________________
jain
11
કથાસાર ત્રીજી પુત્રવધૂએ પાંચ દાણા સુરક્ષિત રાખ્યા હતા તેથી તેને નાણાંકીય ખાતું સોપ્યું. ચોથી પુત્રવધૂએ કહ્યું – પિતાજી, પાંચ દાણા મેળવવા ગાડીઓ જોઈશે. ધન્ય સાર્થવાહે તેનું સ્પષ્ટીકરણ માંગ્યું તો સવિસ્તાર વર્ણન કર્યું. ગાડીઓ મોકલવામાં આવી. ધન્ય શેઠ પણ ખૂબ જ પ્રસન્ન થયા. બધાયની સમક્ષ રોહિણીની ખૂબ પ્રશંસા કરી. તેને ગૃહસ્વામિનીના ગૌરવપૂર્ણ પદ ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી અને કહ્યું – 'તે પ્રશંસનીય છે બેટી! તારા પ્રતાપથી આ પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે.' દષ્ટાંતનો ઉપનય – શાસ્ત્રકારોએ આ ઉદાહરણને ધર્મશિક્ષાના રૂપમાં ઘટાવ્યું છે. જે વ્રત ગ્રહણ કરી તેનો ત્યાગ કરે છે તે પ્રથમ પુત્રવધૂ ઉજિઝતાની સમાન આ ભવ–પરભવમાં દુઃખી થાય છે. તિરસ્કારને પાત્ર બને છે. જે સાધુ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી સાંસારિક ભોગ-ઉપભોગને માટે તેનો ઉપયોગ કરે છે તે પણ નિન્દાને પાત્ર બની ભવભ્રમણ કરે છે. જે સાધુ ત્રીજી પુત્રવધૂ રક્ષિકાની સમાન અંગીકૃત મહાવ્રતોનું સારી રીતે રક્ષણ કરે છે તે પ્રશંસા પાત્ર બને છે અને તેનું ભવિષ્ય મંગલમય બને છે. જે સાધુ શેહિણીની સમાન સ્વીકૃત સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તે નિર્મળ–નિર્મળતર પાલન કરી સંયમનો વિકાસ કરી પરમાનંદના ભાગી બને છે. પ્રેરણા - શિક્ષા:- જો કે આ અધ્યયનનો ઉપસંહાર ધર્મશિક્ષાના રૂપમાં જ કરવામાં આવ્યો છે. છતાં તેમાંથી વ્યાવહારિક જીવનને સફળ બનાવવાની સુચારૂ પ્રેરણા મળે છે. (યોગ્યે યોગ્યન યોજયે) અર્થાત્ યોગ્ય વ્યકિતને તેની યોગ્યતા અનુસાર એવા કાર્યમાં જોડવી જોઈએ. મૂલભૂત યોગ્યતાથી પ્રતિકૂળ કાર્યમાં જોડવાથી યોગ્યમાં યોગ્ય વ્યકિત પણ અયોગ્ય સિદ્ધ થાય છે. ઉચ્ચ કોટિનો પ્રખર વિદ્વાન પણ સુતારના કામમાં અયોગ્ય સિદ્ધ થાય છે.
અધ્યયન – ૮ મલ્લિકુમારી મહાવિદેહ ક્ષેત્રમાં, સલિલાવતી વિજયની વીતશોકા નામની રાજધાની હતી. બલ નામનો રાજા હતો. એક વખત સ્થિવર ભગવંતોનું પદાર્પણ થયું. ધર્મદેશના શ્રવણ કરી રાજા બલે રાજ્યનો તથા હજાર રાણીઓનો ત્યાગ કરી દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરી સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષે પધાર્યા. બલ રાજાનો ઉત્તરાધિકારી તેનો પુત્ર મહાબલ થયો. અચલ, ધરણ આદિ અન્ય છ રાજા તેના પરમ મિત્ર હતા. જે સાથે જનમ્યા, સાથે રમ્યા અને મોટા થયા. તેઓએ નિશ્ચય કર્યો કે સુખમાં, દુઃખમાં, દેશયાત્રામાં અને ત્યાગમાર્ગમાં પરસ્પર એકબીજાને સાથ આપવો. આ રીતે સમય વિતતા એકદા મહાબલ સંસારથી વિરકત થઈ મુનિદીક્ષા લેવા તૈયાર થતાં બધાજ મિત્રો પણ પ્રતિજ્ઞા અનુસાર તૈયાર થઈ ગયા. બધાએ ઉત્કૃષ્ટ સાધના કરી, ઘોર તપશ્ચર્યા કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવપર્યાયે જન્મ લીધો. તે દરમ્યાન એક વિચિત્ર ઘટના થઈ ગઈ હતી. સાધનાકાળમાં મહાબલ મુનિના મનમાં કપટભાવ ઉત્પન્ન થયો કે હું અહીં પ્રમુખ છું, જ્યેષ્ઠ છું અને ભવિષ્યમાં પણ જ્યેષ્ઠ બનું. જો સમાન