ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટને અતિ મહત્ત્વાકાંક્ષી અને સત્તાલોભી તરીકે વર્ણવવામાં આવ્યો છે; પરંતુ એનાં કાર્યો જોતાં એમ લાગે કે એ કુશળ વહીવટકર્તા, પ્રજામાં શાંતિ સ્થાપનારો અને રાષ્ટ્રને માટે યોગ્ય શાસનવ્યવસ્થા કરનારો હતો. ફ્રાન્સને ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતા વહીવટી એકમોમાં વિભાજિત કર્યું. સૌથી વિશેષ તો ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પ્રથા બંધ કરીને ન્યાયાધીશોની સુરક્ષિતતા અને તાટસ્થ્ય જળવાઈ રહે, તે માટે નિયુક્તિની પ્રથા અમલમાં મૂકી. આ ઉપરાંત શિક્ષણ, અર્થતંત્ર અને લશ્કરી તંત્રના ક્ષેત્રે સુધારાઓ કરીને રાજ્યની સંસ્થાને મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો. એણે વિજય મેળવ્યા હતા તેવા પ્રદેશોમાંથી પણ સામંતશાહીને નાબૂદ કરી હતી.
પરાજિત દેશોમાં પણ એણે બંધારણ અને નાગરિક કાનૂનસંહિતા પણ દાખલ કરી હતી અને એ રીતે પરાજિત દેશોના વહીવટી તંત્રને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો.
આવા સમ્રાટ નેપોલિયને ાંસની પ્રજામાં નવો પ્રાણ ફૂંક્યો અને ફ્રાંસની સ્ત્રીઓને શક્તિ અને સંસ્કારના પ્રતીક તરીકે એણે સન્માન આપ્યું.
સમ્રાટ નેપોલિયનના મહેલમાં એક ભવ્ય સ્નાનગૃહ તૈયાર થતું હતું અને આવા સમર્થ વિજેતા સમ્રાટના સ્નાનગૃહમાં દીવાલો પર ચિત્રકારોએ સુંદર ચિત્રકૃતિઓ અંકિત કરી. સ્નાનગૃહનું કાર્ય પૂર્ણ થયા પછી સમ્રાટ નેપોલિયન સ્નાન કરવા માટે ગયો, ત્યારે એની નજર દીવાલો પરનાં ચિત્રો પર પડી.
એણે જોયું તો એના પર કામોત્તેજના જગાવે તેવી સુંદરીઓનાં કલામય ચિત્રો આલેખ્યાં હતાં. આવાં ચિત્રો જોતાં જ નેપોલિયન સ્નાનગૃહમાંથી બહાર આવ્યો અને રાષ્ટ્રના અધિકારીઓને બોલાવીને કઠોર ઉપાલંભ આપતાં કહ્યું, સ્ત્રીઓનું સન્માન કરવું ઘટે, એને બદલે અહીં તો ચિત્રકારોએ વિલાસપૂર્ણ કામુક ચિત્ર દોરીને સ્ત્રીઓનું અપમાન કર્યું છે. કોઈ સેનાની કે સમ્રાટ સ્ત્રીઓનું આવું અપમાન સાંખી શકે નહીં, કારણ કે જે મંત્ર મહાનતાનો દેશ સ્ત્રીઓને વિલાસનું સાધન માને છે, તે દેશનો વિનાશ થાય છે.'
80