તપશ્ચર્યા કરીશ તો તેમની સમાન જ રહીશ, તેથી થોડી વધુ તપશ્ચર્યા કરું જેથી જયેષ્ઠ બની શકાય. આવા કપટયુકત આશયથી અન્યને પારણું કરાવી પોતે ઉપવાસના પચ્ચખાણ વધારી લેતા. સાતે મુનિઓએ એક સરખી તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો હતો છતાં છ મુનિવરો ઉપવાસ કરતા ત્યારે મહાબલમુનિ છઠ્ઠ તપ કરતા. બીજા છઠ્ઠ તપ કરતા ત્યારે મહાબલ અઠ્ઠમ તપ કરતા. તપશ્ચર્યાના ફલ સ્વરૂપે છ મુનિવરોએ દેવપર્યાયમાં બત્રીસ સાગરોપમમાં કંઈક ન્યૂન આયુષ્ય પ્રાપ્ત કર્યું જયારે મહાબલ મુનિએ સંપૂર્ણ બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી. તદુપરાંત તેમણે તીર્થકર નામકર્મનો બંધ કર્યો. જેથી મનુષ્યના ભાવમાં પણ તે છ થી વરિષ્ઠ બન્યા. રાજા હોય કે રંક, મહામુનિ હોય કે સામાન્ય ગૃહસ્થ, કર્મ કોઈની શરમ નથી રાખતા. કપટ સેવનના ફળ સ્વરૂપ મહાબળે સ્ત્રી નામ કર્મનો બંધ કર્યો. અને જયંત વિમાનથી ચ્યવી ભરતક્ષેત્રમાં મિથિલા નરેશ કુંભરાજાની મહારાણી પ્રભાવતીની કુક્ષિએ કન્યા સ્વરૂપે ઉત્પન્ન થયા. તેનું નામ 'મલ્લિકુમારી' રાખવામાં આવ્યું. તીર્થકરોનો જન્મ પુરુષના રૂપમાં હોય છે પણ મલ્લિકુમારીનો જન્મ સ્ત્રીરૂપમાં થવો એ જૈન ઈતિહાસમાં અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટના છે. મલ્લિકુમારીના અન્ય છ સાથી તેનાથી પૂર્વેજ વિભિન્ન પ્રદેશોમાં જન્મ લઈ પોત પોતાના પ્રદેશોના રાજા બની ચૂકયા હતા. તેમના નામ આ પ્રમાણે છે. (૧) પ્રતિબુદ્ધ – ઇશ્વાકુરાજા (૨) ચન્દ્રધ્વજ – અંગનરેશ (૩) શંખ – કાશીરાજ (૪) રુકિમ – કુણાલનરેશ (૫) અદીનશત્રુ - કુરુરાજ (૬) જિતશત્રુ – પંચાલાધિપતિ. અનેક વખત આપણે જોઈએ છીએ કે વર્તમાન જીવનમાં કોઈપણ પ્રકારનો સંપર્ક ન હોવા છતાં પણ કોઈ પ્રાણી પર દષ્ટિ પડતાં જ આપણા હૃદયમાં પ્રીતિ કે વાત્સલ્યભાવ ઉત્પન્ન થાય છે અને કોઈને જોતાં જ તિરસ્કાર થાય છે તેનું કારણ આપણે જાણી નથી શકતા છતાંય આવા ભાવ નિષ્કારણ તો નથી જ થતા. હકીકતમાં પૂર્વ જન્મોનાં સંસ્કારોને સાથે લઈને જ માનવ જન્મમાં કોઈ જીવ પ્રત્યે આપણો રાગાત્મક સંબંધ હોય છે, તેની ઉપર દૃષ્ટિ પડતાંજ અનાયાસ હૃદયમાં પ્રતિભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી ઉલ્યું, જેના પ્રત્યે વૈર વિરોધાત્મક સંબંધ હોય તેના પ્રત્યે સહજ દ્વેષની ભાવના જાગૃત થાય છે. અનેકાનેક શાસ્ત્રોના કથાનક દ્વારા આ વાતને પુષ્ટી મળે છે, યથા ભગવાન પાર્શ્વનાથ અને કમઠ, મહાવીર અને હાલિક, ગજસુકુમાર અને સોમિલ. અહીં પણ મલ્લિકુમારીના જીવ પ્રત્યે તેના પૂર્વભવના સાથીઓનો જે અનુરાગ સંબંધ હતો તે વિભિન્ન નિમિત્ત મેળવી જાગૃત થયો. સંયોગોવશાત્ છ એ રાજા મલ્લિકુમારી સાથે લગ્ન કરવાના ભાવથી સૈન્યસહિત મિથિલા નગરીમાં આવી પહોંચ્યા.
અહંન્નક ચંપાનગરીમાં અહંનક વગેરે અનેક વ્યાપારીઓ રહેતા હતા. જેઓ જળમાર્ગે વ્યાપાર કરવા પરદેશ જતાં. એકવાર પરસ્પર મંત્રણા કરી અનેક વ્યાપારીઓએ અન્ય સેંકડો લોકોને સાથે લઈ વિદેશયાત્રા માટે પ્રસ્થાન કર્યું. જહાજ સમુદ્રમાં જવા રવાના થયા. સેંકડો યોજન સમુદ્ર પ્રવાસ કર્યા બાદ અચાનક દેવનો ઉપદ્રવ થયો.